માયાભાઈ આહીરઃવાંચો ડ્રાઈવરથી ડાયરાના 'સુપરસ્ટાર' સુધી કેવી રહી છે સફર

17 April, 2019 05:57 PM IST  |  ભાવનગર | ભાવિન રાવલ

માયાભાઈ આહીરઃવાંચો ડ્રાઈવરથી ડાયરાના 'સુપરસ્ટાર' સુધી કેવી રહી છે સફર

માયાભાઈ આહીર (તસવીર સૌજન્યઃફેસબુક, mayabhaiahi.in)

સૌરાષ્ટ્ર હોય કે સાત સમુંદર પાર ભૂરિયાઓનો કોઈ દેશ. પણ કાઠિવાડી બોલીમાં બોલતા માયાભાઈ સ્ટેજ પર આવે કે તાળીઓનો ગડગડાટ થઈ જાય. માયાભાઈ બોલવાનું શરૂ કરે અને વાહની દાદ મળે. માયાભાઈના દરેક ટુચકા પર ઓડિયન્સમાંથી ખડખડાટ હાસ્ય સંભળાય. માયાભાઈના નામે ડાયરામાં હકડેઠઠ ભીડ જામે અને મોડા જાવ તો બેસવાની જગ્યા ના મળે. હા તમે પણ એમને સાંભળ્યા જ હશે. વાત છે ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર, હાસ્ય કલાકર માયાભાઈ આહીરની.

આજે જે ડાયરામાં માયાભાઈ આહીરનું નામ હોય તે ડાયરામાં બેસવા માટે જગ્યા ખૂટી પડે છે. માયાભાઈને સાંભળવા લોકો આખી આખી રાત જાગે છે. પણ માયાભાઈની આ સફળતા સુધીની સફર ખરેખરી સફર છે. કારણ કે ડાયરાના સુપરસ્ટાર બની ચૂકેલા માયાભાઈ આહીર એક સમયે ડ્રાઈવિંગનું કામ કરતા હતા. બહુ ઓછા લોકોને ખબર છે આજે રામાયણથી મહાભારતના પ્રસંગો, દેશ દુનિયાના પ્રસંગો ટાંકીને સામાજિક સંદેશો શીરાની જેમ ગળે ઉતારી દેતા માયાભાઈ પોતે માત્ર 10 ધોરણ જ ભણેલા છે. અને માયાભાઈ આહિર પોતાના જુદા જુદા કાર્યક્રમોમાં આ વાત સ્વીકારી પણ ચૂક્યા છે.

મૂળ તો માયાભાઈ આહીર કાઠિયાવાડી, એટલે ડાયરા અને લોકસાહિત્ય સાથે આમ તો બાળપણથી નાતો. પરંતુ મૂળ તો એવું કહેવાય કે લોકસાહિત્યમાં ચારણો અને ગઢવી કાઠું કાઢી શકે, જો કે આજના કલાકારોએ એ માન્યતા તોડી છે. જેમાં એક નામ આપણા માયાભાઈનું પણ છે. 16 મે, 1972ના રોજ જન્મેલા માયાભાઈ ભલે વધુ ભણ્યા નથી પરંતુ લોકસાહિત્ય તેમને વારસામાં મળ્યું છે. માયાભાઈના માતા ધાર્મિકવૃત્તિના અને પિતા પણ સાધુ-સંતોનો સંગ કરતા. એટલે ધીરે ધીરે માયાભાઈનામાં પણ આ સંસ્કાર બાળપણથી જ ઉતર્યા છે. માયભાઈનો જન્મ થયો, ભાવનગરના તળાજાના કુંડલી ગામમાં. કુંડલી એટલે નાનકડું ગામ, જ્યાં ગાયો ભેંસો વચ્ચે એકદમ ગામડાના છોકરાઓ જે રીતે મોટા થાય તેવા જ તોફાનો કરતા કરતા માયાભાઈ મોટા થયા. ભણવાનું ઓછું અને મસ્તી વધારે.

 

જો કે માયાભાઈ સમજણાં થયા ત્યારથી જ તેમને લોકસાહિત્યમાં રસ પડ્યો. માયાભાઈના પિતા પોતાના મિત્રો સાથે ગામમાં ભજનસંધ્યા, ભાગવત સપ્તાહ જેવું ગોઠવતા અને માયાભાઈ આ ભજનોમાં મંજીરા વગાડતા. સાથે જ માયાભાઈને વાર્તાઓ વાંચવાનો પણ ખૂબ શોખ. આમ કરતા કરતા સાહિત્ય માયાભાઈને ગમવા લાગ્યું. ધીરે ધીરે ગામના પ્રોગ્રામમાં માયાભાઈ બોલતા થયા. સાથે સાથે જ ગામના ચોકમાં ભજનો પણ ગાતા. અને નાના નાના ટુચકા પણ લોકોને સ્ટેજ પરથી કહી દેતા. તે સમયે પણ લોકો માયાભાઈના જોક્સ પર ખૂબ હસતા, પરંતુ તે સમયે માયાભાઈ માત્ર નાના પાયે આ કામ કરતા હતા. અને મોડી મોડી રાત સુધી તે જુદા જુદા કલાકારોને સાંભળવા બેસી જતા. પૈસા માટે માયાભાઈએ ડ્રાઈવર તરીકે કામ શરૂ કર્યું પરંતુ શોખ ન છૂટ્યો. અને સ્થિતિ એવી સર્જાઈ કે ડ્રાઈવિંગ કરીને પાછા આવતા જો રસ્તામાં ડાયરો ચાલતો હોય તો ઘરે જવામાં ભલે મોડું થાય પણ માયાભાઈ ડાયરો સાંભળવા રોકાઈ જતા.

જો કે ડાયરામાં રેગ્યુલર હાજરીને કારણે લગભગ મોટા ભાગના કલાકારો ઓળખતા. માયાભાઈએ પહેલો કાર્યક્રમ મહુવાના કુંભારવાડામાં હનુમાનજી દેરીના લાભાર્થે કર્યો. ઓળખીતા થયેલા મિત્રોનો સાથ લીધો. અને રોડ પરની સફર પહોંચ સ્ટેજની સફર સુધી. ધીરે ધીરે માયાભાઈ આહીરના પ્રોગ્રામ વધતા ગયા, અને લોકપ્રિયતા દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધતી ગઈ. એટલે સુધી કે દરિયાપારથી પણ જુદા જુદા કાર્યક્રમમાં માયાભાઈ આહીરને આમંત્રણ મળવા લાગ્યા.

આ પણ વાંચોઃ ભર્ગસેતુ શર્માઃ જાણો Roadies સુધી પહોંચનારી રિયલ હીરોની કહાની

માયાભાઈની લોકપ્રિયતાનો કિસ્સો એવો છે કે તેમને છેક ઈન્ડોનેશિયાથી સન્માન કરવા માટે આમંત્રણ મળ્યું હતું. જો કે અંગ્રેજી ન આવડતું હોવાને કારણે માયાભાઈએ ધ્યાન ન આપ્યું. આખરે જિલ્લાના કલેક્ટરને આ માહિતી મળી અને જિલ્લા લેવલની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે માયાભાઈ આહીરનું ઈન્ડોનેશિયામાં સન્માન થયું. હવે તો માયાભાઈ આહીર દુબઈ, આફ્રિકા, ઈંગ્લેન્ડ, અમેરિકા જેવા સંખ્યાબંધ દેશોમાં જઈને ગુજરાતીઓને હસાવે છે, અને સાથે સાથે વાતવાતમાં કડવી દવા જેમ બાળકને ગળાવે તેમ સામાજિક સંદેશ પણ આપી દે છે.

માયભાઈ આહિરની પીએમ મોદીની મિમિક્રી, લગ્નગીતોમાં મહિલાઓની પેરોડી અને ભૂરાનું પાત્ર લોકપ્રિય છે. માયાભાઈને આ સફળતા માટે મોરારિબાપુના હસ્તે કાગ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અને આજે તેમના લાખો ફેન્સ પણ છે. યુટ્યુબ પર માયભાઈના વીડિયો જોતજોતામાં હજારો વ્યૂઝ મેળવી જાય છે, તો સીડી પણ ચપોચપ વેચાઈ જાય છે. માયાભાઈ પોતે ભલે ભણેલા નથી, પરંતુ જરૂરિયાતમંદ બાળકો ભણી શકે એટલા માટે તેઓ મહુવામાં સ્કૂલ પણ ચલાવે છે. રામકૃષ્ણ સ્કૂલમાં જરૂરિયાતમંદ બાળકોને પહેલા એડમિશન આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ વાંચો, પપ્પાની 3 લાઈને કેવી રીતે પ્રશાંતને બનાવી દીધો સાંઈરામ દવે ?

માયાભાઈ સમાજ પાસેથી જે શીખ્યા છે, જે મેળવ્યું છે તે પાછા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે ડ્રાઈવિંગથી ડાયરાના સુપરસ્ટાર બનેલા માયાભાઈ આહીર યુવાનો માટે ઉદાહરણરૂપ છે. માયાભાઈ સાબિતી છે કે જો તમે ઈચ્છો, તમારામાં કંઈ પણ ટેલેન્ટ હોય તો સફળતા તમારા કદમ ચૂમી શકે છે.

gujarat