✕

પ્રગતિ માટે ૭ મર્યાદા દરેકે યાદ રાખવી જોઈએ

07 October, 2026 02:08 PM IST  |  Mumbai | Morari Bapu

જો આ મર્યાદાનું પાલન કરી ગયા તો સમજો પ્રગતિ તમારી સાથે જ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રગતિ માટેની ૭ મર્યાદાઓ ગણાવવામાં આવી છે.

આ ૭ મર્યાદામાં પહેલી આવે છે મદ્યપાન ન કરવું. મદ્યપાન એટલે પીવાની વાત છે માત્ર એ જ નહીં. મદ્ય ઘણા પ્રકારનાં હોય છે. એનું પાન ન થાય એનું ધ્યાન રાખવું. આખી દુનિયામાં આપણે નથી જોતા કે પૈસાનો મદ, પ્રતિષ્ઠાનો મદ! ખબર નહીં કેટલાં-કેટલાં મદ્ય આપણે પીને બેઠા છીએ! પણ મદ્યપાનનો ત્યાગ કરવો.

બીજી છે દ્યૂતનો ત્યાગ, જુગારનો ત્યાગ. દ્યૂત એટલે ખાલી પત્તાંનો જુગાર કે આજે વિકસેલું જગત દ્યૂતમાં પણ જે રીતે વિકસિત થઈ રહ્યું છે એના જેટલા પ્રકારો હોય, મુબારક! પણ મારે તો એટલું જ કહેવું છે કે બાપ, રોજ નવા રહેવું હોય તો સામા માણસની સાથે કોઈ દિવસ રમત ન કરવી, કોઈ એવાં પત્તાં ન ફેંકવાં કે સામો નંદવાય-ઘવાય. એવા દ્યૂતથી મુક્ત રહેવું.

ત્રીજી મર્યાદા છે શિકાર ન કરવો. હવે આ વાંચીને તમને થાય કે આપણે ક્યાં શિકાર કરીએ છીએ? મૃગયા કરવા મહારાજાઓ જતા, પણ હવે તો એ કંઈ રહ્યું નથી. ક્યારેક-ક્યારેક કોઈ કરી લે છે! શિકાર ન કરવો એટલે કોઈનું અપમાન ન કરવું, કોઈનો તેજોવધ થાય એવું કરવું નહીં. આપણે છેતરાઈ જવું. એનો એક આનંદ લેવો કે તેણે મને છેતર્યો છે, મેં તો તેને નથી છેતર્યોને! આ થઈ ત્રીજી મર્યાદા. હવે વાત ચોથી મર્યાદાની.

ચોથી મર્યાદા છે મારામારી ન કરવી જે હાલતાં ને ચાલતાં આપણે કરતા હોઈએ છીએ! ઘણા માણસોને એવી ટેવ હોય કે કંઈ કામ ન હોય તો પછી મારામારી કરવી! અને આવો કદાચ સંજોગ આવે બાપ તો હસીને વાત કરવી, મુસ્કુરાઈને વાત કરવી.

હું કચ્છમાં જતો’તો અને રાજકોટમાંથી ગાડી જાય. એમાં એક મોટરસાઇકલ પર બે જણ બહુ સ્પીડમાં આવે અને અમારો ડ્રાઇવરેય બહુ જ સ્પીડમાં! એમાં એક જગ્યાએ મોટરસાઇકલ અને ગાડીને અડતાં-અડતાં આમ એક વાળ જેટલું છેટું રહી ગયું અને એ સચવાઈ ગયું! પણ એમાં પેલા બેઠા’તા તેમની જે રીતે નજર મેં જોઈ! મને એમ થયું હવે આ કાંઈક જુદું છે! હવે કરવું શું? ભૂલ થોડીક અમારીયે હતી, ડ્રાઇવરની. પણ જેવો નજીક નીકળ્યો એટલે મેં કાચ ખોલીને જરાક મુસ્કુરાઈને કહ્યું કે ભાઈ, બરાબર છો? તો કહે, ‘મોરારીબાપુ છો! જાઓ, જાઓ, જાઓ! જવા દ્યો, જવા દ્યો!’

મેં કીધું, મુસ્કુરાહટનું જો આટલું સારું પરિણામ આવતું હોય, મારામારીથી બચી શકાતું હોય તો શું કામ મારામારી કરવી?

વાત હવે પાંચમી મર્યાદાની. કોઈ દિવસ કોઈએ નારીનો અનાદર ન કરવો, તેનું અપમાન ન કરવું, માતૃશરીરનું અપમાન ન કરવું.

છઠ્ઠી મર્યાદા કઠોરતાનો ત્યાગ કરવો. જીભથી, આંખથી, આપણા શરીરની કોઈ પણ ચેષ્ટાથી કે માનસિક રીતે પણ કઠોર ન રહેવું.

હવે સાતમી મર્યાદા. કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી, નિંદા સાંભળવી નહીં. કોઈની નિંદા થતી હોય ત્યાં આપણે ભાગ ન લેવો.

જો આ મર્યાદાનું પાલન કરી ગયા તો સમજો પ્રગતિ તમારી સાથે જ છે.

culture news life and style lifestyle news columnists Morari Bapu