તમારું જીવન કેવું? સામગ્રી ભરેલું કે પછી પ્રસન્નતાસભર?

30 April, 2026 01:52 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

ધર્મ વિનાનું અને સદ્ગુણો વિનાનું જીવન કદાચ સામગ્રીસભર હોઈ શકે, પરંતુ પ્રસન્નતાસભર હોય એ તો લેશ સંભવિત નથી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

‘કેમ, આંખે અને કપાળે શું થયું?’

સાંજે સાંતાક્રુઝના જૈન ઉપાશ્રયે મળવા આવેલા યુવકના મોઢા પર બે જગ્યાએ પટ્ટી લાગેલી જોઈને મેં પૂછ્યું. ધર્મમાં જોડાયાને માંડ દોઢેક વર્ષ થયું હશે તેને. સાધુ-ભગવંતોની ભક્તિ કરવાની તમન્ના. ભક્તિમાં ન જુએ થાક, ન ગણકારે ઊંઘ. સવારે વ્યાખ્યાન સાંભળીને ગયો એ વખતે તેના મોઢા પર કોઈ પટ્ટીઓ નહોતી.

‘સાહેબજી, બચી ગયો...’ યુવકે ઉત્સાહ સાથે કહ્યું, ‘આજે તો ખૂન જ થઈ જાત.’

‘કેમ, એવું તે શું થયું?’

‘અરે, ઘટના જ એવી ઘટી...’ યુવકે વાત કરવાની શરૂ કરી, ‘હું અને મારો ભાઈ ઘરેથી સ્કૂટર પર નીકળ્યા. બે-ચાર જગ્યાએ માલના ઑર્ડર લેવાના હતા અને પેમેન્ટ પણ કરવાનું હતું. સાથે પાંચ લાખ રૂપિયા હતા. કાલના પ્રવચનમાં આપે પહેલી રોટલી લૂખી ખાવાની પ્રેરણા કરીને નિયમ આપ્યો હતો. એ નિયમ મેં પણ લીધો હતો. ઘરેથી દુકાન જવા અમે નીકળ્યા ત્યારે ઘરમાં રોટલી બની નહોતી એટલે ડબ્બામાં ખાખરા લીધેલા. બન્યું એવું કે બાંદરા છોડ્યું અને પ્રભાદેવી આવ્યું ત્યારે સ્કૂટરની લગોલગ બીજું સ્કૂટર આવી ગયું. એના પર બેઠેલા બન્ને માણસો ગુંડા જેવા લાગ્યા. મેં સાવધ થઈને સ્કૂટર થોડું વધુ દબાવ્યું. તેણે પણ ઝડપ વધારી. બૅન્ડ-સ્ટૅન્ડ આવ્યું ત્યાં પેલા સ્કૂટરચાલકે અમારી સાવ નજીક સ્કૂટર લઈ લીધું અને કહ્યું કે જે કંઈ છે એ બધું આપી દે. હજી કંઈ કહીએ એ પહેલાં તેણે સ્કૂટરના આગલા ભાગ પર લટકાવેલી થેલીમાં રહેલી રિવૉલ્વર કાઢીને અમારી સામે ધરી દીધી. મેં હિંમત એકઠી કરીને સ્કૂટરની ઝડપ વધારી અને ત્યાં રસ્તાની એક બાજુ રહેલી મારુતિ સાથે સ્કૂટર ભટકાયું. મારો ભાઈ અને હું પડી ગયા.’ તે યુવકે ઍક્શન સાથે દેખાડ્યું અને કહ્યું, ‘બન્યું એવું કે અમારા પડવાની સાથે થેલીમાં હતો એ ખાખરાનો ડબ્બો પડ્યો અને એનું ઢાંકણું ખૂલી ગયું. ખાખરા રસ્તા પર ઢોળાયા અને જેવી ખાખરા પર ગુંડાઓની નજર પડી તેઓ અટકી ગયા. તેમને લાગ્યું કે અમારી પાસે માત્ર ખાખરા છે, પૈસા નથી એટલે પળનોય વિલંબ કર્યા વિના તેમણે સ્કૂટરનો યુ-ટર્ન લઈ લીધો અને ભાગી ગયા.’

યુવકે હાથ જોડ્યા અને કહ્યું, ‘સાહેબજી, લૂખી રોટલીના એક નિયમે અમને ભાઈઓને બચાવી લીધા. નહીંતર આજે એકાદ પરિણામ તો નિશ્ચિત હતું : કાં જીવ જાત અને કાં તો રૂપિયા. બન્ને સલામત રહ્યા એનો યશ પ્રભુશાસનના નાનકડા નિયમના ફાળે!’

ધર્મ વિનાનું અને સદ્ગુણો વિનાનું જીવન કદાચ સામગ્રીસભર હોઈ શકે, પરંતુ પ્રસન્નતાસભર હોય એ તો લેશ સંભવિત નથી. 

culture news life and style lifestyle news columnists