કૃષ્ણનો સહવાસ- પ્રકરણ ૧૨ : યજ્ઞકર્મ : એ વેસ્ટ (waste) નથી પણ ઇન્વેસ્ટમેન્ટ છે

13 December, 2024 11:42 AM IST  |  Mumbai | Mukesh Pandya

અન્નથી યજ્ઞ થાય છે, યજ્ઞથી વરસાદ પડે છે અને વરસાદથી પાછું અન્ન ઉત્પન્ન થાય છે

શ્રીકૃષ્ણની તસવીર

ગીતાના ત્રીજા અધ્યાયમાં કર્મયોગી એવા શ્રીકૃષ્ણ યજ્ઞકાર્યને શ્રેષ્ઠ કાર્યનું બિરુદ આપે છે. ખરેખર કેટલી તીક્ષ્ણ બુદ્ધિ હશે આ વિભૂતિમાં જેમણે આ કાર્યને બિરદાવ્યું.

યજ્ઞને શ્રેષ્ઠ કહેવા પાછળ એક નહીં અનેક કારણો છે. યજ્ઞથી શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક, સામાજિક કે આધ્યાત્મિક દરેક ક્ષેત્રે ફાયદા જ ફાયદા થાય છે.

યજ્ઞના અગ્નિમાં સાત્ત્વિક, પૌષ્ટિક અને ઔષધીય ગુણો ધરાવતાં દ્રવ્યોને હોમીને એનું વાયુ સ્વરૂપે સૂક્ષ્મીકરણ કરવામાં આવે છે. એમાં ઘી, ચોખા, જવ, તલ, સાકર, નારિયેળ, સૂકો મેવો અને ઔષધિયુક્ત વૃક્ષોનાં લાકડાં હોમવામાં આવે છે. આવી ચીજો કે એમાંથી બનાવેલી વાનગીઓ આપણે ખાઈએ તો એનો લાભ ફક્ત આપણને જ મળે, પરંતુ એ જ ચીજોને જ્યારે આપણે અગ્નિમાં હોમીએ છીએ ત્યારે એમાંથી ઉત્પન્ન થતા પોષણયુક્ત વાયુનો લાભ આપણને તેમ જ આપણી આસપાસ બેઠેલાં મનુષ્યો, પશુ-પંખીઓ અને ઝાડપાન સુધ્ધાંને મળે છે. એટલે જ તો પહેલાંના સમયમાં યજ્ઞકાર્યને સમાજકલ્યાણનું કાર્ય કહેવાતું હતું.

એટલું જ નહીં, યજ્ઞ નિમિત્તે જે હોમ-હવન થાય છે એમાં ગાયનાં છાણાં પણ હોમાય છે. આ છાણાં બળવાથી ઉત્પન્ન થતો વાયુ વાતાવરણમાં રહેલા હાનિકારક કીટાણુઓનો સફાયો કરે છે. આમ પર્યાવરણ પણ શુદ્ધ થાય છે.

જેમ આપણે પાણી કે દૂધને ઉકાળીને જંતુરહિત બનાવીએ છીએ એમ હવાને ઉકાળીને શુદ્ધ કરવાની ક્રિયા એટલે હવન. હવનમાં ઘણી જાતનાં સુગંધિત દ્રવ્યો પણ હોમવામાં આવે છે. એની સુગંધ તનમન માટે અરોમા થેરપીની ગરજ સારે છે.

હવનના અંતે જે રાખ (ભસ્મ) બચે છે એ પણ ઘણી ઉપયોગી હોય છે. એમાં વિવિધ ખનિજોના ઑક્સાઇડ હોય છે. રાખનો ઉપયોગ ખાતર તરીકે ઉત્તમ છે. આ ઉપરાંત એ જંતુનાશક હોવાથી વાસણ ધોવામાં પણ એનો ઉપયોગ થાય છે. પહેલાંના સમયમાં સાબુનું ચલણ નહોતું ત્યારે આ રાખ જ સ્નાન કરતી વખતે કે હાથ ધોતી વખતે કામ લાગતી.

આજે આપણે ખાવા-પીવાની ક્વૉલિટી વિશે જેટલા સતર્ક રહીએ છીએ એટલા નિરંતર શ્વાસમાં લેવાતી હવાની ક્વૉલિટી વિશે ચિંતિત નથી હોતા. વારતહેવારે જો ઘરે-ઘરે નાના-નાના હોમ-હવન પણ થતા રહે તો તન-મનની અનેક બીમારીઓથી બચી શકાય.

અફસોસ ઘરની વાત તો દૂર રહી, હવે તો અવસર પ્રસંગે હવન-યજ્ઞ થતા હતા એ પણ લુપ્ત થતા જાય છે. વૈદિક વિધિ જેમાં અગ્નિની સાક્ષીએ લગ્ન સહિતની અનેક સંસ્કાર વિધિઓ થતી હતી એ હવે ઘટતી જાય છે. કોર્ટ-મૅરેજનું પ્રમાણ વધ્યું છે. કેવી સ્થિતિ આવી છે મારા ભાઈ! રિસેપ્શનમાં સેંકડો માણસોને બોલાવીએ છીએ, પણ જે દેવ-દેવીરૂપી શક્તિઓએ આપણને હવા, પાણી, ખોરાક અને ઔષધ આપ્યાં છે તેમને આમંત્રણ આપવાની પ્રથા જુનવાણી લાગે છે. હજાર-બે હજાર રૂપિયાની થાળીઓ ખવડાવીએ છીએ અને એમાં કેટલો બગાડ થાય છે એની ચિંતા કરવી શાનની વિરુદ્ધ લાગે છે, પણ હવનમાં વપરાતી સામગ્રી ઘણાને ચીજવસ્તુઓનો વેડફાટ લાગે છે. ત્રણ-ત્રણ કેટરર્સની વાનગીઓ ચાખીને એકની પસંદગી કરીએ છીએ, પણ હવનની સામગ્રી અને દ્રવ્યો શુદ્ધ છે કે નહીં એ ચકાસતા નથી.

ગીતાના ત્રીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘અન્નથી યજ્ઞ થાય છે, યજ્ઞથી વરસાદ પડે છે અને વરસાદથી પાછું અન્ન ઉત્પન્ન થાય છે. તમે જે ઇન્વેસ્ટ કરો છો એનું વળતર અનેકગણું થઈને પાછું મળે છે. આ જ રીતે સૃષ્ટિનું ચક્ર ચાલ્યા કરે છે.’

વાહ રે માનવી! જરાક વરસાદ ખેંચાય તો આપણે ઉપર આકાશ તરફ મીટ માંડીએ છીએ; પણ હે ભાઈબહેનો, આપણે યજ્ઞ કરીને ઉપર ગુણવત્તાયુક્ત વાયુ મોકલતા નથી એનું શું? કુદરત પાસેથી જે મળે એ સઘળું લઈ લેવું છે, પણ એને રિટર્ન ગિફ્ટ આપતા નથી એનું શું?

યજ્ઞ ત્યાગનો મહિમા સમજાવે છે. આજકાલ વિદેશમાં પણ જૉય ઑફ ગિવિંગ (આપવાનો આનંદ) પર પુસ્તકો લખાય છે, વ્યાખ્યાનો અપાય છે ત્યારે આપણે ત્યાગનો મહિમા ભૂલતા જઈએ છીએ. વેદોમાં ચોખ્ખું લખ્યું છે કે ‘તેન ત્યક્તેન ભુંજિથા:’ - ત્યાગીને ભોગવી જાણો. તમે યજ્ઞમાં જે પણ દ્રવ્યો કૃષ્ણાર્પણ કરો છો એ કોઈ ને કોઈ સ્વરૂપે હજારગણું થઈને પાછું પ્રાપ્ત થાય જ છે. અગ્નિમાં હોમાતાં દ્રવ્યોનું બાષ્પીભવન થઈને કેવા-કેવા ઉપયોગી વાયુઓ ઉત્પન્ન થાય છે એનું વર્ણન કરતાં પુસ્તકો પણ મળી આવશે. ખેતરમાં હવન કરીને લહેરાતા પાકની ગુણવત્તા સુધારવાના પ્રયોગો જર્મનીમાં થઈ રહ્યા છે. યજ્ઞ દ્વારા શરીર-મનની બીમારી દૂર કરવાના પ્રયોગો પણ દેશ-વિદેશમાં થઈ રહ્યા છે.

આ જ અધ્યાયમાં શ્રીકૃષ્ણ આગળ કહે છે કે આવાં નિ:સ્વાર્થ સામાજિક કાર્યોથી આપણે કર્મના બંધનમાં ફસાતા નથી. ઊલટાનું ભૂતકાળમાં જાણ્યે-અજાણ્યે કરેલાં કુકર્મો કપાય છે. સમૃદ્ધિથી લઈને પરમાત્માની પણ પ્રાપ્તિ થઈ શકે છે.

હાય રે નસીબ! આવો સુંદર કર્મયોગ સ્કૂલો-કૉલેજોમાં શીખવી શકાતો નથી અને કઈ ફિલ્મે કેટલો વકરો કર્યો એની ચર્ચાઓ ક્લાસરૂમમાં થયા કરે છે.

(ક્રમશ)

life and style culture news columnists exclusive