જો નાગવાસુકિનાં દર્શનમાત્ર જન્મકુંડલીમાં રહેલા કાળસર્પ યોગની નકારાત્મકતા દૂર કરી શકે તો ઔરંગઝેબ ક્યા ચીજ હૈ

02 February, 2025 04:56 PM IST  |  Prayagraj | Alpa Nirmal

પ્રયાગરાજનાં મહત્ત્વનાં મંદિરોની માનસયાત્રમાં આજે જઈએ નાગવાસુકિ મંદિર, સોમેશ્વર મહાદેવ, લેટે હનુમાન, મનકામેશ્વર અને તક્ષકેશ્વર મંદિર

પ્રયાગરાજના મુખ્ય નાયક લેટે હનુમાન મંદિર

એક સમય હતો જ્યારે અનેક લોકો માનતા કે કુંભસ્નાન તો ઘરડા-બુઢ્ઢાનું, અંધશ્રદ્ધાળુઓનું કે ગ્રામ્યજનોનું કામ; આપણને બહુ રસ નહીં. આજે એ જ લોકો ટેલિવિઝન, સોશ્યલ મીડિયા, અખબારોમાં આવતા કુંભમેળાના સમાચારો જોઈ-વાંચી અવાચક થઈ ગયા છે. હા, આ મેળામાં વડીલો-વયસ્કો છે, પરંતુ એટલી જ સંખ્યામાં યુવાવર્ગ પણ છે. ગ્રામીણ વસ્તી છે, તો દેશના મેટ્રોસિટીથી આવનારા યાત્રાળુઓની માત્રા પણ ઓછી નથી. માન્યું કે સીમિત આવક ધરાવતા સમુદાયની સંખ્યા વધુ છે, પણ શ્રીમંત અને ઉચ્ચ મધ્યમવર્ગીય ભક્તોની પણ કમી નથી.

કેટલાક કહેશે યુવાનો તો રીલ્સ બનાવવા કે સ્ટેટસમાં ફોટો-વિડિયો મૂકવા કે ફક્ત કુતૂહલથી જ ગયા છે. બાકી, તેમની કોઈ શ્રદ્ધા કે આસ્થા નથી, હોઈ શકે. આ વાત પણ થોડાક અંશે સાચી હોઈ શકે, પરંતુ ૧૦૦ ટકા સત્ય નથી. સનાતન સત્ય એ છે કે કોઈ પણ ઉંમર, સ્થાન કે વર્ગનો દરેક આદમી અહીં આવી ભક્તિરસમાં રંગાઈ જાય છે, પવિત્ર ડૂબકીઓ લગાવે છે, અખાડાઓની વિઝિટ કરીને સાધુ-બાવાઓનાં દર્શન કરે છે અને તીર્થરાજના મહત્ત્વના મંદિરની યાત્રા પણ કરે છે.

નાગવાસુકિ મંદિર

ગંગાના તટ પર આવેલા નાગવાસુકિ મંદિરના મુખ્ય પૂજારી શ્યામબિહારી મિશ્રાજી કહે છે, ‘દર ૧૨ વર્ષે આ સંગમક્ષેત્રે પૂર્ણકુંભ થાય છે. ગ્રહયોગ, નક્ષત્રોના હિસાબે અર્ધકુંભ પણ યોજાય છે, પણ આ પહેલાં ક્યારેય આટલી માત્રામાં ભાવિકો નાગવાસુકિનાં દર્શન કરવા આવ્યા નથી. કુંભમાં આવતા ભક્તજનો લંબે હનુમાનજી જાય, પરંતુ બહુ જૂજ મોટા ભાગે સ્થાનિક લોકો અને દક્ષિણ ભારતના ભક્તો વાસુકિબાબા પાસે આવતા. આ વખતે નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે.’

વેલ, એવું તે શું છે નાગવાસુકિ મંદિરમાં? એની કથા જાણવા આપણે જઈએ સમુદ્રમંથનકાળમાં. ધર્મગ્રંથો અનુસાર મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે દેવો નિર્બળ અને દીન થઈ ગયા. અસુરોએ સમસ્ત લોકમાં આધિપત્ય જમાવી દીધું. એ દશામાંથી બહાર આવવા દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને તેમણે દાનવો સાથે મળીને સમુદ્રમંથન કરવાનો ઉપાય આપ્યો. ઉપરાંત કહ્યું કે એ ક્રિયા બાદ જે અમૃત નીકળશે, એનું પાન કરી દેવો સબળ અને સશક્ત તો બની જશે અને સાથે અમરત્વને પણ પ્રાપ્ત કરશે.

નાગવાસુકિ મંદિર

આમ તો રાક્ષસો ત્યારે સર્વશક્તિમાન હતા એથી દેવાસુર સંગ્રામ કરવામાં તેમને બહુ રસ નહોતો, પણ અમરત્વ મળવાના વરદાનથી અસુરોના રાજા બલિ લલચાઈ ગયા અને બેઉ વચ્ચે શરૂ થયું સમુદ્રમંથન, જેમાં મંદરાચલ પર્વત બન્યો વલોણું અને વાસુકિનાગ બન્યા રસ્સી. ધમાધમ વલોણું ચાલ્યું અને પછી જે થયું એનાથી વાચકો સુપેરે વિદિત છે જ.

નેતી (રસ્સી) બની નાગવાસુકિ ખૂબ થાકી ગયા હતા. તેમના શરીરમાં અસહ્ય બળતરા અને વેદના થતી હતી. તેઓ વિષ્ણુજી પાસે ગયા અને પોતાની કથની કહી ત્યારે સ્વયં વિષ્ણુજીએ તેમને પ્રયાગરાજની સરસ્વતી નદીમાં શીતળ જળમાં સ્નાન કરવાનું કહ્યું અને ગંગાતટે આરામ કરવાનું કહ્યું. કેટલોક સમય અહીં રહ્યા બાદ જ્યારે તેઓ પાછા સર્પલોક જવા લાગ્યા ત્યારે ઋષિમુનિઓ અને દેવતાઓએ તેમને રોકાવાની વિનંતી કરી, બસ ત્યારથી આ નાગરાજ પ્રયાગમાં બિરાજમાન છે. શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે અહીં મોટો ઉત્સવ રચાય છે અને ત્યારે પણ ભક્તોની વિરાટ ભીડ તેમનાં દર્શને આવે છે.

હિન્દુ સ્થાપત્ય શૈલીમાં બનેલા આ સિમ્પલ મંદિરમાં બહારની બાજુએ મોટો હૉલ છે અને એની મધ્યમાં નાનું ગર્ભગૃહ છે. ગર્ભગૃહમાં શ્યામ પથ્થરમાંથી નિર્મિત પાંચ ફણાવાળા વાસુકિદેવ બિરાજમાન છે. એ સાથે જ ભોલેનાથ, ગણેશ, પાર્વતીમાતા, ભીષ્મપિતામહ સહિત અન્ય  દેવતાઓ પણ સ્થાપિત છે. મંદિરના પુરોહિત કહે છે, ‘પ્રાચીન મંદિર તો ગંગા નદીમાં લુપ્ત થઈ ગયું હતું, પણ એના બચેલા અવશેષોમાંથી આ દેવાલયનું પુનર્નિર્માણ થયું છે. જોકે એને પણ અનેક સદીઓ થઈ ગઈ છે. કહે છે કે બ્રહ્માજીના માનસપુત્રોએ અહીં વાસુકિદેવની મૂર્તિ સ્થાપિત કરી છે જે લાખો ભક્તો માટે જાગ્રત દેવ છે.’

એક માન્યતા એ પણ છે કે આ દેવનાં દર્શન માત્રથી જાતકની કુંડળીમાં રહેલા કાળસર્પદોષની નકારાત્મકતા દૂર થઈ જાય છે. દર્શન કરવા ઉપરાંત કાયમી ધોરણે અહીં કાળસર્પ દોષ કે અન્ય દોષથી પીડિત સેંકડો વ્યક્તિઓ યજ્ઞ, અનુષ્ઠાન કરવા આવે છે અને વિપદામાંથી મુક્તિ પામે છે. હજારો વર્ષ વીત્યા હોવા છતાં વાસુકિનાગની ઊર્જા એટલી પાવરફુલ છે કે ભક્તોની માઠી દશા પૂર્ણ થાય છે.

મોગલો સત્તામાં આવ્યા બાદ જ્યારે એક પછી એક પ્રાચીન સનાતની સ્થાનને નષ્ટ કરી રહ્યા હતા ત્યારે ઔરંગઝેબ આ મંદિરમાં આવ્યો અને તોરમાં ને તોરમાં વાસુકિજીની મૂર્તિ પર ભાલાથી ત્રણ પ્રહાર કર્યા. ત્યારે એ પ્રહારના ઘામાંથી દૂધની ધારા ઊડી અને એના છાંટા ક્રૂર ઔરંગઝેબ પર પડ્યા અને તે મૂર્છિત થઈ ગયો હતો. ‘ભઈલા, ગ્રહમાળામાં બેઠેલા પેલા રાહુ-કેતુ વાસુકિરાજથી ડરીને સખણા થઈ જાય છે તો તુમ ક્યા ચીજ હો.’

પ્રયાગરાજના દારાગંજ ઘાટ પરનું આ મંદિર સવારે સાડાપાંચ વાગ્યે ખૂલી જાય છે અને બપોરે વિશ્રામ લીધા વિના રાતે ૧૦ વાગ્યે મંગલ થાય છે.

સોમેશ્વર મહાદેવ

શંભુનાથ ખરેખર ભોળિયા છે. તેમના શરણે આવતા દરેક ભક્તોને તે મોંમાગ્યાં વરદાન આપી દે છે એટલું જ નહીં, તેને સંકટમાંથી પણ મુક્ત કરે છે. તામિલનાડુના નવગ્રહ મંદિરની યાત્રા વખતે આપણે જોયું કે મંગળ ગ્રહને કુષ્ઠરોગ થયો ત્યારે શિવશંકર ત્યાં વૈદ્યીશ્વરણના રૂપે પ્રગટ્યા. એ જ રીતે ચંદ્રદેવ ગ્રહને રક્તપિત્ત થયો ત્યારે તેણે સંગમનગરી પ્રયાગરાજમાં શિવલિંગ સ્થાપિત કરી તેમની ખૂબ પૂજા-અર્ચના કરી અને પ્રભુએ તેને રોગમાંથી મુક્તિ અપાવી. એ જ તરજ પર ગંભીર બીમારીઓ ધરાવતા અરે, સદાય નીરોગી રહેવા ઇચ્છતા ભક્તગણોના સંઘો સોમેશ્વરબાબાનાં દર્શન કરે છે, અભિષેક કરે છે. કોરોના મહામારી વખતે અને ત્યાર પછી તો અહીં ભક્તોના આવાગમનમાં મોટો ઉછાળો આવ્યો છે.

સોમેેશ્વર મહાદેવ

 સોમ (ચંદ્ર) દેવની વાર્તામાં પાછા ફરીએ. હાં તો વાત એમ હતી કે સોળે કળામાં નિપુણ ચંદ્રદેવ ખૂબ રૂપાળા અને ગુણવાન હતા એથી રાજા દક્ષે તેમની ૨૭ પુત્રીઓના વિવાહ ચંદ્રકુમાર સાથે કરાવ્યા. દરેક રાજકુંવરીઓ સુંદર અને સુશીલ હતી, પરંતુ ચંદ્રને રોહિણી સાથે વધુ ગોઠતું. તેઓ પૂર્ણ સમય રોહિણી સાથે જ વિતાવતા. આથી રોહિણીની બાકી ૨૬ બહેનો ઉપેક્ષા અનુભવતી. તેમણે પિતાને ફરિયાદ કરી અને એક દિવસ શ્વશૂરજીએ ક્રોધિત થઈ ચંદ્રદેવને કુરૂપ થવાનો શ્રાપ આપ્યો. એ શ્રાપને કારણે સોમદેવને કુષ્ઠરોગ થયો. તેઓ રાજા હતા. વળી મુખ્ય ગ્રહોમાંના એક પણ ખરા એથી તેમણે રોગથી મુક્ત થવા અનેક ઉપચાર કર્યા, પથ્થર એટલા દેવ પૂજ્યા, પણ પરિણામ શૂન્ય. એ વખતે દેવતાઓની સલાહ માની ચંદ્રએ પ્રયાગરાજમાં સંગમના કિનારે આજના અરૈલ વિસ્તારમાં કેદારનાથની સ્થાપના કરી અને આશુતોષની અનન્ય ભક્તિ કરી. ભક્તની આરાધનાથી પ્રસન્ન થઈ શંકરબાબાએ તેમને ફરીથી ખૂબસૂરત બનાવી દીધા, વળી પ્રગટ થઈ સાક્ષાત્ દર્શન પણ દીધાં. એક માન્યતા અનુસાર આ જ સ્થળે ચંદ્રને ૧૫ દિવસ ઘટવાનું અને ૧૫ દિવસ વૃદ્ધિ પામવાનું વરદાન મળ્યું છે.

શ્રાવણ ઉપરાંત મહા મહિને અને કુંભ દરમ્યાન હજારો ભક્તો અહીં આરોગ્યની કામના અર્થે આવે છે અને સોમેશ્વર મહાદેવ એ પરિપૂર્ણ કરે છે. મંદિર પ્રમાણમાં નાનું અને સિમ્પલ છે પરંતુ સ્થાનિક લોકો કહે છે કે મંદિરના શિખર પર રહેલું ત્રિશૂલ ચંદ્રમાની દિશા અનુસાર ફરે છે. મહાશિવરાત્રિએ દુલ્હનની જેમ સજેલું રહેતાં આ મંદિરમાં હનુમાનજી અને ગણપતિબાપ્પા પણ બિરાજે છે.

પ્રયાગરાજના મુખ્ય નાયક લેટે હનુમાન

બડે હનુમાન કહો કે લેટે હનુમાન કે પછી બાંધવાલે હનુમાન. આ હનુમાનજી સંગમસ્નાન પછી પૉપ્યુલરિટીની બીજી પાયદાને છે. જમીનના સ્તરથી ૬થી ૭ ફુટ નીચે, ૨૦ ફુટ લાંબા બજરંગબલી વિશ્રામ અવસ્થામાં છે. તેમના ડાબા પગ નીચે અહિરાવણ, જમણા પગ નીચે અહીરાવણનાં કુળદેવી કામદાદેવી દબાયેલાં છે. જ્યારે જમણા હાથમાં રામ-લક્ષ્મણ અને ડાબા હાથમાં ગદા છે. આવી ડિફરન્ટ મૂર્તિ હોવા પાછળ કહેવાય છે કે રાવણનો વધ થયા બાદ ઉદ્વેગ અહિરાવણ રામ-લક્ષ્મણજીને પાતાલલોક ઉપાડી ગયો અને તેમને નાગપાશમાં જકડી લીધા. ત્યારે લંકેશના અતિ બળૂકા ભાઈ અહિરાવણ સાથે યુદ્ધ કરી હનુમાનજી રામ-લક્ષ્મણને પાછા ભૂલોક લઈ આવ્યા. તેઓ અયોધ્યા આવી રહ્યા હતા ત્યારે રામે તેમને પવિત્ર સંગમતટે થોડો વિશ્રામ કરવાનું કહ્યું અને મારુતિ લેટી ગયા એથી અહીં રામદૂત મૂર્તિરૂપે આ અવસ્થામાં છે.

આ કથાનું પ્રમાણ નથી, પરંતુ આવું બન્યું હોઈ શકે, કારણ કે પુરાણોમાં ઉલ્લેખ છે કે ત્રેતાયુગમાં બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થવા રામ-લક્ષ્મણે સંગમતીર્થે સવા કરોડ શિવલિંગને સ્થાપિત કરી પૂજા કરી હતી. એટલો સમય હનુમાનજીએ અહીં આરામ કર્યો હશે.

જોકે આ મંદિરની ભૂમિ આજિંક્યનું વિશ્રામસ્થળ નથી. મંદિર તો ૬૦૦-૭૦૦ વર્ષ પૂર્વે બનેલું છે. કહેવાય છે કે કન્નોજના રાજાને કોઈ સંતાન નહોતું ત્યારે તેમના ગુરુએ ઉપાયરૂપે તેમને સૂચવ્યું કે તેઓ વીંધ્યાચલ પર્વતના પથ્થરમાંથી રામ-લક્ષ્મણને નાગપાશમાંથી છોડાવવા પાતાલલોક ગયેલા હનુમાનની મૂર્તિ નિર્માણ કરાવે. રાજવીએ ગુરુના આદેશનો અમલ કર્યો અને વીંધ્યાચલથી એવી પ્રતિમા બનાવડાવી. નાવ દ્વારા કન્નોજ લઈ આવી રહ્યા હતા ત્યારે આ સ્થળે વહાણ તૂટી ગયું અને મૂર્તિ જળમગ્ન થઈ ગઈ. રાજા ખૂબ દુખી થયો, પણ કાંઈ કરી શકાય એમ નહોતો એટલે પોતાના રાજ્યમાં પાછો ચાલ્યો ગયો. આ બનાવ બાદ અનેક વર્ષો પછી ગંગાજીનું જળસ્તર ઘટતાં બાબા બાલગિરિની ધૂણી બનાવવા ખોદકામ કરતાં આ પ્રતિમા સાંપડી અને એ પછી પ્રયાગના રાજાએ અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું. એ સાથે આ મૂર્તિની અન્ય એક કિંવદંતી પણ પ્રચલિત છે. કન્નોજના નિઃસંતાન વેપારીએ આ મૂર્તિનું નિર્માણ કરાવ્યું હતું અને તેઓ જ્યારે હનુમાનજીની પ્રતિમાને અહીં ગંગાસ્નાન કરાવવા લઈ આવ્યા ત્યારે મૂર્તિ અહીં સ્થિર થઈ ગઈ હતી.

ચાલો, જે સ્ટોરી સાચી હોય એ પરંતુ અલાહાબાદ ફોર્ટની સાવ નજીક આવેલા અને સવારે સાડાચારથી બે અને સાંજે પાંચથી ૧૦ વાગ્યા દરમ્યાન ખુલ્લા રહેતા હનુમાનજીને દરરોજ સુંદર શણગાર થાય છે અને અવનવાં ધાર્મિક અનુષ્ઠાન થાય છે. હાલમાં જ અહીં ભવ્ય કૉરિડોર બન્યો છે અને મંદિરને વિશાળ કરવામાં આવ્યું છે.

મનકામેશ્વરબાબા અને ઋણ મુક્તેશ્વર મહાદેવ

મનકામેશ્વરબાબા અને ઋણ મુક્તેશ્વર મહાદેવ

પ્રયાગ કૅન્ટ વિસ્તારમાં નવા બનેલા સરસ્વતી ઘાટની નજીક આવેલું મનકામેશ્વર પિશાચ મોચન તીર્થ નામે પણ ઓળખાય છે. કહેવાય છે કે દેવી સીતાને સંગમસ્નાન કરાવ્યા બાદ શિવઅર્ચના કરવાનું મન થયું. આજુબાજુ કોઈ મંદિર નહોતું એટલે શ્રીરામે શિવજીને પ્રાર્થના કરી અને ભોળેનાથ સ્વયં લિંગરૂપે અહીં પ્રગટ થયા. સીતાજીના મનની કામના પૂર્ણ થઈ એથી એને નામ મળ્યું મનકામેશ્વર મહાદેવ. આ જ મંદિરમાં ઋણમુક્તેશ્વર શિવલિંગ પણ છે. દેવું થઈ ગયું હોય એવા અનેક ભક્તો ઋણમુક્તેશ્વરજીનાં ચરણોમાં શીશ ઝુકાવે છે અને કરજમુક્ત કરવાની યાચના કરે છે. એ જ રીતે પિતૃઋણ ચૂકવવા માટે પણ આ શિવલિંગની પૂજા થાય છે. સવારે ૬થી રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં શિવરાત્રિએ તો ખરી જ પણ નવરાત્રિ વખતે પણ ખાસ્સી રોનક રહે છે.

કાલસર્પ દોષથી મુક્તિ પામવા માટે જાણીતું  તક્ષકેશ્વર નાથ મંદિર.

તક્ષકેશ્વર નાથ

આ મંદિરનો ઇતિહાસ ૫૦૦૦ વર્ષ પ્રાચીન છે અને એનો ઉલ્લેખ ૮૨ પાતાલ ખંડ ગ્રંથના પ્રયાગ માહાત્મ્યમાં પણ થયો છે. પૌરાણિક કથા કહે છે કે જ્યારે રાજા પરીક્ષિતને તક્ષકનાગે ડસી લીધા ત્યારે એના પ્રાયશ્ચિત્ત રૂપે તેમણે અહીં પાંચ મૂર્તિઓની સ્થાપના કરી હતી. બીજી કથા કહે છે કે સંપૂર્ણ નાગજાતિના સ્વામી તક્ષકે બાળકૃષ્ણને મથુરાથી સુરક્ષિત વૃંદાવન પહોંચાડવામાં મદદ કર્યા બાદ અહીં વાસ કર્યો હતો. સ્થાનિક લોકો અને નજીકના વિસ્તારોના લોકોમાં લોકપ્રિય આ મંદિર બડા શિવલા નામે જાણીતું છે અને એની પાછળ એક વાયકા એવી પણ છે કે તક્ષકેશ્વર મહાદેવ ધનદાયક છે તેમ જ કાલસર્પ દોષ, નાગદોષ અને ત્વચારોગથી પીડિત લોકો અહીં દોષમુક્ત થાય છે. એની પાસે તક્ષકકુંડ પણ છે જેની પૂજા પણ થાય છે. બાય ધ વે, આ તક્ષક નાગ એ નાગરાજ વાસુકિ તેમ જ શેષનાગનો લઘુબંધુ અને ઋષિ કશ્યપ તેમ જ કદ્રુના પુત્ર.

ટાઇમ છે તો પ્રયાગની પંચકોશી જરૂર કરજો

આજે પ્રયાગ જવાની, ત્યાં રહેવાની કે ખાવા-પીવાની સગવડની કોઈ વાત નથી કરવી. એ બધી આપને જાણ છે જ. આજે વાત કરીશું પ્રયાગની પંચકોશી પરિક્રમાની.

અનેક તીર્થોની પરિક્રમા થાય છે. ગુજરાતીઓ તો ભવનાથના મેળા દરમ્યાન થતી ગિરનારની પરિક્રમાથી, નર્મદા પરિક્રમાથી, મથુરાના ગિરિરાજની પરિક્રમાથી વાકેફ જ છે એ જ રીતે પ્રયાગની પણ પંચકોશી યાત્રા થાય છે, જે લગભગ ૬૦ કિલોમીટરના પરિઘમાં વિસ્તારિત છે. આ યાત્રા ત્રણ વેદીમાં ડિવાઇડ થયેલી છે; અંત વેદી, મધ્ય વેદી અને બહિ ર્વેદી જેમાં સંગમતીર્થના મોટા ભાગના ઘાટો, મંદિરો, આશ્રમોનાં દર્શન થઈ જાય છે. સાથે દ્વાદશ માધવ મંદિરો, પડીલા મહાદેવ મંદિર, રામ-જાનકી મંદિર, કલ્પવૃક્ષ, સમુદ્ર કુપ, દુર્વાસા આશ્રમ, સીતાકુંડ, નિષાદરાજ, બરખંડી શિવમંદિર, પર્ણાશમુનિ આશ્રમ, અક્ષયવટ, પાતાલેશ્વર મંદિર તેમ જ અનેક પ્રાચીન-અર્વાચીન દેવાલયોનાં દર્શન પણ થાય છે.

કલ્પવાસની જેમ આ તીર્થરાજની પંચકોશી પરિક્રમા પણ પુણ્યદાયી ગણાય છે. અનેક અખાડાઓના સાધુ-સંતો એનું આયોજન કરે છે, જેમાં હજારો યાત્રાળુઓ જોડાય છે. પગપાળા ચારથી પાંચ દિવસમાં થતી આ યાત્રા કરવાની શારીરિક શક્તિ ન હોય તો વાહન દ્વારા પણ કરી શકાય છે.

પૉઇન્ટ‍્સ ટુ બી નોટેડ

  ગંગાતટ પર શિવ કુટી મહોલ્લામાં શિવ કચહરી મહાદેવ છે. નેપાલના રાજા રાણા પદ્‍મજંગ બહાદુરે ઈ. સ. ૧૮૬૫માં નિર્માણ કરેલા આ મંદિરમાં ૨૮૮ શિવલિંગ છે.

  નાગવાસુકિ મંદિરની બાજુમાં જ શ્રી આદિ શંકર વિમાન મંડપમ્ મંદિર છે. જગતગુરુ શંકરાચાર્ય, તિરુપતિ બાલાજી, કામાક્ષીદેવી આદિ દેવોને સમર્પિત આ દેવળ અદ્વિતીય તો છે જ પણ ચાર મજલી મંદિરના ટૉપ ફ્લોરથી કિલોમીટરોમાં ફેલાયેલા કુંભમેળાનું અદ્ભુત વિહંગાવલોકન થાય છે. સેલ્ફી માટે કે આખા વિસ્તારનો ડ્રોન કૅમેરા વગર ડ્રોન વ્યુ લેવો હોય તો અહીં મસ્ટ ગો.

  ઔરંગઝેબ સોમેશ્વર મંદિર પણ તોડવા ગયો હતો, પરંતુ મંદિરનાં પગથિયાં ચડતાં જ તેના પગ ત્યાં ખોડાઈ ગયા. પછી મનોમન તેણે શિવજીની માફી માગી અને પગે લાગ્યો. ત્યાર બાદ તે ત્યાંથી હલી શક્યો. મંદિરના પ્રભાવથી ખુશ થઈ તેણે આજુબાજુની થોડી જમીન મંદિરને દાન કરી હતી. એનો ઉલ્લેખ મંદિરના પ્રાંગણમાં આવેલા હનુમાન મંદિર પાસેના ધર્મદંડમાં કંડારાયેલો છે. જોકે એના પર સિંદૂરનો લેપ થતો હોવાથી હાલમાં એ દૃશ્યમાન નથી થતો.

kumbh mela prayagraj hinduism religion religious places culture news life and style gujarati mid-day columnists alpa nirmal