26 December, 2024 01:43 PM IST | Mumbai | Mukesh Pandya
શ્રીકૃષ્ણની તસવીર
શ્રીકૃષ્ણ એટલે બહુમુખી વ્યક્તિત્વ. તેઓ ધ્યાનમગ્ન થઈ શકે છે તો રાસમગ્ન પણ થઈ શકે છે.
શ્રીકૃષ્ણને જે-જે ચીજો વહાલી છે અને જે-જે વસ્તુઓનો તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન ઉપયોગ કર્યો છે એ બધાનું પોતાનું તાત્પર્ય છે. તેમણે અપનાવેલી વાંસળી, ગાય, મોરપિચ્છ, હીંચકો, તુલસી, રાસનૃત્ય આપણે પણ અપનાવીએ તો તનમનથી સ્વસ્થ રહી શકીએ અને એ પણ નિ:શુલ્ક કે નજીવા ખર્ચમાં.
આપણે અગાઉ વાંસળી, હીંચકા અને ગાય વિશે તો ચર્ચા કરી. આજે તેમની રાસલીલા અને નૃત્ય હાલના સમયમાં પણ કેટલાં ઉપયોગી છે અને કેટલું શીખવી જાય છે એ જોઈએ.
શ૨દ પૂનમની રાતે રાસ રમવાનું તેમનું પ્રયોજન એ હતું કે આ ઋતુ (સપ્ટેમ્બર-ઑક્ટોબર)માં દિવસના ભાગમાં અતિશય ગરમી હોય છે તો એ સમયે લોકોએ નીકળવાનું ટાળી રાતની શીતળ ચંદ્રની નિશ્રામાં બહાર નીકળવું જોઈએ. શરદઋતુમાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. ચોમાસામાં મોટા ભાગે ચંદ્ર વાદળોની પાછળ છુપાયેલો રહે છે. એનાં કિરણો વાદળોને કારણે રૂંધાઈ રહે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવામાં વાદળો વરસી ગયા બાદ આસો મહિનામાં ચંદ્રકિરણો વધુ તેજસ્વી બનીને પૃથ્વીને અજવાળે છે. આ ઋતુમાં રાતે રાસગરબા રમીએ તો દિવસની ગરમી દરમ્યાન શરીરમાં ભેગો થયેલો પિત્ત અને ટૉક્સિન પરસેવા વાટે બહાર નીકળી જાય છે અને વિવિધ બીમારીથી બચી શકાય છે. જ્યોતિષ અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ ચંદ્રની અસર પ્રવાહી પર ખૂબ વર્તાય છે. ચંદ્રના આકર્ષણથી જ સમુદ્રનાં પાણી હિલોળે ચડે છે. વનસ્પતિ અને ફળોમાં રસ ઊભરાય છે અને માનવીનું લોહી પણ થનગનતું હોય છે. પ્રવાહીનો બીજો અર્થ રસ પણ થાય છે. રસ પરથી રાસ શબ્દ આવ્યો હોય તો નવાઈ નહીં. પૂરી સૃષ્ટિ ચંદ્રની સાક્ષીએ રસભર્યું નૃત્ય કરે છે.
શ્રીકૃષ્ણના રાસનૃત્યની પૅટર્ન પણ ગજબની છે. પૂનમની રાતે રાધા-કૃષ્ણ વચ્ચોવચ કેન્દ્રમાં હોય અને ગોપ-ગોપીઓ તેમની ફરતે વર્તુળાકારમાં ઘૂમી રહ્યા હોય એવું ચિત્ર તો તમે જોયું જ હશે.
આવા નૃત્યમાં વ્યક્તિ પોતે ગોળાકારમાં ફરતી હોય છે અને કોઈ કેન્દ્રની આસપાસ પ્રદક્ષિણા પણ ફરતી હોય છે. પૃથ્વી સહિત આપણા બ્રહ્માંડના બધા જ ગ્રહો સૂર્યની આસપાસ આ રીતે જ રાસ રમતા હોય છે. દરેક ગ્રહો પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે અને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા પણ કરે છે. કૃષ્ણનો રાસ એ આ બ્રહ્માંડના નૃત્યની પ્રતિકૃતિ જ છે. અરે સૂક્ષ્મ અણુઓમાં પણ આ જ રીતે રાસનૃત્ય રચાતું હોય છે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોનના કણો રાધા-કૃષ્ણની જેમ કેન્દ્રમાં હોય છે અને આસપાસ ઇલેક્ટ્રોન્સ નૃત્ય કરતા હોય છે. આપણે શરદઋતુ દરમ્યાન રાસગરબા આ રીતે રમીએ છીએ એમાં મનને આનંદ તો મળે જ છે અને સાથે શરીરને પણ અનેક ફાયદા થાય છે. જેમ વૉશિંગ મશીનમાં કપડાં ગોળ-ગોળ ફરે અને એમાં રહેલો મેલ બહાર ફેંકાઈ જાય છે એમ આ રીતે ગોળાકારે આપણે નૃત્ય કરીએ ત્યારે શરીરનાં વિષ દ્રવ્યો અને વધારાનો પિત્ત પરસેવા વાટે બહાર નીકળી જાય છે. આથી શરીર શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ કરે છે.
આપણી રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે. શરદ પૂર્ણિમાએ રાસ રમીને શ્રીકૃષ્ણ આપણને પણ આ ઋતુમાં રાતે ઘરની બહા૨ નીકળીને નૃત્ય કરવાની પ્રેરણા આપે છે જેથી આપણા સૌનાં તનમન ચુસ્ત અને પ્રફુલ્લિત રહે. રાસ એ માત્ર નૃત્ય જ નહીં, પણ તનમનને નીરોગી રાખતી કસરત છે. ગ્રહો રાસ રમીને દિવસ અને રાતમાં ફેરવવાની અને ઋતુ પરિવર્તન કરવાની શક્તિ મેળવે છે. નાનામાં નાનો ઇલેક્ટ્રોન રાસ-ગરબા રમીને અનેક ઇલેક્ટ્રૉનિક (વીજાણુ) શક્તિ ઉત્પન્ન કરે છે. એ જ રીતે રાસગરબા રમીને સ્ત્રી-પુરુષો પણ અખૂટ શક્તિ મેળવી શકે છે. શરદઋતુમાં નવરાત્રિ દરમ્યાન રમાતા રાસ-ગરબાનો ઉત્સવ એટલે જ તો શક્તિપર્વ તરીકે પણ ઓળખાય છે.
કૃષ્ણ અને રાધાનું મિલન એ પુરુષ અને પ્રકૃતિનું મિલન છે. એ બન્નેના મિલનથી જ પૂરા બ્રહ્માંડમાં ઊર્જાનો સંચાર થાય છે. કૃષ્ણ અને રાધા નિ:સ્વાર્થ પ્રેમીઓ છે. બે શક્તિશાળી શત્રુઓ સામસામે બાખડે તો વિનાશ સર્જાય છે, પણ રાધા-કૃષ્ણ જેવી બે મહાન શક્તિ નિ:સ્વાર્થ પ્રેમથી ગળે મળે તો સૃષ્ટિનો વિકાસ થાય છે. અણુથી માંડી વિશાળ ગ્રહો રાધા-કૃષ્ણની જેમ નિ:સ્વાર્થ રાસ રમીને સુષ્ટિનું સંવર્ધન, પાલન અને પોષણ શક્ય બનાવે છે.
પ્રણામ શ્રીકૃષ્ણની આ રાસલીલાને.
(ક્રમશઃ)