પ્રેમ મુક્તિ છે, મોહ બંધન

08 June, 2026 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બધી પીડાઓ બે વ્યક્તિ વચ્ચેના વિશુદ્ધ પ્રેમમાં ક્યારેય જોવા નથી મળતી, કારણ કે તેઓ એ જાણતા હોય છે કે વાસ્તવિક સૌંદર્ય શરીરનું નહીં પરંતુ આત્માનું હોય છે અને એટલે જ આવી વ્યક્તિઓ શારીરિક આકર્ષણને જરાય મહત્ત્વ નથી આપતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રેમ અને મોહ મનુષ્યજીવનની બે એવી સહજ લાગણીઓ છે જે આપણા સૌની અંદર હોય જ છે અને એટલે જ એ બન્નેમાંથી એકને કાયા અને બીજીને છાયા કહેવામાં આવે છે. વાસ્તવમાં જોવા જઈએ તો ખરેખર બન્નેમાં એ જ અંતર છે જે કાયા અને છાયામાં હોય છે.

મોટા ભાગે જાડી બુદ્ધિવાળા લોકો પ્રેમ અને મોહને એકસમાન માની લેવાની ભૂલ કરતા હોય છે, જ્યારે બન્નેમાં જમીન-આસમાન જેટલું અંતર છે. પ્રેમનો આરંભ કોઈ વ્યક્તિથી થઈ તો શકે છે પરંતુ એના પર સીમિત રહી નથી શકતો. જો સીમિત રહી જાય અને કંઈક મેળવવાની ઇચ્છા કરે તો એ મોહ બની જાય છે. મોહ આપવા-લેવાની ઇચ્છા રાખે છે અને ઉપભોગની કામના કરે છે, જ્યારે પ્રેમ વ્યક્તિ અને વસ્તુઓ સાથે જોડાઈને પરમાર્થની વાત વિચારે છે. વાસ્તવમાં જોવા જઈએ તો મોહમાં ગુણોની કોઈ અપેક્ષા રહેતી જ નથી, કારણ કે એ માટે તો શારીરિક આકર્ષણ જ પૂરતું છે. જે રીતે રસની શોધમાં ભ્રમર એક ફૂલને ચૂસીને બીજા પર જઈને બેસે છે, પતંગિયાંઓને એક ફૂલ પર બેસી રહેવાથી સંતોષ થતો નથી કારણ કે તેમને ક્ષણે-ક્ષણે નવીનતા જોઈતી હોય છે બરાબર એવી જ રીતે મોહમાં પડેલી વ્યક્તિ એક સંબંધમાં ક્યારેય ટકી નથી શકતી અને પોતાના આકર્ષણની તરસ બુઝાવા માટે એકથી બીજા, બીજાથી ત્રીજા એમ અગણિત સંબંધોની જાળમાં પોતાની જાતને ફસાવીને અંતમાં તે કોઈનોય સગો બની નથી શકતો. આ બધી પીડાઓ બે વ્યક્તિ વચ્ચેના વિશુદ્ધ પ્રેમમાં ક્યારેય જોવા નથી મળતી, કારણ કે તેઓ એ જાણતા હોય છે કે વાસ્તવિક સૌંદર્ય શરીરનું નહીં પરંતુ આત્માનું હોય છે અને એટલે જ આવી વ્યક્તિઓ શારીરિક આકર્ષણને જરાય મહત્ત્વ નથી આપતી.

પરમાત્માએ આપણને આ સૃષ્ટિ પર સુખ, શાંતિ અને સદ્ભાવના સાથે જીવન જીવવા માટે મોકલ્યા છે; પરંતુ આપણે પોતાના સ્વાર્થવશ ચારેકોર મોહની એવી માયાજાળ નિર્મિત્ત કરી દીધી છે જેમાં આપણે પોતે તો ફસાયા જ છીએ, અન્યોને પણ આ દળદળમાં પોતાની સાથે ફસાવી નાખ્યા છે. હવે આમાંથી બહાર કઈ રીતે નીકળવું? આની વિધિ સાવ જ સરળ છે અને એ છે આત્માનુભૂતિ. જી હાં, જ્યાં સુધી આપણે પોતે એ વાતનો સ્વીકાર નહીં કરીએ કે મોહની આ માયાજાળ આપણી પોતાની માનસિક બીમારીનું પરિણામ છે ત્યાં સુધી આપણે આમાંથી બહાર નીકળી જ નહીં શકીએ. યાદ રહે કે પ્રેમ ક્યારેય કોઈને બાંધતો નથી, એ તો મુક્ત કરે છે; જ્યારે મોહ મુક્તિનું વચન આપીને પણ અંતે બંધનો જ વધારે છે. કદાચ એટલે જ સંતોએ પ્રેમને પરમાત્મા સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ ગણાવ્યો છે અને મોહને આત્માની યાત્રામાં સૌથી સૂક્ષ્મ અવરોધ. હવે બન્નેમાંથી શું પસંદ કરવું એ તો આપણા હાથમાં જ છે : પ્રેમ બનીને વિસ્તરવું કે મોહ બનીને સંકોચાઈ જવું? 

culture news life and style lifestyle news columnists gujarati mid day