હો રાજ મને લાગ્યો ગુજરાતી ગીતોનો રંગ

02 July, 2021 12:05 PM IST  |  Mumbai | Varsha Chitaliya

યુવાનોને લોકસંગીતની સમજ નથી એવી આપણી માન્યતાને હવે ફગાવી દેવી પડશે. સચિન-જિગર, અમિત ત્રિવેદી, કિંજલ દવે તેમના ફેવરિટ સિંગર અને મ્યુઝિશિયનમાં ટોચનું સ્થાન ધરાવે છે

હર્ષિલ ગાંધી, જીલ મહેતા, રાજ ખેરગામકર

આજની પેઢીને તો બૉલીવુડ અને વેસ્ટર્ન સૉન્ગ્સ જ પસંદ આવે એવું આપણે માનીએ છીએ, પણ ગુજરાતી ગીત-સંગીત જગત હવે એવું કન્ટેમ્પરરી બની રહ્યું છે કે યંગ પેઢી અનાયાસે એ તરફ આકર્ષાઈ રહી છે. ગુજ્જુ મ્યુઝિક પણ હવે ઢીંચાક ગરબાના તાલથી આગળ વધીને મૉડર્ન બની રહ્યું છે ત્યારે મળીએ યંગ જનરેશનના સંગીતપ્રેમીઓને

બૉલીવુડ સૉન્ગ્સ, પૉપ અને વેસ્ટર્ન મ્યુઝિકથી પ્રભાવિત યુવાપેઢીને ગુજરાતી ભાષાનાં ગીતોમાં રસ ન પડતાં છેલ્લા એક દાયકાથી આપણો સાંસ્કૃતિક વારસો મરણપથારીએ પહોંચી ગયો હતો. પરિવર્તન સંસારનો નિયમ છે એ ઉક્તિ પ્રમાણે આપણે સૌએ સ્વીકારી લીધું હતું કે મોબાઇલની દુનિયામાં મસ્ત અને વ્યસ્ત રહેતો યુવાવર્ગ કાનમાં ઇયરફોન ભરાવીને ઘોંઘાટિયું સંગીત સાંભળવામાં જ રસ ધરાવે છે. જોકે યુવાનોને લોકસંગીતની સમજ નથી એવી આપણી માન્યતાને હવે ફગાવી દેવી પડશે. સચિન-જિગર, અમિત ત્રિવેદી, કિંજલ દવે તેમના ફેવરિટ સિંગર અને મ્યુઝિશિયનમાં ટોચનું સ્થાન ધરાવે છે. અર્બન ગુજ્જુ ફિલ્મો અને મ્યુઝિક આલબમના કારણે આજની જનરેશન ગુજરાતી સંગીત પ્રત્યે આકર્ષાઈ છે. એટલું જ નહીં, ગુજરાતી સંગીત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય દેખાતાં અનેક યુવાનો બાકાયદા તાલીમ લઈ રહ્યા છે અને ગુજરાતી ગીતોના દીવાના બની રહ્યા છે.

અર્બન ગુજ્જુ મ્યુઝિક

યુવાવર્ગને ગરબા સિવાય પણ કંઈક જોઈતું હતું. સોફ્ટ મ્યુઝિક, ફોક અને વેસ્ટર્ન ટચ આ બધું નવા ગુજરાતી ગીત-સંગીતમાં મળી રહેતાં અમારી પેઢી આકર્ષાઈ છે એવો મત વ્યક્ત કરતાં અંધેરીની ૨૪ વર્ષની જીલ મહેતા કહે છે, ‘યુવા પેઢી ગુજરાતી મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ ધરાવતી થઈ છે એનું શ્રેય ઐશ્વર્યા મજમુદાર અને ભૂમિ ત્રિવેદીને ફાળે જાય છે. તેઓ યુથ આઇકૉન છે. ભૂતકાળમાં એવા ઘણાં અનુભવો થયા છે જ્યાં ગુજરાતીઓ પાર્ટીમાં મ્યુઝિક લગાવવાની વાત કરે ત્યારે નૉન-ગુજરાતી ફ્રેન્ડ્સ ચીડવતા કે તુમ ગુજ્જુ લોગ ગરબા હી લગાતે હો. ગુજરાતી ગીતો એટલે રાસ-ગરબાની રમઝટ એવી આપણી ઇમેજને મોડિફાઇ કરવામાં નવાં ગીતોએ હેલ્પ કરી છે. સિન્ગિંગ મારું પેશન હોવાથી ત્રણ વર્ષ પહેલાં સંગીતના ક્લાસિસ જૉઇન કર્યા હતા. અત્યાર સુધી બૉલીવુડનાં ગીતો ગાતી હતી, પણ હવે ગુજરાતી ગીતો ગાવાનો શોખ જાગ્યો છે, ફૅમિલી ફંક્શન્સ અને નાના-મોટા સ્ટેજ પ્રોગ્રામમાં કેટલાંક સૉન્ગ્સ પર્ફોમ કર્યાં છે. અર્બન ગુજરાતી સૉન્ગ્સ અને મ્યુઝિકની હું હાર્ડકોર ફૅન બની ગઈ છું તેમ જ વધુ ને વધુ ગુજરાતી ગીતો ગાવાની ઇચ્છા છે. હમણાં સુધી યુવા પેઢી એવું માનતી હતી કે ગુજરાતી ફિલ્મોમાં કૉમેડી અને ગરબા સિવાય કંઈ ન હોય, પરંતુ ‘ચાલ જીવી લઈએ’ જેવી મૂવીએ અમારી આ માન્યતા બદલી નાખી છે. ‘ચાંદને કહો આજે આથમે નહીં...’ સૉન્ગ અમારી જનરેશનનું ફેવરિટ છે. ગીતના

બોલ એટલા સુંદર છે કે સાંભળીને દિલ ખુશ થઈ જાય. ‘પા પા પગલી...’ જેવું ગીત ગુજરાતી ભાષામાં બની શકે એવી અમે ક્યારેય કલ્પના કરી નહોતી. બૉલીવુડ સિંગર સોનુ નિગમ ગુજરાતી ભાષાનાં ગીતો ગાવાનું પસંદ કરે તો આપણી માતૃભાષાના ગીતો આપણે શીખવા જ જોઈએ.’

મેલોડિયસ કમ્પોઝિશન

ગીતના શબ્દો સુંદર હોવા જોઈએ, પરંતુ કોઈપણ ગીત હિટ થવાનું કારણ એનું કમ્પોઝિશન છે. હવેના ગીતોમાં વેસ્ટર્ન અને ટ્રેડિશનલનું કોમ્બિનેશન જોવા મળે છે એવો અભિપ્રાય આપતાં વિલે પાર્લેનો હર્ષિલ ગાંધી કહે છે, ‘બૉલીવુડ અને વેસ્ટર્ન મ્યુઝિકની સાથે ગુજરાતી ગીતો ગમવા લાગ્યાં છે એનું મુખ્ય કારણ છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. છેલ્લાં થોડાં વર્ષોમાં ગુજરાતી સંગીત ક્ષેત્રે જે નવા મ્યુઝિક ડિરેક્ટરો આવ્યા છે તેમણે અમારી જનરેશનને ગુજ્જુ સૉન્ગ્સનું ઘેલું લગાડ્યું છે. અત્યારનાં ગુજરાતી ગીતોમાં લિરિક્સ કરતાં મ્યુઝિક પર વધુ ફોકસ રાખવામાં આવે છે તેથી એમના તરફ અમારો ઝુકાવ વધ્યો છે. પહેલાં ગુજરાતી ગીતોમાં ટ્રેડિશનલ બીટ અને શબ્દો પર વધારે ભાર મૂકવામાં આવતો હતો. હવે સિનારિયો ચેન્જ થયો છે. અમને નૈતિક નાગડાનો ઢોલ પસંદ છે તો ડ્રમ અને ગિટાર પણ એટલાં જ ગમે છે. સૉન્ગ્સમાં મૉડર્ન કન્સેપ્ટ અને રિધમમાં વેરિયેશન જોવા મળે છે. હું પોતે નાનપણથી ડ્રમ, તબલાં અને જેમ્બે જેવાં મલ્ટિપલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડું છું. અર્બન ગુજરાતી મ્યુઝિકની ખાસિયત એ છે કે તમે નવરાત્રિના તહેવાર ઉપરાંત પાર્ટીમાં પણ એની બીટ પર ડાન્સ કરીને એન્જૉય કરી શકો છો. મેલોડિયસ કમ્પોઝિશનને લીધે ગુજરાતી સૉન્ગ્સની પૉપ્યુલરિટી વધી છે. ન્યુ વર્ઝનને માત્ર ગુજરાતી ભાષાનો યુવાવર્ગ પસંદ કરે છે એવું નથી. મારા અનેક નૉન-ગુજરાતી ફ્રેન્ડ્સ પણ સચિન-જિગરને સાંભળે છે.’

રાધા-કૃષ્ણનાં પ્રેમ-આધારિત ગીતોનું આકર્ષણ

ભાષા, બોલી, પ્રદેશ એમ દરેક બંધનથી મુકત અને અભિવ્યક્તિનું શ્રેષ્ઠ માધ્યમ જો કોઈ હોય તો એ છે સંગીત અને એમાંય માતૃભાષાનાં ગીતોની જુદી જ રંગત છે એમ ઉત્સાહભેર જણાવતાં નાલાસોપારાનો રાજ ખેરગામકર કહે છે, ‘થોડાં વર્ષ પહેલાં રામાયણની કથાના સુંદરકાંડને સાંભળ્યા બાદ ગુજરાતી સુગમ સંગીત પ્રત્યે રુચિ જાગી. શાસ્ત્રીય સંગીતમાં રસ પડતાં ઇન્ટરનેટ પર ભજનો સાંભળવા લાગ્યો. ગીતા રબારી અને અમિત ત્રિવેદીને ફૉલો કરું છું એવું જાણ્યા બાદ મમ્મીએ તાલીમ માટે મોકલ્યો. રાધા-કૃષ્ણનાં પ્રેમ-આધારિત ગીતો સાંભળવામાં અને ગાવામાં મને સૌથી વધુ આનંદ આવે છે. ગુરુજી સાથે જન્માષ્ટમીના કાર્યક્રમોમાં હાર્મોનિયમ વગાડતાં ભજનો ગાવાની તક પણ સાંપડી છે. જોકે કોવિડના કારણે ક્લાસમાં જવા પર બ્રેક લાગી ગયો હતો. મને લાગે છે કે ગુજરાતી ગીતોનું ફ્યુચર બ્રાઇટ છે. આ ફીલ્ડમાં કરીઅર બનાવવી હોય તો સિન્ગિંગની સાથે કેટલાંક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતાં આવડવું જોઈએ. ગિટાર, પિયાનો અને ફ્લુટ વગાડતાં શીખ્યો જેથી ભવિષ્યમાં જાતે કમ્પોઝ કરી શકું. અત્યારે સિતાર વગાડતાં શીખી રહ્યો છું. મારાં ફેવરિટ ગીત ‘મોતી વેરાણાં ચોકમાં’ અને ‘મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી’ જુદા-જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે ગાવાની ટ્રાય કરી છે. દરેક ટીનેજરની જેમ બૉલીવુડનાં સૉન્ગ્સ ચોક્કસ સાંભળું છું, પરંતુ એન્જૉયમેન્ટ માટે. મારી દિલચસ્પી ભજન અને ગરબા હોવાથી એમાં જ આગળ વધવું છે.’

Varsha Chitaliya columnists