કૃષ્ણનો સહવાસ- પ્રકરણ ૯ : તનમન તબ રહેગા ચંગા જબ કરોગે મુદ્રા ત્રિભંગા

10 December, 2024 11:57 AM IST  |  Mumbai | Mukesh Pandya

શ્રીકૃષ્ણ ઉત્તમ સંગીતજ્ઞ તો હતા જ, સાથે કુશળ નૃત્યકાર પણ ખરા. આ જાતની ઇતર પ્રવૃત્તિઓ આપણાં તનમન માટે લાભકારક સાબિત થાય છે.

શ્રીકૃષ્ણની તસવીર

શ્રીકૃષ્ણ ઉત્તમ સંગીતજ્ઞ તો હતા જ, સાથે કુશળ નૃત્યકાર પણ ખરા. આ જાતની ઇતર પ્રવૃત્તિઓ આપણાં તનમન માટે લાભકારક સાબિત થાય છે. કૃષ્ણ વાંસળી વગાડતાં-વગાડતાં ક્યારેક નૃત્ય પણ કરતા તો ક્યારેક રાધા અને ગોપ-ગોપીઓ સંગ રાસ પણ રચતા. તેમનો ઊભા રહેવાનો એક સુંદર અંદાજ એટલે પગને ઘૂંટણથી વાળીને બીજા પગને આંટી મારીને જમીન પર મૂકેલો પગ.

તેમની આવી મુદ્રા તમે અનેક ચિત્રોમાં જોઈ હશે, પછી એમાં તે ગાયો ચરાવતા હોય કે વાંસળી વગાડતા હોય. ભારતનાં અનેક શાસ્ત્રીય નૃત્યોમાં તમને આ જાતની ભંગિમા જોવા મળશે જે ‘ત્રિભંગા’ મુદ્રાથી પ્રખ્યાત છે.

આ જાતની મુદ્રામાં શરીર ત્રણ જગ્યાએથી વાળવામાં આવે છે એેટલે જ એને ત્રિભંગા મુદ્રા કહેવાય છે. આ ત્રણ અંગો એટલે ગરદન, કમર અને ઘૂંટણ. આ અંગોને ડાબે-જમણે એવી રીતે વાળવામાં આવે છે જેથી શરીર અંગ્રેજી અક્ષર ‘S’ના આકારમાં આવે. ભગવાન બુદ્ધની પણ આવી સ્થિતિની તસવીરો કે મૂર્તિઓ જોવા મળે છે. શાસ્ત્રીય ઓડિસી નૃત્યમાં આ જાતની ભાવભંગિમાઓ વધુ જોવા મળે છે. આવાં નૃત્યો મનને આનંદ આપે છે અને માનસિક તાણ તથા સ્ટ્રેસને ભગાવે છે, સાથે શરીરને પણ ખૂબ ફાયદા અપાવે છે.

આવી પોઝિશનમાં ઊભા રહેવાથી કે નૃત્ય કરવાથી શરીરની લવચીકતા (સ્થિતિસ્થાપકતા) વધે છે. માથાથી લઈને પગ સુધીનાં અંગોને કસરત મળે છે. ખૂબ ઊભા રહીને કે ચાલીને દુખવા માંડેલા પગને આરામ મળે છે. શ્રીકૃષ્ણ ગાયોના મોટા ધણને ખુલ્લા પ્રદેશમાં ચરાવવા લઈ જતા હશે ત્યારે તેમને પણ ખૂબ ચાલવું પડતું હશે કે ગાયોનું ધ્યાન રાખવા અલર્ટ પોઝિશનમાં ઊભા રહેવું પડતું હશે. ખાસ્સી વાર ચાલવાથી કે એક જ પોઝિશનમાં વધુ સમય ઊભા રહેવાથી શરીરનું લોહી ગુરુત્વાકર્ષણબળને કારણે પગમાં જમા થતું હોય છે જેને કારણે પગના સ્નાયુ પર વધુ દબાણ આવે અને દુખાવાની લાગણી થાય. આવા સંજોગોમાં બેસવા ન મળે અને વધુ ઊભા રહેવાની ફરજ કે જરૂર હોય તો પગને ઘૂંટણથી વાળીને કૃષ્ણની મુદ્રામાં રાખવાથી ચોક્કસ રાહત થાય છે. ઘણી વાર લોકલ ટ્રેનો કે બસમાં બેસવાની જગ્યા ન મળતાં વધુ સમય ઊભા રહેવાની નોબત આવે છે. આવા સમયે બન્ને પગને થોડી-થોડી વાર કૃષ્ણમુદ્રામાં રાખવાથી પગને મળતા સતત અને ભારે દબાણથી ઘણી રાહત મળે છે.

આ તો થઈ પ્રવાસની વાત, પણ આજકાલ મહિલાઓ રસોઈ પણ ઊભાં-ઊભાં જ કરે છે. બેસીને રસોઈ કરી શકાય એવો કન્સેપ્ટ જ ગાયબ થતો જાય છે. આવી સ્થિતિમાં પણ પગને પલાંઠી વાળવા માટે વાળતા હોય એવી દિશામાં વાળી લઈ કૃષ્ણની જેમ થોડી-થોડી વારે ઊભા રહેવાથી ખૂબ ફાયદો થાય છે. આવી સ્થિતિમાં પગમાં ધસી આવતા લોહી પર બ્રેક લાગે છે. પેટમાં વધુ લોહી જમા થાય છે જેનાથી પાચનશક્તિ વધે છે.

મહિલાઓ હવે પલાંઠી વાળીને રસોઈ કરતી નથી, તો પુરુષો પણ જમીન પર પલાંઠી વાળીને કામ કરતા નથી. અગાઉની બજારોમાં વેપારીઓ સફેદ ગાદી-તકિયા પર બેસીને કામધંધો કરતા કે હિસાબ લખતા એની જગ્યાએ ખુરસી-ટેબલ આવી ગયાં છે. ઘરે ભોજન પણ ડાઇનિંગ ટેબલ પર થવા માંડ્યાં છે. પ્રવાસ કરતી વખતે પણ માણસ ચાલતો હોય છે અથવા સીટ પર બેઠો હોય છે. અરે કોઈના મૃત્યુ પછી રખાતી સાદડીમાંથી પણ ‘સાદડી’ ગાયબ થતી જાય છે. ત્યાં પણ ખુરસીઓ આવી ગઈ છે. આમ સતત આપણા પગ નીચે ધરતી તરફ ઝૂકેલા જ રહે છે. પલાંઠી વાળવાની આદત જ ભુલાતી જાય છે. ઘૂંટણને માત્ર આગળ-પાછળ જ નહીં, પણ આજુબાજુ એમ દરેક દિશાઓમાં પણ ફેરવી શકાય છે એ વીસરાતું જાય છે. આવા સંજોગોમાં ઘૂંટણ કે પગને યોગ્ય કસરત મળતી નથી. પાચનસંબંધી બીમારીઓ કે ઘૂંટણની સમસ્યાઓ વધતી જાય છે. શ્રીકૃષ્ણ પૂજા-ધ્યાન કરતા ત્યારે પલાંઠી વાળીને બેસતા. આજકાલના ધમાલિયા જીવનમાં તો લોકો પૂજાપાઠ પણ એકચિત્તે બેસીને નથી કરી શકતા. દીવાલસરસા લગાડેલા મંદિર કે છબિ આગળ દીવો કે અગરબત્તી પ્રગટાવીને માથું નમાવીને ચાલતા થાય છે. આવા સમયમાં જ્યારે-જ્યારે મોકો મળે ત્યારે પલાંઠી વાળવાની કે શ્રીકૃષ્ણની જેમ ત્રિભંગા મુદ્રામાં ઊભા રહેવાની આદત કેળવવી જોઈએ.

બીજું, શ્રીકૃષ્ણ કુશળ સંગીતકાર અને નર્તક તો હતા જ, સાથોસાથ ઉત્તમ જ્ઞાની પણ હતા. આવતી કાલે ગીતાજયંતી છે. તેમણે આ દિવસોમાં અર્જુનને આપેલું જ્ઞાન આજના યુવાનો માટે પણ એટલું જ લાભકારક છે. આવું જ્ઞાન ફી ભરીને પણ કૉલેજોમાં શીખવા નથી મળતું ત્યારે આપણે આ કૉલમના માધ્યમથી આવતી કાલે અચૂક તેમના જ્ઞાનામૃતનું પાન કરીશું અને આજના સમયમાં કેટલું ઉપયોગી છે એ પણ જાણીશું.

(ક્રમશઃ)

culture news life and style religion hinduism columnists