દાદાની આંગળી પકડીને જે મંદિરમાં છોકરો આવતો એ જ મંદિરમાં બન્યો મહંત

12 July, 2026 03:32 PM IST  |  Mumbai | Shailesh Nayak

જગતના નાથ જગન્નાથજીની ગોદમાં બેસીને સેવા કરવાનો અવસર જેમને પ્રાપ્ત થયો છે તે અમદાવાદના જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની મહંત તરીકેની સફર અને અમદાવાદની પૌરાણિક રથયાત્રાની જાણી-અજાણી વાતોનો કરીએ સત્સંગ

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના ગજવેશ શણગારનાં દર્શન, જગન્નાથ મંદિરની ગાદી પર બિરાજમાન મહંત દિલીપદાસજી મહારાજ. તસવીરો : જનક પટેલ

રથયાત્રાની વાત આવતાં જ આપણા સ્મૃતિપટ પર જગન્નાથપુરીનું અથવા અમદાવાદનું જગન્નાથજીનું મંદિર અંકિત થઈ જાય. અમદાવાદની રથયાત્રા ધાર્મિક ઉત્સવની સાથે હવે તો લોકોત્સવ બની ગયો છે. ૧૬ જુલાઈએ અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ બન્ને પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોએથી વાજતેગાજતે નીકળશે. જગતનો નાથ જગન્નાથ સામે ચાલીને શહેરીજનોને દર્શન આપવા નગરની યાત્રા કરે છે અને ધાર્મિકજનો પ્રભુનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જોકે વર્ષો પહેલાં જે બાળક દાદાની આંગળી પકડીને જગન્નાથજીના મંદિરે દર્શન કરવા આવતો તે આજે આ મંદિરમાં મહંત તરીકે બિરાજમાન છે. આ બાળક એટલે અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ.

અમદાવાદનું પહેલું અન્નક્ષેત્ર જ્યાં મળે છે કાલી રોટી, ધોલી દાલ

કહેવાય છે કે અમદાવાદમાં સૌથી પહેલું અન્નક્ષેત્ર આજથી ૧૦૦થી ‍વધુ વર્ષ પહેલાં જગન્નાથજી મંદિરમાં શરૂ થયેલું જ્યાં કાલી રોટી, ધોલી દાલનો પ્રસાદ મળે છે. આ વિશે વાત કરતાં મહંત દિલીપદાસજી મહારાજ કહે છે, ‘બ્રહ્મલીન ગૌસંત નરસિંહદાસજી મહારાજે આ પરંપરાને શરૂ કરી હતી અને આ પરંપરા ચાલતી રહી છે. મંદિરમાં કાલી રોટી, ધોલી દાલનો પ્રસાદ અપાય છે. ધોલી દાલ એટલે દૂધપાક અને માલપૂઆના પ્રસાદને કાલી રોટી કહે છે. આ મિષ્ટાન્ન છે. એ સમયે ગરીબ લોકોને મહારાજશ્રીએ પ્રસાદમાં કાલી રોટી, ધોલી દાલનો પ્રસાદ આપવાની શરૂઆત કરી હતી. આજે પણ આ પરંપરા ચાલુ છે.’


માલપૂઆનો પ્રસાદ બનાવતા રસોઈયા.

સંસ્કારોના સિંચન સાથે સેવામાં સમર્પિત

બાળપણમાં મોટા ભાગે બાળકોને દાદા-દાદી લાડ લડાવે, બહાર લઈ જાય, એકડો ઘૂંટાવા સાથે સારા-ખોટાની સમજ આપે એમ દિલીપદાસજી મહારાજના કિસ્સામાં પણ બન્યું. પોતાના બાળપણના સમયને યાદ કરતાં તેમ જ દાદા સાથે મંદિરની મુલાકાતથી મહંત સુધીની સફર વિશે વાત કરતાં મહંત દિલીપદાસજી મહારાજ ‘મિડ-ડે’ને કહે છે, ‘બાળપણમાં મારા દાદા જેઠાલાલ મૂળચંદ ભાવસાર મને લઈને જગન્નાથજી મંદિરે આવતા હતા. ધર્મની સાથે, મંદિર સાથે અને સમાજ સાથે જોડવાની અને એ વિશે શીખવવાની એક પરંપરા, એક પ્રક્રિયા દાદાજી દ્વારા અમને મળી હતી. સમય-સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન; કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ વોહી બાણ. દરેક સમયમાં દરેક પ્રકારે એવું કહેવાય છે કે દરેક વસ્તુનો કોઈ સમય આવે છે. આજે હું આ પદ પર છું એ સમજો કે મારી માતા લક્ષ્મીબહેન અને પિતા અમૃતલાલના આશીર્વાદ. ભગવાનના તો હોય જ છે, ગુરુજીના હતા જ અને આ સેવામાં સમર્પિત બન્યા. સૌથી મોટી વાત સંસ્કાર. જીવનમાં સંસ્કારનું મહત્ત્વ ઘણું જ છે. હું માનું છું કે માતા-પિતાને, તેમના સંસ્કારોને, તેમની યાદોને જીવનમાં ભૂલવાં ન જોઈએ. તેમણે સાચો રસ્તો બતાવ્યો છે એ પકડવો જોઈએ. ભગવાન કોઈને પણ કોઈ ક્ષણ, ઘડી, નક્ષત્ર, તિથિ, વારનો સમય સાથે મિલાપ કરાવે છે. આ મિલાપને પકડવાની જવાબદારી આપણી બની જાય છે. તકેદારીથી જવાબદારીને પકડી છે તો આજે મને વિશ્વવંદનીય આ મોટી ગાદીના ભગવાન, જગતના નાથ જગદીશ્વરની ગોદમાં બેસવાનો અને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.’

હેલ્થના મેસેજ માટે અખાડાઓની થઈ હતી શરૂઆત

અખાડા હવે તો અમદાવાદની રથયાત્રાનું અભિન્ન અંગ સમાન છે. અખાડિયનોનાં હેરતઅંગેજ કરતબ સૌને મંત્રમુગ્ધ કરતાં આવ્યાં છે અને દિલધડક મનોરંજન પૂરું પાડતાં આવ્યાં છે. જોકે આજથી ૧૦૦ વર્ષ કરતાં વધુ વર્ષો પહેલાં જ્યારે અખાડાની શરૂઆત થઈ ત્યારે હેલ્થ પ્રત્યે લોકોને સભાન કરવાના મેસેજ સાથે અખાડા રથાયાત્રામાં સામેલ થયા હતા. આ વિશે વાત કરતાં અમદાવાદ અખાડા અસોસિએશનના પ્રમુખ મુકેશ હાડવૈદ ‘મિડ-ડે’ને કહે છે, ‘આશરે ૧૦૦ વર્ષ પહેલાં રથયાત્રામાં અખાડાની શરૂઆત થઈ હતી. એ પહેલાં તો રથયાત્રામાં ૩ રથ અને નાગાબાવાના અખાડા નીકળતા હતા. મારા પિતાજી રમણલાલ હાડવૈદ સારા અખાડિયન હતા. તેઓ મંદિરમાં સેવા આપવા જતા હતા. તેમને થયું કે મંદિરમાંથી આટલી સરસ યાત્રા નીકળે છે તો આપણે કંઈક સેવા આપવી જોઈએ, રથયાત્રામાં આવતી પબ્લિકને કંઈક મસેજ પહોંચાડવો જોઈએ. એટલે તેમણે લોકો હેલ્થ માટે જાગૃત થાય એ હેતુથી રથાયાત્રામાં અખાડાની શરૂઆત કરી હતી. લોકો કસરત કરે અને જમવામાં ધ્યાન આપે અને સ્વસ્થ રહે એ મેસેજ આપતા હતા. રથયાત્રામાં અખાડાની શરૂઆત થઈ ત્યારે એકમાત્ર અખાડો હતો અને આશરે ૧૦૦ જેટલા અખાડિયનો હતો. આજે ૩૦ અખાડા સામેલ થાય છે. અમદાવાદ ઉપરાંત સુરત, નડિયાદ, દહેગામ સહિતનાં સ્થળોએથી અંદાજે ૪૦૦૦ જેટલા વ્યાયામવીરો રથાયાત્રામાં જોડાય છે.’


મુકેશ હાડવૈદ

પ્રભુના શણગારમાં નિપુણ છે મહંત

કોઈ પણ મંદિરમાં આપણે જઈએ તો પ્રભુ કે કોઈ માતાજીની મૂર્તિ હોય એના પર દિવ્ય શણગાર કરવામાં આવ્યા હોય છે જે ધાર્મિકજનોમાં દિવ્ય અને અમિટ છાપ છોડતા હોય છે. જગન્નાથજી મંદિરના મહંત પણ પ્રભુના શણગારમાં નિપુણ છે. પ્રભુના શણગારનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે અને આ સેવાની મળેલી તક વિશે વાત કરતાં મહંત દિલીપદાસજી મહારાજ કહે છે, ‘હું દાદાની આંગળી પકડીને જગન્નાથજી મંદિરે આવતો હતો. આ મંદિર સહિત અમદાવાદનાં અનેક મંદિરોમાં અમે જતા હતા. ડાકોર તીર્થભૂમિ સહિત અનેક તીર્થક્ષેત્રમાં જતા હતા. પ્રભુની પ્રેરણાથી, તેમની ચેતનાથી જેમ-જેમ અમને પ્રભુ માર્ગ બતાવતા ગયા એ રીતે આગળ વધ્યા અને શણગાર-સેવામાં નિપુણતા આવતી ગઈ. આ નિપુણતા મારી નથી પણ પ્રભુની દેણ છે, એક ભાવ સમર્પિત છે. શણગાર માટે અમે જેટલું બને એટલું કરીએ છીએ જેથી આપણા ઠાકોરજી ઘણા દિવ્ય અને સુંદર લાગે. તેમનાં દર્શને આવનારા લોકો તેમનાં દિવ્ય દર્શનમાં મોહિત થઈ શકે અને ભક્ત તેમ જ ભગવાનનો મિલાપ થાય, આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાય, એમાં વિશ્વાસનો રંગ પુરાય એ રીતથી અમે ભગવાનની શણગાર-સેવામાં સમર્પિત છીએ. હું નાનો હતો ત્યારે પૂજારી સાથે અમારે સારા સંબંધ હતા. તેમની સાથે રહીને અમે સેવાનાં નાનાં-મોટાં કામો કરતા હતા, પણ લગભગ પંદરથી ૨૦ વર્ષ સુધી ઠાકોરજીના સાંનિધ્યમાં પૂજા શણગારની તક મળી. ભલે અમે ગાદી પર બેઠા છીએ, પણ મને પ્રભુના શણગાર કરવાનું સૌભાગ્ય મળ્યું છે તો ઠાકોરજી અમારાથી જેટલો સમય કરાવશે એટલો સમય અમે શ્રદ્ધાપૂર્ણ રીતે શણગાર સેવા કરતા રહીશું.’

એક સમયે ૧૬ પૈડાં હતાં બળદેવજીના રથનાં 

છેલ્લાં ૭૯ વર્ષથી રથાયાત્રામાં સામેલ થતા મફતલાલ ખલાસ પહેલાંની રથયાત્રાની વાતોને વાગોળતાં કહે છે, ‘વર્ષો પહેલાં બળદેવજીના રથનાં ૧૬ પૈડાં રહેતાં હતાં, જ્યારે જગન્નાથજી અને સુભદ્રાજીના રથનાં ૧૨–૧૨ પૈડાં રહેતાં હતાં. ૧૯૫૦માં નવા રથ બન્યા હતા. ૩ રથ નાના-મોટા હતા અને એમાં ૬ ઇંચ જેટલો ફરક હતો. ભગવાન જગન્નાથજીનો રથ નાનો હતો. એનાથી નાનો રથ સુભદ્રાજીનો હતો અને સૌથી મોટો રથ બળદેવજીનો હતો. જોકે હવે તો રથોનાં ૬ પૈડાં થઈ ગયાં છે. બે આગળ અને ૪ પાછળની સાઇડમાં હોય છે. અંગ્રેજ સરકારમાં નીકળતી રથયાત્રા પણ અમે જોઈ છે. એ સમયે રથની આસપાસ માંડ પચ્ચીસેક પોલીસ રહેતા અને છ જેટલા સાર્જન્ટ રહેતા હતા. સાર્જન્ટ બ્રિટિશર હતા.’

પાંચ પેઢીથી રથનું મૅનેજમેન્ટ કરતો અને રથ ખેંચતો ખલાસ પરિવાર


ખલાસ પરિવારના સભ્યો ડાબેથી કૌશલ, મફતલાલ અને મહેન્દ્ર ખલાસ

અમદાવાદમાં નીકળતી રથયાત્રામાંમાં છેલ્લી પાંચ પેઢીથી ખલાસ પરિવાર રથના મૅનેજમેન્ટનું કામ કરે છે અને રથ ખેંચે છે. ૯૩ વર્ષની ઉંમરે પણ આ ‍વર્ષે રથનું મૅનેજમેન્ટ કરનારા અમદાવાદના મફતલાલ ખલાસ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા દાદાના વખતથી અમારો પરિવાર રથ ખેંચે છે. મારા દાદા રણછોડલાલ ખલાસ પછી મારા પિતાજી મંગળદાસ ખલાસ અને એ પછી મેં રથ ખેંચવાની શરૂઆત કરી હતી. આજે મારી સાથે મારો દીકરો મહેન્દ્ર અને મારો પૌત્ર કૌશલ રથનું મૅનેજમેન્ટ કરે છે. મારી ઉંમર ૧૪ વર્ષની હતી ત્યારે હું મારા પિતાજી સાથે રથ પર બેઠો હતો અને મારી યાત્રા શરૂ થઈ હતી જે આજે પણ ચાલે છે. હું, મારો દીકરો અને મારો પૌત્ર બીજા રથ પર આગેવાન તરીકે બેસીએ છીએ. આ રથ સુભદ્રાજીનો છે. જે ભાઈઓ રથ ખેંચતા હોય તેમને અમે સૂચના આપીએ છીએ અને એ પ્રમાણે રથ આગળ લઈ જાય તથા ઊભો રાખે છે.’ 

જીવનમાં ગુરુનું વિશેષ મહત્ત્વ

વ્યક્તિના જીવનમાં ગુરુનું એક વિશેષ મહત્ત્વ રહેલું છે. આપણાં શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે ગુરુ બિન જ્ઞાન કહાં. દિલીપદાસજી મહારાજ ગુરુ વિશે શું માને છે એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આપણા સનાતન ધર્મની એક પરંપરા રહી છે કે ગુરુ કૃપાહી કેવલમ. ગુરુની કૃપા વગર, ગુરુના આશીર્વાદ વગર કોઈ પણ માનવના જીવનનો ઉદ્ધાર થતો નથી કે જીવનનું કોઈ કાર્ય સફળ બનતું નથી. અમારા ગુરુજીનું નામ બ્રહ્મલીન, ગૌસંત, શ્રી મહામંડલેશ્વર શ્રી રામેશ્વરદાસજી મહારાજ છે. મહારાજશ્રી નાનપણથી મને પણ જોતા હતા. અમે આશીર્વાદ લેવા જતા હતા, તેમની સાથે ઊઠતા-બેસતા હતા, જ્યારે પ્રસાદનો અવસર મળતો ત્યારે પ્રસાદ લેતા હતા. ભગવાન શ્રીરામ પણ ગુરુના આશીર્વાદથી, ગુરુકૃપાથી કાર્યરત થયા હતા અને ભગવાન શ્રીકૃષ્ણે પણ તેમના જીવનકાળ દરમ્યાન ગુરુ બનાવ્યા હતા. સાંદીપનિ આશ્રમમાં ગયા હતા. એ તો આપણી આદિ-અનાદિ ઋષિ-પરંપરા રહી છે એટલે ગુરુજીના અમારા પર ખૂબ આશીર્વાદ હતા, ખૂબ ભાવ હતો. આજે અમે ગુરુના આશીર્વાદથી, તેમની ચેતનાથી અહીં છીએ. અમારા ગુરુજી સહિત બીજા ગુરુજીઓ પણ ખરા. બ્રહ્મલીન નરસિંહદાસજી મહારાજે જે જ્યોત પ્રગટાવી ત્યારથી આજ સુધી બસ સેવા અને સ્મરણ એ અમારા ગુરુજીઓ કરાવતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. ગુરુના આશીર્વાદ એ જીવનમાં સૌથી મોટું અમોઘ શસ્ત્ર સમજો, શાસ્ત્ર સમજો કે ધરોહર સમજો. એ કેવી રીતે સાચવીએ એ આપણા પર હોય છે. અમારા ગુરુને વંદન કરીએ છીએ. તેમના આશીર્વાદથી સમાજમાં આટલું મોટું સ્થાન મળ્યું છે. નામ વસ્તુ અલગ છે, પણ સેવા કરવાનું સૌભાગ્ય આપ્યું છે અને આ જીવન અમારું સેવા અને સ્મરણ કરીને ગુરુજીના આશીર્વાદથી તેમની વહેતી ગંગામાં વહેવડાવતા રહીએ એવી પ્રાર્થના કરીએ છીએ.’

અમદાવાદની રથયાત્રાનું મહત્ત્વ

અમદાવાદમાં નીકળતી રથયાત્રાનું એક વિશેષ મહત્ત્વ રહેલું છે. જેમ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની શ્રદ્ધાળુઓ રાહ જોતા હોય છે અને ગણપતિબાબાને પુઢચ્યા વર્ષી લવકર યા દર વર્ષે કહેવામાં આવે છે એમ અમદાવાદની રથયાત્રા સંપન્ન થયા બાદ બીજા વર્ષે વહેલી આવે એની ભક્તજનો રાહ જોતા હોય છે. અમદાવાદની રથયાત્રાના મહત્ત્વની વાત કરતાં મહંત દિલીપદાસજી મહારાજ કહે છે, ‘કહેવાય છે કે પુરીની રથયાત્રા પહેલા નંબરે આવે છે અને અમદાવાદની રથયાત્રા બીજા નંબરે. અમદાવાદની રથયાત્રાનું મહત્ત્વ સવિશેષ છે. રથયાત્રામાં હિન્દુ ઉપરાંત સિખ, ઈસાઈ, મુસ્લિમ સમુદાય સહિત દરેક ધર્મના, દરેક સમાજના, દરેક સંપ્રદાયના અને દરેક વર્ગના લોકો જોડાય છે એટલે સદ્ભાવના અને સમરસતાની આ એક ઐતિહાસિક રથયાત્રા છે. ભગવાન જગન્નાથજી સર્વત્ર છે ત્યારે તેમની રથયાત્રાનો એક અણમોલ અવસર માનવજીવનમાં પ્રાપ્ત થાય છે. રથયાત્રામાં આપણે જોડાઈશું અને સેવા સાથે સમર્પિત થઈશું એટલું જીવનકાળ દરમ્યાન ઓછું જ લાગશે. આ વર્ષે રથયાત્રા પૂરી થાય અને ફરી અષાઢી બીજ આવે અને પ્રભુ આપણે ત્યાં આવે, તેમનાં દર્શનનો લહાવો મળે એવી ઇચ્છા શ્રદ્ધાળુઓને થતી હોય છે.’

પહેલી વાર QR કોડવાળાં ID કાર્ડ

ભગવાન જગન્નનાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના રથ ખેંચવા માટે આવતા ભાઈઓ માટે આ વર્ષે પહેલી વાર શ્રી જગદીશ મંદિર રથયાત્રા રથ ખેંચનાર ખલાસી અસોસિએશન દ્વારા ક્વિક રિસ્પૉન્સ (QR) કોડવાળાં ID કાર્ડ બનાવવામાં આવ્યાં છે જેથી કોઈ તકલીફ ન સર્જાય કે અન્ય કોઈ વ્યક્તિ ઘૂસી ન જાય. આ વિશે વાત કરતાં મહેન્દ્ર ખલાસ ‘મિડ-ડે’ને કહે છે, ‘અત્યારે રથ ખેંચવા માટે ૧૧૦૦થી ૧૨૦૦ જેટલા છોકરાઓ આવે છે. અમદાવાદ, મહેમદાવાદ, ખંભાત, વડોદરા, સુરત, ધોળકા સહિતનાં નાનાં-મોટાં શહેરોમાંથી છોકરાઓ રથ ખેંચવા આવે છે. એક રથ ખેંચવા માટે ૩૦૦થી ૩૫૦ જેટલા છોકરાઓ હોય છે. રથ સાથે બન્ને સાઇડમાં ૩૦–૩૦ ફુટ લાંબું દોરડું બાંધેલું હોય છે. રથ ખેંચતા છોકરાઓને આ વર્ષે પહેલી વાર QR કોડવાળાં ID કાર્ડ આપવામાં આવશે. એમાં રથ ખેંચનાર વ્યક્તિનો ફોટો, સરનામું, ફોન-નંબર સહિતની વિગતો હશે. QR કોડ સ્કૅન કરો તો આ બધી વિગતો મળી આવે. આવું કરવા પાછળનું કારણ એ છે કે કોઈ વ્યક્તિ ID કાર્ડની કૉપી ન કરે તેમ જ પોલીસને ખબર પડે કે આ રથ ખેંચનાર વ્યક્તિ છે. દરેક રથ પ્રમાણે અલગ-અલગ રંગની દોરીવાળાં ID કાર્ડ અપવામાં આવશે જેથી દૂરથી અમને ખબર પડે કે કયો માણસ કયો રથ ખેંચવાનો છે અને કયા રથની દોરી છે. પહેલા રથ માટે બ્લૅક કલરની, બીજા રથ માટે યલો કલરની અને ત્રીજા રથ માટે વાઇટ દોરી ID કાર્ડ સાથે હશે. દોરી પર ૧૪૯મી રથયાત્રા ૨૦૨૬ લખેલું હશે.’ 

અંગ્રેજ સરકારમાં નીકળતી હતી રથયાત્રા

અમદાવાદમાં આ વર્ષે ૧૪૯મી રથયાત્રા યોજાવાની છે. મતલબ કે આટલાં વર્ષો પહેલાં પણ અંગ્રજોના સમયમાં રથયાત્રા હર્ષોલ્લાસ સાથે વાજતે-ગાજતે યોજાતી હતી. આ વિશે મહંત દિલીપદાસજી મહારાજ કહે છે, ‘રથયાત્રાનું આ ૧૪૯મું વર્ષ તો સમજો એ એક સરકારી પરમિશન લેવાય છે એ છે. એ પહેલાં પણ અંગ્રેજ સરકારમાં ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળેલી છે. પહેલાંની યાત્રામાં અને અત્યારની યાત્રામાં આધ્યાત્મિકતા સાથે સૌ જોડાય છે એ ખૂબ સાધુવાદ ગણાય.’

ahmedabad jagannath puri odisha culture news hinduism columnists shailesh nayak