તમે નહીં ભણાવો તો પણ બાળક એના જોગું મેળવી લે

01 February, 2024 08:59 AM IST  |  Mumbai | Morari Bapu

માણસને સર્વ રીતે મુકત બનાવે એ જ વિદ્યા. મુક્ત એટલે સ્વચ્છંદી નહીં, પણ મર્યાદામાં રહીને બાળક પૂર્ણ રીતે પ્રકૃતિનો આનંદ માણે.

પૂજ્ય મોરારી બાપુ

આજના શિક્ષણે માણસને બહુ ચતુર બનાવી દીધો છે, સમજદાર નથી બનાવ્યો અને એ જ આજના સમયની વિટંબણા છે.

ભગવાન રામ વશિષ્ઠજી પાસે વિદ્યાપ્રાપ્તિ માટે ગયા. બહુ અલ્પકાળ રોકાયા, પણ જે જ્ઞાન મેળવ્યું એ નક્કર હતું. બહુ જ થોડા સમયમાં તેઓ પાંચ વસ્તુ શીખીને બહાર આવ્યા. અલ્પકાળમાં જે રીતે રામ-લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન વિદ્યા પ્રાપ્ત કરી શક્યા એ રીતે જ આજના વિદ્યાર્થીઓ પણ વિદ્યા પ્રાપ્ત કરી શકે. કદાચ આપણે એને ભણાવીએ કે ન ભણાવીએ, તો પણ તે એના જોગું બીજેથી તો મેળવી જ લેશે. આમ મેળવવા માટે પણ તેને અલ્પકાળની જ જરૂર પડે છે. 

મનોવૈજ્ઞાનિકો પણ આ વાતને દોહરાવે છે. 
ભાગવતમાં કથા છે કે યશોદાજીએ કૃષ્ણનું મોઢું ખોલાવ્યું અને સમગ્ર બ્રહ્માંડનાં દર્શન થયાં, તો એ દર્શન એ કેવળ કૃષ્ણનું સત્ય નથી, પણ એક-એક ગોવાળનું સત્ય છે, કારણ કે શિક્ષક યશોદા જેવો બને અને દરેક વિદ્યાર્થીનું મોઢું ખોલાવે તો તેનામાં સૂક્ષ્મરૂપે જે વિરાટ પડ્યું છે એનાં દર્શન થઈ શકે અને એ જ રીતે કોઈ વિદ્યાર્થી એન્જિનિયર બને, ડૉક્ટર બને, આચાર્ય બને કે પછી મોટો કોઈ આધ્યાત્મિક પુરુષ બને. કોઈ ને કોઈ વિદ્યાર્થીમાં સૂક્ષ્મરૂપે વિરાટ સમાયેલું છે, પણ એ અલ્પકાળમાં જાગવું જોઈએ.

માણસને સર્વ રીતે મુકત બનાવે એ જ વિદ્યા. મુક્ત એટલે સ્વચ્છંદી નહીં, પણ મર્યાદામાં રહીને બાળક પૂર્ણ રીતે પ્રકૃતિનો આનંદ માણે. તે નાચતું હોય, ગાતું હોય, પક્ષીઓની બોલીમાં વાત કરતું હોય અને કાલાઘેલા ટહુકા કરતું હોય ત્યારે વ્યાકરણ શીખવવાની કોઈ જરૂર નથી. કોઈ બીજા પિરિયડમાં કે પછી કોઈ બીજા દિવસે તેને વ્યાકરણ શીખવી દેવું, પણ પક્ષી જેવી બોલીમાં આનંદ વ્યક્ત કરતું હોય ત્યારે તેને રોકો નહીં. બાળક પ્રકૃતિ માણતું હોય ત્યારે તેને દાખલા કે એકડા-બગડા શીખવવાની જરૂર નથી. ભલે માણે તે પ્રકૃતિ, પ્રકૃતિ માણશે, એમાં ઓતપ્રોત થશે તો જ તે બાળક આવતી કાલે પોતાની પ્રકૃતિને ઉજાગર કરી શકશે અને પ્રકૃતિને ઉજાગર કરે એ માણસ ક્યાંય પાછો ન પડે, પણ ના, આજે તો એવું છે કે ગણિતનો પિરિયડ એટલે એમાં બીજું કંઈ થાય નહીં. પ્રમેય શીખી લેવાના એટલે શીખી લેવાના, પણ મારા બાપ, એવું નથી. 

વિદ્યા એટલે મુક્તિ. એનું જે મૂળ સ્વરૂપ હોય એમાં જ બાળકને વિકસિત થવા દેવું જોઈએ. પ્રમેય ને ભૂમિતિ પછી શીખવજો. અત્યારે કુદરત તેને શીખવે છે તો તેને મન મૂકીને કુદરતનું શિક્ષણ લઈ લેવા દો.

Morari Bapu culture news columnists life and style