એક ગરીબ માણસ અને કમોસમી ફૂલ

24 January, 2024 12:04 PM IST  |  Mumbai | Morari Bapu

એ માણસ તો હોંશે-હોંશે ફૂલ લઈને ઘરેથી નીકળ્યો. પગમાં જોડા નહોતાં. ધોતિયું ફાટેલું હતું.

પ્રતીકાત્મક તસવીર

એક માણસ હતો. તેને પત્ની અને એક બાળક હતું. એ માણસ એક ઝૂંપડીમાં રહે અને મજૂરીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. એક દિવસ સવારે, નાહવાનો તો બિચારાને સમય ક્યાંથી હોય, તેણે હાથ-મોઢું ધોયાં, મંજન કર્યું અને સૂર્ય સામે એક લોટો પાણી ચડાવી દીધું. આંગણામાં જોયું તો એક કમોસમી ફૂલ ખીલ્યું હતું. આવું ફૂલ તેણે ક્યારેય જોયું નહોતું. ઋતુ નહોતી, એ બિલકુલ કમોસમી ફૂલ હતું અને એટલું સુંદર હતું કે તમે જોતાની સાથે જ એના પ્રેમમાં પડી જાઓ. ઘણા સમય પછી ખીલ્યું હતું. દુર્લભ હતું, ખુશ્બૂ પણ એમાં ભારોભાર હતી. એ માણસની નજર ફૂલ પર પડી અને બસ, તે જોતો જ રહી ગયો.

થોડી વાર પછી તંદ્રામાંથી બહાર આવ્યો અને એ માણસે સૂર્યને ચડાવવાનો લોટો એક બાજુએ મૂકી દઈને આ દુર્લભ ફૂલને તોડી લીધું. તેણે વિચાર્યું કે મારા ગામમાં, મારા નગરમાં લોકો ફૂલની ખૂબ કદર કરે છે. બિલકુલ દુર્લભ કહેવાય એવું આ ફૂલ જોઈને લોકો આકર્ષિત થશે, મારી પાસે એ ખરીદવા આવશે, હું એને સારી કિંમતે વેચીશ. 

એ માણસ તો હોંશે-હોંશે ફૂલ લઈને ઘરેથી નીકળ્યો. પગમાં જોડા નહોતાં. ધોતિયું ફાટેલું હતું. માથા પર પાઘડી અને હાથમાં ફૂલ. જઈને તે બજારમાં ઊભો રહ્યો. તે જ્યાં ઊભો હતો ત્યાં તેની આજુબાજુ ખૂબ બધી ખુશ્બૂ પ્રસરી ગઈ, જેને લીધે લોકોનું ધ્યાન એ માણસ તરફ ખેંચાયું. ધ્યાન ખેંચાય અને પછી એ લોકોને ફૂલ દેખાય અને જેવું ફૂલ દેખાય કે તરત બધા એ ફૂલ પ્રત્યે મોહી ગયા, બધાની આંખો આકર્ષિત થઈ. બધાની જબાન પૂછવા માટે બેતાબ થઈ ગઈ કે આ ક્યું ફૂલ, એનું નામ શું? અને બાપ, થોડી વારમાં તો ફૂલની સુગંધે આખા નગરને વશમાં કરી લીધું.થોડી વાર થઈ ત્યાં તો બજારમાંથી એક નગરશેઠ ગાડીમાં પસાર થયા. તેણે આ માણસ પાસે ફૂલ જોયું. નગરશેઠ મર્મજ્ઞ હતા. તેણે પેલા માણસ સામે જોયું અને પૂછ્યું,‘આ ફૂલ વેચવું છે?’ 

પેલા માણસે નમ્રભાવ સાથે જવાબ આપ્યો.‘હા શેઠજી, વેચવું છે.’ ‘કેટલા પૈસા લઈશ?’ પેલો માણસ ફૂલની કોઈ કિંમત કહે એ પહેલાં તો ત્યાં નગરના મંત્રીની ગાડી નીકળી. તેઓ પણ ઊભા રહી ગયા. પેલા માણસ અને નગરશેઠ વચ્ચે ભાવતાલ હજી તો શરૂ થયા ત્યાં તો વચ્ચે મંત્રી કૂદી પડ્યા, ‘અરે આ ફૂલ તો મારે ખરીદવું છે?’ મંત્રી બોલ્યો એટલે નગરશેઠ ચૂપ થઈ ગયા. પેલો માણસ કંઈ કહે એ પહેલાં મંત્રીએ પૂછ્યું, ‘કેટલામાં વેચવું છે?’

આ બહુ રસપ્રદ વાત છે, પણ એની ચર્ચા હવે આવતી કાલે કરીએ.

life and style culture news Morari Bapu columnists