સ્વસ્થ, સ્વચ્છ, સુંદર, સશક્ત શરીર અને સત્સંગ

28 December, 2023 09:13 AM IST  |  Mumbai | Morari Bapu

ગીતામાં ભૌતિક દૃષ્ટિમાં સંઘર્ષ છે, પણ આંતરિક દૃષ્ટિમાં સમાધાન છે. ઉપરથી સંઘર્ષ છે જેમાં હજારો લોકો મર્યા છે. એમાં કોઈ ના ન કહી શકે, પણ આંતરિક સમાધાન છે.

મોરારી બાપુ

જો સુખી થવું હોય તો કેટલાંક વળગણ છોડવાં પડે જેમાં આપણે વાત કરી હર્ષ અને અમર્ષ છોડવાની. હવે આવે છે ત્રીજા નંબરના વળગણ એવી ઈર્ષ્યાની.હા, ઈર્ષ્યાથી મુક્ત થઈ જાઓ. કોઈની ઈર્ષ્યા ન કરવી. આજકાલ ધર્મક્ષેત્ર પણ ઈર્ષ્યાથી મુક્ત નથી. સંસ્થા-સંસ્થા, આશ્રમ-આશ્રમ, ગામ-ગામ, પરિવાર-પરિવાર, પાડોશી-પાડોશી, રાષ્ટ્ર-રાષ્ટ્ર બધી જગ્યાએ ઈર્ષ્યા થાય છે. જો ઈર્ષ્યા છોડો તો રામરાજ્ય આવવું કઠિન નથી. નિઃશંક, જો આપણે ઈર્ષ્યા કરવાનું છોડી દઈએ તો ગીતાને આપણે જીવી શકીએ અને ગીતાને સાર્થક કરી શકીએ, પણ એને માટે ઈર્ષ્યા છોડવી પડે. આ કામ અઘરું નથી, જો તમે એ કરવાનું નક્કી કરી લો તો. ઈર્ષ્યાથી ક્યારેય કોઈને લાભ થયો નથી. ઈર્ષ્યાએ ક્યારેય પ્રગતિમાં ઈંધણનું કામ પણ કર્યું નથી એ સહેજ તમારી જાણ ખાતર. ચોથું વળગણ, જે માણસે છોડવું જોઈએ એ છે સંઘર્ષ.

ગીતામાં ભૌતિક દૃષ્ટિમાં સંઘર્ષ છે, પણ આંતરિક દૃષ્ટિમાં સમાધાન છે. ઉપરથી સંઘર્ષ છે જેમાં હજારો લોકો મર્યા છે. એમાં કોઈ ના ન કહી શકે, પણ આંતરિક સમાધાન છે. આજના સમયમાં સંઘર્ષ છોડી દો અને આંતરિક સમાધાનને અપનાવો. હવે આવીએ, સુખી થવા માટે છોડવું જોઈએ એવું પાંચમું વળગણ, અહંકાર. 

ઉત્કર્ષનો અહંકાર છોડવો. પ્રભુ કોઈ ઉત્કર્ષ આપે, કોઈ વિજય આપે તો એનો અહંકાર ન કરવો. ઉત્કર્ષનો અહંકાર છોડવાનો છે. અહંકાર માણસને લોકોથી દૂર કરે છે અને માણસ લોકોથી દૂર થયા પછી ક્યારેય સુખી થતો નથી. એ તો એકલો પડ્યો કહેવાય અને બાપ, એકાંત અને એકલતામાં બહુ મોટો તફાવત છે.

સુખી થવા માટે જે પાંચ વળગણ છોડવાનાં છે એની વાત અહીં પૂરી થઈ, પણ આ પાંચ વાત છોડ્યા પછી પાંચ એવી વાત મેળવવાની પણ છે. જો એ પાંચ વાત મેળવી લો તો તમે મંગલમૂર્તિ છો.
આ જે પાંચ વાત છે એમાં સૌથી પહેલાં છે, સ્વસ્થ શરીર. સ્વસ્થ શરીર હંમેશાં સ્વસ્થતા આપવાનું કામ કરે. બીજું છે, સ્વચ્છ શરીર. સ્વચ્છતાથી સર્વોચ્ચ કશું હોતું નથી. પછી આવે છે સુંદર શરીર. અહીં બાહ્ય સુંદરતાની વાત નથી આવતી. વાત આવે છે, આંતરિક સુંદરતાની. એ પછી ચોથું મેળવવાનું છે, સશક્ત શરીર. માઈકાંગલા માણસ કરતાં કસરત કરેલા શરીરવાળી વ્યક્તિને જોવા માત્રથી પણ મનમાં હકારાત્મકતા આવતી હોય છે અને પાંચમા નંબરે આવે છે, સત્સંગ.

જો હર્ષ, અમર્પ, સંઘર્ષ અને ઉત્કર્ષનો અહંકાર છૂટે અને ઉત્તમ-પવિત્ર શરીર સાથે સત્સંગનો રંગ પણ ભળે તો આપણા અંગ ગીતાના અધ્યાય બની જાય.

columnists Morari Bapu culture news