30 January, 2026 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મનુષ્યની અશાંતિના મૂળમાં માણસ પોતે જ છે. તમને જ્યાં-જ્યાં અશાંતિ દેખાય ત્યાં કોઈક ને કોઈક પ્રકારની હિંસા છુપાયેલી જણાશે. અશાંતિના પડદા પાછળ ઇચ્છા, આગ્રહ અને પૂર્વગ્રહ સંતાયાં છે. આપણને શાંતિ જોઈતી હોય તો એને આવતાં કોણ રોકે છે? શાંત થવું એનો અર્થ આપણા સ્વરૂપમાં સ્થિત થવું.
ચોવીસ કલાક એકધારા શાંત રહી શકાશે પણ ચોવીસ કલાક નફરત કરવી સંભવ નથી. પ્રેમનો પ્રવાહ જીવનના સામા કાંઠા વચ્ચે વહી રહ્યો છે. જીવન પ્રેમ વિના વેરાન થઈ જશે, સુકાઈ જશે. એટલે પ્રેમનો મહિમા સમજીને જીવજો.
મનને શુદ્ધ કરવા માટે ભગવદ્ કથા સમાન બીજું કોઈ સાધન સંસારમાં નથી. મનની શુદ્ધિ વગર શાંતિનો અનુભવ સંભવ નથી. જ્યાં સુધી જીવનમાં શાંતિ નથી ત્યાં સુધી જીવનમાં સુખ નથી. જીવનમાં શાંતિ હશે તો તમે ઝૂંપડામાં રહેતા હશો તો પણ સુખી હશો, નહીં તો મોટા મહેલમાં પણ સુખ નહીં હોય. સુખ મહેલોનું મોહતાજ નથી. જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે અને જ્યાં શુદ્ધિ છે ત્યાં શાંતિ છે. શુદ્ધિ માટે ભાગવત કથા છે. માણસ નિત્ય સ્નાન કરે છે, તનને શુદ્ધ કરે છે. એ જ રીતે ભગવાનનું ધ્યાન, ભજન, ભગવાનની કથા, ભગવાનનું નામ મનને શુદ્ધ કરનારાં છે. ભગવદ્ કથા જેવું મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન આ સંસારમાં નથી.
યોગ, યજ્ઞ, જ૫, તપ એ બધું તમારે કરવું પડે છે પણ કથામાં આપણે કંઈ નથી કરવું પડતું. આપણે તો માત્ર આવીને બેસી જવાનું, જે કંઈ કરે છે એ ભગવાનની કથા કરે છે. આમાં માણસનું કર્તૃત્વ ક્યાંય નથી. માણસ કરતો હોય તો તેના પ્રયાસ ગમેતેટલા નિષ્ઠાપૂર્વકના હોય છતાં ક્યારેક અસાવધાની રહી જાય. કંઈક ન્યૂનતા, ઊણપ રહી જાય અને પરિણામે મનના કોઈક ખૂણે ગંદકીનો કોઈક અંશ રહી જાય છે.
ભગવાનની કથામાં આપણે કંઈ નથી કરતા. જે કંઈ કરે છે એ ભગવાનની કથા કરે છે. સ્વયં ભગવાન આપણા મનને સાફ કરે છે. ભગવાન પૂર્ણ છે. એ જે કંઈ કરશે એમાં પૂર્ણતા હશે. આપણે તો માત્ર આવીએ છીએ, સાંભળીએ છીએ.
મન દઈને સાંભળવાની જરૂર નથી. મન તો કથા લઈ લેશે. તમે શું દેવાના? કનૈયો માખણ ચોરી લે છે. ગોપીઓનું મન એ જ માખણ છે. લાલાને માખણ ભાવે, લાલાને મિસરી ભાવે. એનો અર્થ એ થાય કે કનૈયાને મન ગમે છે. તેને પ્રેમ ગમે છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન વશ થાય. આ પ્રેમ જ મિસરી છે અને મન માખણ છે. વૈષ્ણવનું મન માખણ જેવું કોમળ હોય એ જરૂરી છે.