જીવનના દરેક કાર્યનું પહેલું પગલું એક જ હોય : સંકલ્પ

16 September, 2026 06:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભગવાન બુદ્ધના એક પ્રસંગમાં માટીથી પથ્થર, લોખંડ, અગ્નિ, પાણી અને પવન સુધીની શક્તિ સમજાવવામાં આવે છે. અંતે બુદ્ધ કહે છે કે પવન કરતાં પણ બળવાન સંકલ્પ છે, કારણ કે દૃઢ નિશ્ચય માણસને આગળ વધવાની શક્તિ આપે છે.

મોરારી બાપુ (સૌજન્ય : મિડ-ડે )

વેસ્ટ ઇન્ડીઝના એક બૌદ્ધ ભિખ્ખુએ લખેલું પુસ્તક હું વાંચતો હતો એમાં આ એક પ્રસંગ આવે છે. આજે મારે એ તમને કહેવો છે. ભગવાન બુદ્ધને શિષ્યોએ પૂછ્યું, ‘ભગવાન, આ સંસારમાં સૌથી વધારે કઠોર અને બળવાન ચીજ કઈ છે?’ 
આ ખૂબ સુંદર પ્રશ્ન સાંભળીને ભગવાન બુદ્ધે આંખો ખોલીને જવાબ આપ્યો, ‘માટી...’ 
સાચી વાત છે કેમ કે માટી કરકરી હોય તો પગમાં ખૂંચે; આંખોમાં ઊડે તો આંખમાં દુખાવો થાય, પીડા થાય. માટી કઠોર છે. 
શિષ્યોએ ફરી પૂછ્યું, ‘ભગવાન, હવે કહો કે માટીથી વધારે કઠોર અને બળવાન શું છે?’ 
બુદ્ધે  જવાબ આપ્યો, ‘પથ્થર.’
ફરી અન્ય પ્રશ્ન આવ્યો, ‘પથ્થરથી વધારે કઠોર શું?’ 
બુદ્ધે  જવાબ આપ્યો, ‘લોઢું, લોખંડ.’ 
સીધું ગણિત છેને? લોખંડ પથ્થરથી પણ કઠોર અને બળવાન છે. 
શિષ્યગણે ફરી પૂછ્યું, ‘હવે કૃપા કરી એ બતાવો કે લોખંડથી કઠોર અને બળવાન કઈ ચીજ છે.’ 
ભગવાને કહ્યું, ‘અગ્નિ.’ 
શિષ્યોએ સંવાદ આગળ વધારતાં પૂછ્યું, ‘પ્રભુ, એનાથી બળવાન કોણ?’ 
જવાબ મળ્યો, ‘પાણી! આગનેય ઠારી દે છે.’ 
શિષ્યોએ પૂછ્યું, ‘ભગવાન, હવે એ કહો કે પાણીથી વધારે બળવાન કોણ?’ 
બુદ્ધ જવાબ આપ્યો, ‘પવન.’ 
શિષ્યો કહે, ‘પવનથી તો પાણી બને છે.’
H2O. આ બુદ્ધે નહોતું કીધું, આ H2O તો હું કહું છું. જે ભણેલા છે તેમને ખબર છે પાણીનું સૂત્ર છે H2O અને આ H2O પવનથી બને છે. વાદળાંમાં પાણી ભરાયેલું હોય છે, પવનની ઝાપટ લાગે છે એટલે વાદળાં વિખેરાય છે અને પાણી વરસે છે. પવનમાં તાકાત છે પાણી વરસાવવાની. માનસમાં પણ એનું પ્રમાણ છે. તો એ વાત સિદ્ધ થઈ ગઈ કે પાણીથી પવન બળવાન છે. ફરી શિષ્યોએ પૂછ્યું, ‘હવે કૃપા કરીને એ સમજાવો કે પવનથી વધારે બળવાન કોણ છે.’ 
બુદ્ધ ભગવાને ઊભા થઈને કહ્યું, ‘હવે મારે જવું છે, ‘ગંધ કુટિયા’માં સૂઈ જવું છે.’
બુદ્ધ જેમાં રહેતા હતા એ ઝૂંપડીનું, નિવાસનું નામ હતું ‘ગંધ કુટિર’. એમાંથી વિશેષ પ્રકારની ગંધ આવતી. 
શિષ્યોએ કહ્યું કે ભગવાન, આપ ગંધ કુટિરમાં વિશ્રામ માટે જાઓ એ પહેલાં કૃપા કરીને કહો કે પવનથી વધારે બળવાન કોણ છે? 
બુદ્ધે કહ્યું, ‘સંકલ્પ.’
હા અને એટલે જ કહે છે કે જો એક વાર સંકલ્પ કરી લીધો, દૃઢતા સાથે નક્કી કરી લીધું તો માણસને કોઈ રોકી ન શકે.

lifestyle news life and style religion hinduism indian mythology culture news Morari Bapu