10 November, 2025 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વર્તમાનમાં આપણે સૌ એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં દરેક મનુષ્ય પોતાના સ્વાર્થીપણાના સંસ્કારને વશ થઈને સંપૂર્ણ સંસારનો નાશ કરવા પર આવી ગયો છે. એટલા માટે જ આ યુગને કળિયુગ કહેવાને બદલે ‘સ્વાર્થયુગ’ કહેવો કદાચ વધુ યોગ્ય રહેશે.
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે સ્વાર્થને કારણે કેટલાક લોકો તેમનાં પ્રલોભનો પૂરાં ન થતાં જોઈને આપણા પર ભડકવા લાગે છે અને મર્યાદા, શાલીનતા, સજ્જનતા, આત્મીયતા તેમ જ ન્યાયને પથ્થર સાથે બાંધીને ઊંડી ખાઈમાં ફેંકી દે છે. સ્વાર્થ એક એવી માયા છે જેનાં ચશ્માં પહેરી લીધા બાદ મનુષ્યની દૃષ્ટિ જાણે સાવ જ બદલાઈ જાય છે.
સ્વાર્થી માણસ બીજાનું શોષણ કરવામાં તેમ જ તેમની સાથે અસભ્ય વ્યવહાર કરવામાં જરાય સંકોચ નથી રાખતો. ઘણી વખત તો તે મીઠું બોલીને પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માગે છે તેમ જ દબાણ નાખીને, સામેવાળા પર આરોપ લગાડીને, તર્કનો પ્રયોગ કરીને અને આવી અનેકાનેક યુક્તિઓ રચીને તે પોતાના મન પર સવાર સ્વાર્થની ધૂનને કંઈ પણ કરીને પૂરી કરવાના મરણિયા પ્રયાસ કરે છે. આ બધું કરતી વખતે તે મનોમન એમ સમજ્યા કરે છે કે તેની આ ચાલબાજી કોઈ સમજતું નથી. આ બધું જોતાં જે સારા સ્વભાવની વ્યક્તિ હોય છે તે ખૂબ જ મૂંઝાઈ જાય છે. ક્યારેક તેના મનમાં એવો વિચાર આવે છે કે તે આવા માણસનો ભાંડો બધા સામે ફોડી નાખે તો ક્યારેક તેને એમ પણ થાય છે કે તે પણ તેના જેવી જ ચાલાકી કરીને ‘જેવા સાથે તેવા’ની નીતિ અપનાવીને એક વખત તેને પરાજિત કરીને તેનું મિથ્યાભિમાન ચૂર-ચૂર કરી નાખે, પરંતુ બીજી તરફ તેનો વિવેક તેને એ યાદ કરાવે છે કે ખરાબીને ખરાબીથી જીતવી એ સજ્જનની શૈલી નથી. અતઃ તે સત્યતા અને પરમાર્થના રસ્તેથી વિચલિત નથી થતી. તે એમ સમજે છે કે સામેવાળી વ્યક્તિ માયાની કઠપૂતળી બનીને નાચી રહી છે અને પોતાની ચાલાકી વાપરીને બીજાને દગો આપવાને બદલે પોતે જ દગો ખાઈ રહી છે.
પોતાની આ સકારાત્મક વિચારશૈલીને કારણે સજ્જન આ બધો તમાશો જોઈને પણ પેલી વ્યક્તિ પ્રત્યે ઘૃણાભાવ ન રાખીને તેનું ભલું થાય એવા જ વિચારો કરે છે. આ આખા પ્રયાસમાં તે પોતાના મનમાં એક ધારણા દૃઢ રાખે છે કે ‘મારે બીજાની ખરાબીઓને જોઈને પોતે ખરાબ નથી થવાનું, સારા બનીને બીજાને પણ સારા બનવાની પ્રેરણા આપવાની છે.’ એટલે પ્રત્યેક મનુષ્યે સ્વાર્થનો સામનો પરમાર્થ સાથે કરીને પોતાના આત્માની ઉન્નતિના માર્ગ પર લાગી જવું જોઈએ. આ જ છે વર્તમાન સમયની ડિમાન્ડ.
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી