13 December, 2024 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન
એવો કોઈ મનુષ્ય નથી જે શક્તિમાં, જ્ઞાનમાં, યોગ્યતામાં, દૈવી ગુણોમાં અને સુખ-શાંતિમાં પોતાની જાતને સંપૂર્ણ કહી શકે. કારણ કે વાસ્તવિકતા એ જ છે કે જન્મ-મરણ અને સુખ-દુઃખના ચક્રમાં પડેલી પ્રત્યેક વ્યક્તિ અપૂર્ણ છે. અતઃ અપૂર્ણતા એ માણસનો સૌથી પ્રબળ દોષ છે જેના દ્વારા તેની અંદર બીજા બધા દોષ પ્રવેશતા જાય છે. મનુષ્યની અંદર સંપૂર્ણ જ્ઞાન નથી એટલે તે ભૂલો કર્યા કરે છે, તેની અંદર સંપૂર્ણ શક્તિ નથી એટલે તે માયાથી હાર ખાતો રહે છે, તેની અંદર સંપૂર્ણ શાંતિ નથી એટલે તે વિષય-વિકારોની અંદર સુખ અને આનંદ શોધતો રહે છે. આનાથી એ સિદ્ધ થાય છે કે અજ્ઞાન, અશાંતિ, નિર્બળતા, પરાધીનતા તેમ જ જન્મ-મરણનાં દુઃખોથી મનુષ્ય ત્યારે જ છૂટી શકે છે જ્યારે તે સંપૂર્ણ બને છે અને માટે જ આજે દરેક મનુષ્ય સંપૂર્ણ બનવા માગે છે જેને માટે તે વધુ જ્ઞાન, વધુ શાંતિ, વધુ શક્તિ, વધુ સુખ પામવાની ઇચ્છા રાખે છે અને એને માટે પુરુષાર્થ પણ કરે છે.
સમજો, મનુષ્ય સ્વ-પુરુષાર્થ વડે જ્ઞાન, શક્તિ અને દૈવી ગુણ વધુ પ્રમાણમાં પ્રાપ્ત કરી પણ લે છતાં તે પરમાત્મા તો ન જ બની શકે, કારણ કે પરમાત્મા તો એક જ અજર, અમર, જ્ઞાન અને શાંતિના સાગર છે. તેમના પછી દેવી-દેવતાઓ જ એવી વ્યક્તિ છે જેમને મનુષ્યોની સરખામણીમાં દૈવી ગુણસંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી, સુખ અને શાંતિમય, જન્મ-મરણ રહિત કહેવામાં આવે છે, પરંતુ એમાં પણ અમુક ૧૬ કળા સંપૂર્ણ એટલે કે સૂર્યવંશી કહેવાય છે અને અમુક ૧૪ કળા સમ્પૂર્ણ એટલે ચન્દ્રવંશી કહેવાય છે. માટે મનુષ્ય જો ઇચ્છે તો તે ૧૬ કળા અથવા ૧૪ કળા સંપૂર્ણ માનવ બની શકે છે. અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે અપૂર્ણથી ૧૬ કળા સંપૂર્ણ દેવી-દેવતાપદને પ્રાપ્ત કઈ રીતે કરવું? ઘણા લોકો પોતાનાથી મહાન વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ પોતાની અપૂર્ણતાને પૂર્ણ કરવાનો પુરુષાર્થ કરે છે. તો આનો અર્થ એમ થયો કે સંપૂર્ણ બનવા માટે મનુષ્ય પાસે માત્ર એક જ ઉપાય છે કે તે અપૂર્ણ મનુષ્યની સ્થિતિથી ઉપર ઊઠીને સંપૂર્ણ દેવતા બનવા માટે, દેવોના દેવ જે એક પરિપૂર્ણ પરમાત્મા છે તેમના સંપર્કમાં રરહી એવો પુરુષાર્થ કરનાર વ્યક્તિઓના સમૂહમાં રહે.
ગીતામાં ભગવાને કહ્યું છે કે જ્યારે મનુષ્યઆત્માઓ જ્ઞાન, શક્તિ અને શાંતિના વિચારોથી અપૂર્ણ થઈ જાય છે એટલે કે સંપૂર્ણ વિકારી બની જાય છે ત્યારે હું સદા-સંપૂર્ણ આત્મા (પરમાત્મા) તેમને દિવ્ય જ્ઞાન આપીને ફરીથી ૧૬ કળા સંપૂર્ણ દેવી-દેવતા બનાવું છું. તો વિવેક એમ કહે છે કે સંપૂર્ણ બનવાની અભિલાષા રાખનારા મનુષ્યોએ વર્તમાન ધર્મગ્લાનિના સમયે અપૂર્ણ આત્માઓનો સંગ છોડીને એક પરમાત્માનો સંગ કરી, દિવ્ય જ્ઞાન અને યોગની શિક્ષા પ્રાપ્ત કરી સંપૂર્ણ દેવપદના પોતાના લક્ષને હાંસલ કરવો જોઈએ.
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી