જીવન એ સાર્થક છે જે બીજાને પ્રેમ આપી શકે, સંતોષ આપી શકે, સુખ આપી શકે

12 June, 2025 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવન પણ અલગ વસ્તુ છે અને જીવનની સાર્થકતા પણ અલગ વસ્તુ છે

પ્રતીકાત્મક તસવીર

ઘણાંબધાં કર્મો અને કૃપાના આધારે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. જન્મથી લઈને મૃત્યુ સુધી એ વચ્ચેનું અંતર, જેને આપણે જીવન કહીએ છીએ એ જીવન કયા આધાર પર સાર્થક છે એ આપણે સૌએ સાથે મળીને વિચાર કરવો રહ્યો. 

શું માત્ર શ્વાસ લેવો એ જ જીવન છે? શું માત્ર હૃદય ધબકવું એ જ જીવન છે? શું સવારથી સાંજ સુધી પોતાના વ્યવસાયમાં, પોતાના રૂટીનમાં ફસાઈ રહેવું એ જીવન છે? વિચાર કરવો પડશે. 
જીવન પણ અલગ વસ્તુ છે અને જીવનની સાર્થકતા પણ અલગ વસ્તુ છે. જ્યારે આપણાથી બીજા રાજી હોય, જ્યારે આપણા જીવનથી બીજા સંતોષ પામતા હોય અને જ્યારે આપણું જીવન બીજાને શાંતિ અને સુખનો અનુભવ કરાવતું હોય તો એ જીવન જીવન છે. પરંતુ એની સાર્થકતા ત્યારે છે જ્યારે એ જીવનથી બીજા પ્રેરણા લેતા હોય, જે જીવનથી આપણે બીજાનાં દુઃખ-દરદ સમજી શકતા હોઈએ અને એને શક્ય એટલા પ્રમાણમાં દૂર કરવાના પ્રયાસો થઈ શકતા હોય. બીજાની આંખમાં આંસુ જોઈએ અને એને લૂછવાની તીવ્ર ભાવનાઓ અથવા તો પોતાથી પહેલાં બીજા માટે કંઈક કરી છૂટવાની લાગણીઓ જ્યારે આપણામાં પ્રવેશે ત્યારે એ સાર્થકતાના માર્ગે જાય છે. 

સંતો જેને આપણે આટલોબધો પ્રેમ કરીએ છીએ, એ સંતોને જે આપણે પગે લાગીએ છીએ, તેમને પણ આપણી જેમ બે હાથ છે, બે પગ છે, એક માથું છે, બે આંખ છે છતાં આપણે તેમને સન્માન કેમ આપીએ છીએ?, આપણે તેમને પ્રણામ શું કામ કરીએ છીએ? કારણ કે તેમનું જીવન બીજા માટે છે, બીજાના સુખની સર્વદા ચિંતા કરતા રહે, બીજાના સંતોષની સર્વદા ચિંતા કરતા રહે, બીજા માટે જીવતા રહે છે એટલા માટે આપણે તેમને પ્રણામ કરીએ છીએ. આપણે ત્યાં ભૂતકાળમાં એવા સંતો રહ્યા છે જેમણે માણસ સાથે તો પ્રેમ કર્યો, પણ પશુ-પક્ષી સાથે પણ પ્રેમ કર્યો છે, મોટા-મોટા ધનવાનો થઈ ગયા, મોટા-મોટા સંપત્તિવાનો થઈ ગયા પરંતુ એ કોઈના ફોટો ઘરે-ઘરે નથી લટકતા પણ પહેરવા માટે લંગોટી નહોતી એવા સંતોના ફોટો આજે ઘરે-ઘરે આપણને જોવા મળે છે એનું કારણ તેમનું જીવન બીજા માટે હતું. તેમણે બીજા સાથે શુદ્ધ પ્રેમ કર્યો અને એ પ્રેમ દ્વારા આ જગતને એક સાચો માર્ગ બતાવ્યો. 

ભલે આજે આપણે મૉડર્ન જમાનામાં જીવીએ છીએ અને આપણા આઇડલ કોઈ બીજા હોય જે માત્ર ફેમ થી પ્રચલિત છે, પણ આપણા સંતો ફેમથી પ્રચલિત નથી, પ્રેમથી પ્રચલિત છે. એ નદી સાર્થક છે જેનું જળ બીજાની પ્યાસ છિપાવી શકે, પ્રકાશ સાર્થક છે જે બીજાનો અંધકાર દૂર કરી શકે, ઔષધ એ સાર્થક છે જે બીજાના દરદને સમાવી શકે, અન્ન એ સાર્થક છે જે બીજાની ભૂખ મિટાવી શકે, એવી રીતે જીવન એ સાર્થક છે જે બીજાને પ્રેમ આપી શકે, સંતોષ આપી શકે, સુખ આપી શકે.

life and style culture news vaishnav community