21 October, 2025 05:07 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ધન શબ્દનું મૂળ ‘ધણ’ શબ્દમાં હોવાનું જાણ્યું છે. હતો એક જમાનો જ્યારે ગોચરો અને ગાયોના ધણને આધારે માણસની શ્રીમંતાઈ મપાતી. આજે શ્રીમંતાઈના માપદંડ બદલાયા છે. પૈસો આજના કાળનો એક આકર્ષક માપદંડ છે. આજ જેટલી પૈસાની બોલબાલા કદાચ અગાઉ નહોતી, કારણ કે આજ જેટલી પૈસાની તાકાત પણ કદાચ અગાઉ નહોતી.
આપણને અગાઉની વિનિમય પ્રથા (બાર્ટર સિસ્ટમ)નો ખ્યાલ છે જેમાં વસ્તુની ખરીદી વસ્તુથી થતી હતી. પૈસાથી થતી ખરીદીનું પ્રમાણ ત્યારે નજીવું હતું. આ પ્રથાનો એક આડલાભ એ હતો કે ખરીદશક્તિ (પર્ચેઝિંગ પાવર) વિકેન્દ્રિત રહેતી. આના કારણે કોઈ પણ એક વસ્તુનું મહત્ત્વ વધુપડતું થઈ શકતું નહોતું. આજે ખરીદશક્તિ ઘણું કરીને પૈસામાં જ પુરાઈ ગઈ.
પૈસો ગજવામાં હોય ત્યાં સુધી ઠીક, હવે તો દિલમાં-દિમાગમાં બધે છવાયો છે એટલે દિલમાં જે રહેતા અને દિમાગમાં જે રહેતું એ બધાએ જગ્યા ખાલી કરવાનો વારો આવ્યો છે. આને સામાજિક દુર્ઘટના કહેવાની હિંમત પણ આજે કેટલામાં હશે? ધનતેરસ તો આવે છે ને જાય છે, ધન-તરસ સ્થિર રહે છે. કરન્સી રેટના ફ્લક્ચ્યુએશન વચ્ચે આપણે બોલતા હોઈએ છીએ કે ‘રૂપિયાનું અવમૂલ્યન’ થયું! આ બજારમાં થતા રૂપિયાના બાહ્ય મૂલ્યાંકનનો ઘટાડો સૂચવે છે. બાકી રૂપિયાનું આંતરિક મૂલ્યાંકન તો દિન-રાત સતત વધે જ જાય છે. સરકારો બદલાય છે, આંદોલનો વચ્ચે રાષ્ટ્રોમાં સત્તા પરિવર્તનો થાય છે પણ પૈસો એકહથ્થુ શાસક બની ગજબની સત્તા ભોગવે છે.
માણસની વિચારસરણી પણ કેવી ગજબની, પૈસા ખાતર બોલાતાં જુઠ્ઠાણાં અને કરાતી ઠગાઈને એ ખરાબ માને છે પણ પૈસાને એ ખરાબ માનતો નથી. પૈસા ખાતર કરવામાં આવતી હિંસા, થતી શોષણખોરીને તે ભાંડે છે પણ પૈસાને તે ખૂબ ચાહે છે. પૈસાથી થતા દુરાચાર, વ્યભિચાર, વ્યસનોને તે નિંદનીય કહેવા હજી તૈયાર થશે પણ પૈસાની તે આરતી ઉતારે છે. પૈસાની તાકાત સાથે એની નબળાઈઓ અને જોખમોને નહીં સમજનારો પૈસાને પૂરેપૂરો સમજી શક્યો નથી. ધન અને મન વચ્ચેના સંબંધને સુધારવો પડશે.
અગાઉ પાણી માપસર વપરાતું, પછી બેફામ વેડફાટનો યુગ શરૂ થયો. હવે પાછું પાણીના વેડફાટમાં વિવેક રાખવાની ડહાપણની દાઢ ફૂટે છે. આ જ રીતે પ્રદૂષણમાંથી પર્યાવરણ તરફની ગતિ વૈચારિક સ્તરે તો ચાલુ થઈ છે. આપણો વિકાસ વર્તુળાકારે થતો લાગે છે. જ્યાંથી શરૂ થયો ત્યાં જ પૂરો થશે. એક દિવસ એવો પણ આવશે કે માપસરનાં કપડાં અને માપસરના ખોરાકની જેમ માપસરના પૈસાની પરિકલ્પના પણ સાકાર થશે. ધીમી તો ધીમી પણ વિકાસયાત્રા સત્ય તરફ હોય તો વાંધો નહીં.