કચ્છને લોકસંગીત અકાદમીની તાતી જરૂર

30 June, 2020 06:25 PM IST  |  Kutch | Mavji Maheshwari

કચ્છને લોકસંગીત અકાદમીની તાતી જરૂર

કચ્છ પ્રદેશનાં મૂળ સંગીત અને લોકવાદ્યો પરંપરાગત ભારતીય વાદ્યોથી થોડાં જુદાં છે. કચ્છનું સંગીત અને તેનાં વાદ્યો સિંધ, બલુચિસ્તાનનાં સંગીત સાથે નજીકનો નાતો ધરાવે છે. તેનાં સંવર્ધન અને સાચવણી માટે નક્કર આયોજનો થયાં નથી, પરિણામે કચ્છના વિશિષ્ઠ લોકવાદ્યો વગાડનારા આંગળીના વેઢે ગણાય એટલા જ રહ્યા છે. એ ગાયકો-વાદકોને મોટું મંચ મળ્યું નથી એ પણ હકીકત છે. મૂળ લોકસંગીત સાથે જોડાયેલા કલાકારો મોટાભાગના તળના ગ્રામીણ લોકો છે. ઉપરાંત ઇલેટ્રૉનિક્સ સાધનોનું ચલણ અસલ સાધનોની લોકપ્રિયતા ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. કચ્છની ઓળખ એવા લોકસંગીતનો વારસો સચવાય તે માટે અકાદમીની રચના જરૂરી છે.

કચ્છના લોકસંગીત વાદ્યોની પરંપરા ઘણી જ જૂની છે. જ્યારે કચ્છ વર્તમાન ગુજરાત સાથે સાંસ્કૃતિક રીતે સઘનપણે જોડાયેલું નહોતું. કચ્છના અસલ લોકસંગીતના પારંપરિક વાદ્યો પશ્ચિમ કચ્છ અને બન્ની પ્રદેશમાં મુખ્યત્વે જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને લખપત, અબડાસા અને બન્ની પ્રદેશના મુસ્લિમ અને દલિત જ્ઞાતિના વાદ્યકારો પાસે જ કચ્છના લોકવાદ્યની કલા બચી છે. નવી પેઢીને આ વાદ્યોમાં વિશેષ રુચી રહી નથી. ગુજરાત સરકારે હજુ સુધી આ સાધનોને જીવાડવા કે તેના વાદ્યકારોમાં વિશેષ રુચી લીધી હોય તેવું જણાતું નથી. અહીં કચ્છના કેટલાંક એવાં સાધનોનો પરિચય કરીએ જે ગુજરાતમાં અન્યત્ર જોવા મળતાં નથી અથવા કચ્છમાં તેની વગાડવાની રીત અને તેના સૂરની ઓળખ જુદા પ્રકારની છે.

સૌ પ્રથમ જોઈએ તાર વાદ્યો

સુરંદો – આ કચ્છનું પ્રાચીન લોકવાદ્ય છે. તે ગજ અને આંગળીથી વગાડાય છે. સારંગી કરતાં આ વાદ્યના તાર ટૂંકા હોય છે. ઓસમાણ સોનુ જત અને સીધીક મીઠા જત સુરંદાના જાણીતા વાદક છે. આ સાધનને મળતું આવતું સાધન પંજાબમાં જોવા મળે છે. પાકિસ્તાનમાં આ સાધનને સરિંદા કહેવાય છે.

 

ચંગ - કચ્છમાં ચંગ તરીકે ઓળખાતાં આ સાધનને મોરચંગ પણ કહેવાય છે. કદાચ ભારતનું આ એકમાત્ર એવું વાદ્ય છે જેમાં મોં દ્વારા પવન અને તારના કંપન દ્વારા સૂર નીકળે છે. મુખ્યત્વે માલધારી અને પશુ ચારવા જતા લોકો આ સાધન વગાડે છે. આ સાધનમાં શિવલિંગ આકારના ચાર ધારવાળા લોખંડ કે પિત્તળના સળિયા સાથે વચ્ચેના ભાગમાં એક તાર બેસાડવામાં આવે છે. દાંતની બત્રીસી વચ્ચે રાખી શ્વાસ અને ઉચ્છવાસ દ્વારા વચ્ચેના તારમાં કંપન ઉત્પન કરી મધુર સુરાવલીનું સર્જન થાય છે. તેમાં જીભનું હલનચલન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કચ્છમાં હવે માત્ર નિરોણાના લુહાર ચંગ બનાવે છે, પણ ખાસ માગ ન હોવાથી તેનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન થતું નથી. આ વાદ્ય વગાડ્યા પછી માથું પકડાય છે એવું જાણકારોનું કહેવું છે. ઉમેશ જડિયા કચ્છના જાણીતા ચંગવાદક છે. 

રામસાગર - આ વાદ્ય ભક્તિની ઓળખ પણ છે. કચ્છી ભજન પરંપરાના ગાયકો આ સાધન ખભાને ટેકે રાખી આંગળીઓથી વગાડે છે. તુંબડામાંથી બનતાં આ સાધનમાં બે તાર હોય છે. ગાયક પોતાના સમય સાથે મેળવી શકે તેવી બે ચાવીઓ તુંબડા સાથે જોડાયેલા વાંસના ટુકડા સાથે ઉપરના ભાગે હોય છે. હાર્મોનિયમનું ચલણ વધ્યું તે પછી રામસાગર સાથે ગાવાની પરંપરા ઘટતી ગઈ છે. કચ્છમાં આરાધીવાણી અને પાટ પરંપરા સાથે જોડાયેલા મેઘવાળ અને સોઢા રાજપૂતોમાં રામસાગર સાથે ગાવાની પરંપરા ટકી રહી છે. કેટલાક લોકો આ સાધનને તંબુરો કહે છે, પણ તંબુરો જુદું સાધન છે.

તંબુરો – સુફી ગાયકી સાથે જોડાયેલું આ વાદ્ય મૂળે સિંધ પ્રદેશનું છે. અર્ધગોળાકાર કાષ્ઠરચના સાથે ઉપરની તરફ ચાર ફુટનું લાકડું હોય છે જેમાં પાંચ તાર હોય છે. કચ્છમાં માત્ર બન્નીના ભગાડિયા ગામના મુસ્લિમ જતભાઈઓ જ આ સાધન વગાડે છે. તેને વાઈ કહે છે.

સંતાર – કબીરના ભજનોથી ખ્યાતિ મેળવનાર ગાયક મુરા લાલા ગાતી વખતે જે સાધન વગાડે છે તે સંતાર છે. સંતાર પણ સુફી અને સિંધી ગાયકી સાથે જોડાયેલું વાદ્ય છે. તેમાં જુદી જુદી ટ્યુનિંગ રેંજના પાંચ, સાત અને નવ તાર હોય છે. તેને હાથની આંગળીઓથી એક સાથે ધ્રુજાવવામાં આવે છે ત્યારે મધુર સ્વર નીકળે છે.

હવે જોઈએ કેટલાંક વિશિષ્ઠ પવન વાદ્યો

સુંદરી - કચ્છનું સુંદરી એટલે ઉત્તર ગુજરાતમાં જેને મચક મોરલી અથવા અંગ્રેજીમાં પાઇપ કહેવામાં આવે છે તે નહીં, પણ શરણાઈની એક નાની જાત છે. કચ્છની લંઘા જ્ઞાતિ આ વાદ્ય વગાડવાની પ્રવીણ ગણાય છે. જોકે હવે આ વાદ્ય બહુ ઓછું જોવા મળે છે. 

ભોરિંદો -  ભોરિંદો કચ્છનું ખૂબ જ પ્રાચીન લોકવાદ્ય છે. આ સાધનને જોયા વગર તેની રચના સમજવી અઘરી છે. ઈંડાં આકારની માટીની રચનામાં ત્રણથી ચાર છીદ્ર હોય છે. આ પણ પશુ ચરાવવાનું સાધન છે જે બન્ની બાજુ જોવા મળે છે. સોનુ સાજણ જત ભોરિંદાના જાણીતા વાદક હતા. કંઈક અંશે શંખ વગાડવાની રીત આ સાધનને મળતી આવે છે.

જોડિયા પાવા  - તરીકે જાણીતા આ વાદ્ય દ્વારા કચ્છના લોકસંગીતને ખાસ્સી એવી ખ્યાતિ મળી છે. આ સાધન વગાડવું સરળ નથી. બે પાવા મોઢામાં રાખીને વગાડવામાં આવે છે. જેમાં એક પાવામાંથી પવન સતત નીકળતો રહે છે, જ્યારે બીજા પાવાના છીદ્રો દ્વારા જુદા જુદા સ્વર નીકળે છે. શ્વાસ લેવા-મૂકવાની ક્રિયા દરમ્યાન તેનો લય તૂટવો પણ ન જોઈએ. જત મુસા ગુલામ પછી નૂરમહમદ સોઢાએ જોડિયા પાવાવાદનમાં ખ્યાતિ મેળવી છે. આ વાદ્ય વગાડનારા ઘણા કલાકારો કચ્છમાં મળી રહે છે. 

કાની -  કાની પાવા કરતાં સાંકડો અને ત્રણ ગણો લાંબો એક જાતનો પાવો છે. જેના છેડે ચાર છિદ્ર હોય છે. કચ્છનાં જળાશયોમાં થતા નડ નામના દસેક ફુટ ઊંચા ઘાસમાં શેરડી જેવી કાતળી હોય છે. તેમાંથી સ્થાનિક કલાકારો કાની બનાવતા. આ પશુપાલકોનું વાદ્ય હતું. હવે આ વાદ્ય વિલુપ્ત થઈ ગયું છે. અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, તુર્કસ્તાન તરફ હજુ આ વાદ્ય મળી રહે છે.

મોરલી – બીન તરીકે ભારતમાં જાણીતું આ વાદ્ય કચ્છમાં વાદી જ્ઞાતિ વગાડે છે. વિચરતા સમૂહનું આ વાદ્ય છે. રાજસ્થાનથી આવેલું આ વાદ્ય કચ્છમાં આવ્યા પછી તેના સૂરોમાં કચ્છી રાગો મારઈ, સૂણી, સોરઠ, રાણો વગેરે ઉમેરાયા. કચ્છમાં સુરતનાથ મોતીનાથ વાદી પ્રખ્યાત મોરલીવાદક તરીકે જાણીતા હતા. હવે તેમના પુત્ર ડંકાનાથ પણ મોરલીવાદનમાં જાણીતા બન્યા છે.

ઘડો-ગમેલો – આ માત્ર કચ્છમાં જ જોવા મળતું સાધન છે. ગાયકને રીધમ આપવાનું આ સાધન છે. આ વાદ્યમાં નામ પ્રમાણે બે સાધન રાખવામાં આવે છે. ઘડો અને ગમેલો. ઘડાના મોઢા ઉપર તંગ ભીનું કપડું બાંધવામાં આવે છે. જેનાથી અંદરની હવા સાથે ગુમરાઈને ચોક્કસ અવાજ ઉત્પન કરે છે. એ ઘડાની બહારની બાજુ ગમેલો (કિનારીવાળું લોખંડનું તગારું) ઊંધો મૂકવામાં આવે છે. જેમ તબલામાં નર-માદા હોય છે તેમ ઘડો-ગમેલોમાં ઘડો નરનું કામ કરે છે જ્યારે ગમેલો માદાનું કામ કરે છે. આ વાદ્ય વગાડવામાં ગુજરાત રાજ્યનું યુવા પુરસ્કાર મેળવનાર દાના ભારમલ નામના યુવાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે.

આ ઉપરાંત ડાક, ડફ, ઢોલ, ઢોલક, નોબત, મંજિરા, ઝાંઝ, જેવાં લોકવાદ્યો આખાય કચ્છમાં વગાડાય છે. કચ્છમાં હજુ સુધી સરકારી ધોરણે કચ્છના વાદ્યોનો કલાવારસો સાચવવાનો પ્રયાસ થયો નથી, પરંતુ ભારમલ સંજોટ નામના યુવાને ‘કલાવારસો’ નામની સંસ્થા બનાવી તેને રજિસ્ટર્ડ કરાવી છે. આ યુવાન પોતાની સંસ્થા દ્વારા કચ્છની અસલ કલાઓ જાળવી રાખવા અને તેના દ્વારા કલાકારોને રોજગારી પૂરી પાડવા માટે ઝઝૂમી રહ્યો છે. ગુજરાત સરકાર હવે આ વિશિષ્ઠ વાદ્યો અને વાદકોમાં રસ લઈ કલાના સંવર્ધન માટે પ્રયાસ કરે તો આ વાદ્યો વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બને તેમ છે.

gujarat saurashtra kutch mavji maheshwari