કચ્છમાં હોળીની વિવિધ પરંપરાઓ

03 March, 2020 03:06 PM IST  |  Mumbai | Mavji Maheshwari

કચ્છમાં હોળીની વિવિધ પરંપરાઓ

હોળીનો તહેવાર ભારતભરમાં જુદી-જુદી રીતે ઊજવાતો હોય છે. મૂળે પર્યાવરણ અને વિજ્ઞાન સાથે સંકળાયેલા આપણા તહેવારો સમયાંતરે બદલાતા રહ્યા છે. એમાં વિવિધતાએ પ્રવેશ કર્યો એ સાથે આધુનિકતા અને આર્થિક સમૃદ્ધિની ઝાંય પણ દેખાવા માંડી. શહેરોમાં પરંપરાગત તહેવારોની મૂળ પરંપરાઓ બદલાઈ ગઈ હોય એ સ્વાભાવિક પણ છે, કેમ કે શહેરોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા હોતા નથી. આપણા મોટા ભાગના તહેવારોનાં મૂળિયાં ખેતી સાથે જોડાયેલાં છે. કૃષિ સંસ્કૃતિ પૂરા ભારતમાં ફેલાયેલી છે. કચ્છ પણ એમાંથી બાકાત નથી. કચ્છ વિસ્તાર મોટો પ્રદેશ છે એટલે એક છેડેથી બીજા છેડે પહોંચતા તહેવારોની ઉજવણીમાં પણ ફરક જોવા મળે છે. હોળીનો તહેવાર પણ વાગડ, મધ્ય કચ્છ અને પશ્ચિમ કચ્છમાં જુદી-જુદી રીતે ઊજવાય છે.

કચ્છ સાંસ્કૃતિક રીતે સમરસતા ધરાવતો વિસ્તાર છે એટલે ગ્રામ્ય કક્ષાએ ઊજવાતા તહેવારોમાં સાંપ્રદાયિક વાડાબંધી જોવા મળતી નથી. હોળીનો તહેવાર પણ એમાંનો એક છે. કચ્છમાં મધ્ય કચ્છ, પૂર્વ કચ્છ અને પશ્ચિમ એમ ત્રણ વિસ્તારોમાં હોળીનો તહેવાર થોડા-થોડા ફેરફાર સાથે ઊજવાય છે, પરંતુ સૌથી મોટી સામ્યતા હોય તો એ છે કે આખાય કચ્છમાં હોળી માટે માત્ર છાણમાંથી બનાવેલાં હોળિલાં (હોળૈયા) કે છાણાં વપરાય છે. ક્યાંય પણ લાકડાં કે અન્ય સામગ્રી વપરાતી નથી તેમ જ હોળીના પ્રાગટ્ય માટે કડબ, ઘાસ જેવી વનસ્પતિ વપરાય છે. પેટ્રોલ, કેરોસીન જેવા જ્વલનશીલ પદાર્થો ક્યાંય વપરાતા નથી. અમુક વિસ્તારોમાં હોળી પ્રગટે અને છાણાં આગ પકડે એ પછી ઘી હોમવામાં આવે છે. કચ્છનાં એવાં જૂજ ગામો છે જ્યાં માત્ર મુસ્લિમોની વસ્તી હોવાથી આખાય કચ્છમાં હોળી પ્રગટાવાય છે. હોળી માટેની સામગ્રી આપવા ગામડાંનાં બાળકો ૧૫ દિવસ અગાઉ જ તૈયારી કરે છે. છાણમાંથી તેઓ હો‌ળિલાં બનાવે છે. નાનો ગોળ આકાર બનાવી એમાં આંગળીથી કાણું કરીને સુકાઈ જાય એટલે સીંદરીથી હોળિલાંનો હાર બનાવે છે. પૂનમની રાતે દરેક ઘરનાં બાળકો પોતાના હાર હોળી પ્રગટતી હોય એ જગ્યાએ લઈ આવે છે જ્યાં મોટેરા એને વ્યવસ્થિત ખડકે છે. અમુક વિસ્તારોમાં હોળીની એક જ ટોચ હોય છે, અમુક જગ્યાએ ત્રણ ટોચ હોય છે અને દરેક ટોચ પર ધજા રાખવામાં આવે છે. હોળી પ્રગટે અને આગ પકડે ત્યારે અનુભવી ખેડૂતોનું ધ્યાન એ બાબત પર હોય છે કે હોળીની ધજા કઈ-કઈ દિશામાં નમે છે. ધજા જે દિશામાં નમે એ દિશામાંથી પહેલો વરસાદ આવશે અથવા ગામ કે વિસ્તારની એ દિશામાં વધુ વરસાદ થશે એવી માન્યતા છે. શહેરોમાં હોળી માટે છાણાં ખરીદાય છે. ગામડાંમાં હોળીની જગ્યાઓ નિશ્ચિત હોય છે. અમુક ગામોમાં એ હોળી ચોક તરીકે ઓળખાય પણ છે. ગામડાંઓમાં ફળિયા કે જ્ઞાતિ સમૂહો પોતપોતાની હોળી પ્રગટાવે છે. પૂર્વ કચ્છમાં ધૂળેટીના દિવસે બપોર સુધી રંગ ઉડાડવાની પ્રથા છે, જ્યારે પશ્ચિમ કચ્છમાં હોળીના દિવસે બપોર સુધી રંગ ઉડાડે છે. કચ્છમાં હવે ધૂળેટીના દિવસે માંડવી કે અન્ય જગ્યાએ દરિયે જવાનું ચલણ વધ્યું છે.

કચ્છમાં હોળીનો તહેવાર માત્ર ધાર્મિક નથી. એમાં સામાજિક રીત-રિવાજો પણ સામેલ છે. ખાસ કરીને નવાં પરણેલા જોડાં અને ધાવણાં બાળકોની કેટલીક વિધિઓ હોળીના તહેવાર સાથે જોડાયેલી છે. કચ્છની કેટલીક જ્ઞાતિઓમાં જેમનાં લગ્ન પછી પહેલી હોળી આવતી હોય એવાં નવપરિણીત પતિ-પત્નીને હોળીના ફેરા ફેરવાય છે. જો યુવતી ગર્ભવતી હોય તો ફેરા ફરતી નથી. જેમનાં લગ્ન પછી પહેલી હોળી આવતી હોય તેવી કન્યાના માવતર પક્ષેથી ચાર-પાંચ જણ હાયડો દેવા જાય છે. હાયડામાં હવે મીઠાઈ હોય છે, પરંતુ કોઈ સમયે એ હાયડો સૂકી ખારેક, કાળી દ્રાક્ષ અને પતાસાંનો બનાવવામાં આવતો. એ હાયડો જેનાં લગ્ન થયાં હોય તે યુવતીની લગ્ન સમયની ચૂંદડીના છેડામાં બાંધવામાં આવે છે. મોટા ભાગે વર પક્ષના જમાઈ અથવા તો ગોરમારાજ ફેરા ફેરવે છે. હોળીના ફેરા ચાર હોય છે. અમુક જ્ઞાતિઓમાં હોળીના ફેરા ફક્ત નવપરિણીત યુવક જ ફરે છે. કોઈ સમયે કન્યાના માવતર કેવો હાયડો લાવ્યા છે એની પણ જ્ઞાતિમાં ચર્ચા થતી. એ હાયડાનો પ્રસાદ ફળિયામાં વહેંચવામાં આવે છે. હાયડો લઈ જતા માવતર બે-ત્રણ દિવસ રોકાય છે અને જાય છે ત્યારે પોતાની દીકરીને માવતરે તેડી જાય છે. એવી જ રીતે જે બાળકના જન્મ પછી પહેલી હોળી આવે તેને પણ હોળીના ચાર ફેરા ફેરવવામાં આવે છે. એ ફેરા મામા અથવા કાકા ફેરવે છે. તે બાળકનો પણ મોસાળ પક્ષ તરફથી હાયડો આવે છે જે સૂકાં ટોપરાં અને કાળી દ્રાક્ષનો હોય છે. હાયડા સાથે સગાઈની વિધિ પણ જોડાયેલી છે. જે છોકરાની સગાઈ પછી પહેલી હોળી આવે ત્યારે તે પોતાની માતા સાથે કન્યાના ઘેર જાય છે. હવે હાયડા સૂકા મેવાના બનતા નથી, પણ મોટા ભાગે શુકન તરીકે પતાસાંનો એક હાયડો હોય છે, બાકી મીઠાઈ હોય છે. પરંપરાગત રિવાજ મુજબ જેની સગાઈ હોય તે છોકરો પોતાની સગાઈમાં જઈ શકતો નહીં, પણ પહેલી હોળીનો હાયડો દેવા કાયદેસર સાસરાના ઘેર જતો. હવે એવું રહ્યું નથી, સગાઈમાં છોકરો સાથે જાય છે. તેમ છતાં, હાયડાની વિધિ તો છે જ. વાગડ વિસ્તારમાં બાળકને મોસાળ તરફથી અમુક મિષ્ટાન્ન ખાદ્ય પદાર્થ આપવામાં આવે છે જેને ‘ગીભ’ કહેવાય છે. કોઈ સમયે પશ્ચિમ કચ્છમાં રખિયા તરીકે ઓળખાતી જ્ઞાતિના પુરુષો ગામનાં ઘેર-ઘેર જઈને ભજન ગાતાં અને બદલામાં ઘરધણી અનાજ આપતાં. એ અનાજમાંથી રોટલા કે ખીચડી બનાવી કૂતરાને અપાતી એને ‘ભગવતી’ ઊઘરાવવી કહેવાતું. હવે એ પ્રથા રહી નથી.

કચ્છમાં હોળીની પૂનમથી અગાઉ આઠમની આસપાસથી ગામડાંના યુવાનોમાં જુદી જાતનો ઉત્સાહ જોવા મળે છે. પોતાનું શારીરિક કૌશલ્ય બતાવવાનો અવસર હોય છે. એને નાળિયેર રમત કહેવાય છે. ગામના યુવાનિયા અને પૌઢ પણ આ રમતમાં જોડાય છે. પોતપોતાના ગામની ભૂગોળ પ્રમાણે નાળિયેર ઘા કરવાની આ રમત છે જેમાં અમુક ઘામાં ચોક્કસ જગ્યાએ નાળિયેર પહોંચાડી દેવું, તળાવનું પાણી લંઘાવી દેવું, ડાબા હાથે કોઈ ઊંચું ઝાડ કુદાવી દેવું, નમીને બે પગ વચ્ચેથી અમુક અંતરે નાળિયેર પહોંચાડવું જેવા કરતબ ગોઠવાય છે. આ રમતમાં ગામનાં નાનાં છોકરાં પણ નાળિયેર ખાવાની મજા લેવા જોડાય છે. આખું ટોળું હો હલ્લા કરતું ગામનું પાદર ગજવી નાખે છે. આ દિવસોમાં ગામમાં સૂકાં નાળિયેરની ભારે માગ રહે છે. આ રમતમાં ગામના યુવાનો વચ્ચે શરતો લાગે છે. રાતની ચર્ચા બીજા દિવસે થતી રહે અને નવી-નવી તરકીબો પણ વિચારાય છે. કચ્છમાં અંજાર શહેરમાં અનોખી રીતે હોળી ઊજવવાની પ્રથા છે. ૧૫૦ વર્ષથી ચાલી આવતી આ પરંપરાની નોંધ અનેક માધ્યમોએ પણ લીધી છે જેને ઘેર કહેવામાં આવે છે. અંજાર શહેરમાં લગ્ને-લગ્ને કુંવારા ઇશાકચંદ્ર અને ઇશાકડીનાં લગ્નનો વરઘોડો કાઢવાની પ્રથા છે. ઇશાકચંદ્ર અને ઇશાકડીની એક જોડી બને છે. તેમનાં લગ્નનો કાયદેસર માણેકથંભ રોપવામાં આવે છે. કચ્છમાં માત્ર અંજાર શહેરમાં આ પ્રથાનું કાયદેસરનું લખાણ લોહાણા જ્ઞાતિ પાસે છે. આ ઘેરની વ્યવસ્થા મુખ્યત્વે લોહાણા જ્ઞાતિ જ સંભાળે છે જેમાં કોઠારી અટક કન્યાપક્ષની જવાબદારી સંભાળે છે, જ્યારે માથકિયા અટક વરપક્ષે રહે છે. ધૂળેટીના દિવસે વાજતેગાજતે નવવધુ ઇશાકડી અને વરરાજા ઇશાકને લગ્નનો પોષાક પહેરાવી શહેરના માર્ગો પર ફેરવવામાં આવે છે એ જોવા આખુંય ગામ હેલે ચડે છે. જ્યારે સંગીતનાં આધુનિક સાધનો ન હતાં ત્યારે આ વરઘોડામાં અમુક ચોક્કસ જ્ઞાતિના લોકો ઝાંઝ અને ત્રાંસા વગાડતા.

gujarat kutch holi mavji maheshwari