જ્યારે ક્રોધ માણસ પર સવાર થઈ જાય ત્યારે એ કમજોરીનું પ્રતીક બને

07 May, 2025 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રોધ મનુષ્ય પર સવાર થાય છે ત્યારે મનુષ્યને એ નુકસાન પહોંચાડે છે. ક્રોધ કમજોરીનું પ્રતીક છે. જે સંયમી છે તે ક્રોધના સ્વામી છે, તે ક્રોધને પણ કાબૂમાં કરી લે છે. ક્રોધ તેમના વશમાં હોય છે, તે ક્રોધના વશમાં નથી હોતા. ક્રોધ તો તેમનું સાધન છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

ક્રોધ મનુષ્ય પર સવાર થાય છે ત્યારે મનુષ્યને એ નુકસાન પહોંચાડે છે. ક્રોધ કમજોરીનું પ્રતીક છે. જે સંયમી છે તે ક્રોધના સ્વામી છે, તે ક્રોધને પણ કાબૂમાં કરી લે છે. ક્રોધ તેમના વશમાં હોય છે, તે ક્રોધના વશમાં નથી હોતા. ક્રોધ તો તેમનું સાધન છે. તે ક્રોધનું સાધન નથી બનતા પણ જ્યારે ક્રોધ તેના પર સવાર થઈ જાય ત્યારે એ કમજોરીનું પ્રતીક બને છે.

મહાભારતના યુદ્ધમાં કૌરવ પક્ષે શલ્યે સારથિનું કામ કર્યું અને પાંડવ પક્ષે કૃષ્ણે એવું કામ કર્યું કે જ્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ખૂંપી ગયું અને તે તેને બહાર કાઢી રહ્યો હતો ત્યારે કૃષ્ણે અર્જુનને કહ્યું કે, ‘માર અર્જુન, માર!’

થોડી ક્ષણ માટે અર્જુન ખચકાયો કે મને શ્રીકૃષ્ણ શું કહી રહ્યા છે? આવા સમયે મારવાનો? હવે કર્ણે પણ પરશુરામ પાસેથી કપટપૂર્વક વિદ્યા શીખી હતી અને પરશુરામે ક્રોધ કરીને કર્ણને શાપ દીધો હતો કે ‘ઠીક છે, તેં મારી સાથે છળકટ કરી વિદ્યા શીખી છે, પરંતુ જે સમયે તને આ વિદ્યાની સૌથી વધારે જરૂર પડશે એ સમયે તું આ વિદ્યા ભૂલી જઈશ.’

ખરી રીતે તો ગુરુની શુશ્રૂષા, સેવા નિષ્કપટ ભાવથી કરવી જોઈએ પણ અહીં કપટ છે. કર્ણની સેવાભાવના શ્રેષ્ઠ હતી કે પરશુરામ જ્યારે કર્ણના ખોળામાં માથું રાખીને સૂતા હોય અને એક ભમરો કર્ણની જાંઘ પર આવીને બેસે. તમે જુઓ. ભમરો આજુબાજુમાં આમતેમ ઊડતો હોય તો પણ આપણે આડાઅવળા થઈ જતા હોઈએ છીએ, પણ અહીં તો જરા પણ હલવાનું નથી. જો જરાક પણ હલે તો ગુરુજીની ઊંઘ ઊડી જાય અને ભમરાએ સાથળમાં છેદ કરવાનું શરૂ કર્યું છતાં કર્ણ ન હલ્યો કે ન ચલ્યો. તેને થયું કે જો હું સહેજ પણ હલીશ તો મારા ગુરુજીની ઊંઘ ઊડી જશે.

ધીમે-ધીમે છેદ થવાને કારણે કર્ણના સાથળમાંથી લોહીની ધારા વહેવા લાગી. પરશુરામને એનો સ્પર્શ થયો, જાગી ગયા. ‘આ શું થયું?’

જોયું તો ભમરાએ છેદ કર્યો ત્યાંથી લોહીની ધારા વહે છે. આ જોઈને ગુરુજી પ્રસન્ન થવા જોઈએ, પરંતુ અહીં તો પરશુરામ ગુસ્સે થઈ બોલ્યા, ‘બોલ, તું કોણ છે?’ પરશુરામ બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યા શીખવતા નહોતા. પરશુરામ કહે, ‘તું કોઈ બ્રાહ્મણ ન હોઈ શકે, કારણ કે બ્રાહ્મણ આટલી પીડા સહન ન કરી શકે. બ્રાહ્મણ લોહી વહેતું ન જોઈ શકે.’

છેલ્લે જ્યારે ખબર પડી કે કર્ણે સેવા-શુશ્રૂષા તો ખૂબ નિષ્ઠાથી કરી છે, પરંતુ તે ક્ષત્રિય હોવા છતાં કપટપૂર્વક બ્રાહ્મણ બની મારી પાસે ભણ્યો છે તો તેને શાપ આપ્યો. આ વાત અહીં સાકાર થાય છે. કર્ણના રથનું પૈડું પૃથ્વીમાં ખૂંપી ગયું. ક્રોધ અને કપટનું આ ઉત્તમ દૃષ્ટાંત છે, જે કહે છે કે કપટ ક્યારેય કરવું નહીં અને ક્રોધને ક્યારેય જાત પર સવાર થવા ન દેવો.

mahabharat mental health culture news religion life and style lifestyle news