આ દેહ એ કમોસમી ફૂલ છે જે માગ્યા વિના મળ્યો છે

25 January, 2024 07:46 AM IST  |  Mumbai | Morari Bapu

તમે પણ યાદ રાખજો કે મનુષ્યદેહના રૂપમાં એક કમોસમી ફૂલ મળી ગયું છે. મેં, તમે, આપણે કોઈએ પુણ્યની ખેતી તો કરી નથી.

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ એક ગરીબ માણસની, જેના આંગણામાં એક એવું કમોસમી ફૂલ ખીલ્યું હતું જે દેખાવે અતિ સુંદર હતું અને એની ખુશ્બૂ પણ દૂર-દૂર પ્રસરે એવી, મીઠાશ ધરાવતી હતી. આંગણામાં ખીલેલા ફૂલને જોઈને પેલા ગરીબ માણસને મનમાં થયું કે હું આ ફૂલ બજારમાં લઈ જઉં અને એને સારી કિંમતમાં વેચી દઉં. માણસ બજારમાં ગયો. નગરશેઠ એ ફૂલ ખરીદવા ઊભા રહ્યા અને થોડી જ વારમાં મંત્રી પણ ફૂલ ખરીદવા આવી ગયા. હજી ભાવની વાત થાય ત્યાં તો હાથી પર રાજા નીકળ્યા. રાજા આવ્યા તો મંત્રી ચૂપ થઈ ગયો. રાજાએ આ ફૂલ જોયું અને અંબાડી પરથી જ કહ્યું, ‘ફૂલ મારે ખરીદવું છે...’

રાજાને આખી વાત ખબર પડી એટલે રાજાએ પેલા માણસને કહ્યું કે જો નગરશેઠને તું આ વેચત તો તે તને કદાચ પાંચ રૂપિયા આપત, મંત્રી ખરીદશે તો તે તને વધીને પાંચ હજાર આપત; પણ હું તને આ ફૂલના પચાસ હજાર રૂપિયા આપવા તૈયાર છું, ફૂલ મને વેચી દે...’

રાજા હાથી પરથી નીચે ઊતર્યો. ગરીબ ​બિચારો તો કાંપતો હતો. ફૂલ માટે પચાસ હજાર આપવા તૈયાર થઈ ગયેલા રાજાને તેણે નમ્રભાવ સાથે પૂછ્યું, ‘માલિક, ફૂલ વેચવું તો તમને જ છે, પણ આ ફૂલની કિંમત આપ પચાસ હજાર શા માટે આપો છો? વાત શું છે? ફૂલનું શું આયુષ્ય, એ તો સાંજ સુધીમાં કરમાઈ જશે. આના પચાસ હજાર શા માટે?’

રાજાએ જવાબ આપ્યો...
‘હું એક સંતનાં દર્શન માટે જઉં છું. નીકળતાં જ વિચારતો હતો કે કઈ વસ્તુ તેમનાં ચરણોમાં અર્પણ કરું? મારી પાસે એવી કોઈ વસ્તુ નથી જેમાં પાપની દુર્ગંધ ન હોય. વિચારતો હતો કે શું આપું અને ત્યાં તેં આ સુંદર ફૂલ બતાવ્યું એટલે હું પચાસ હજાર રૂપિયા આપવા તૈયાર થઈ ગયો. આ ફૂલ સંતનાં ચરણોમાં રાખી દઈશ. સંતની મારા પર કૃપા તો છે, પણ તે ખૂબ પ્રસન્ન થશે અને મને પરમાત્માનાં દર્શન કરાવી દેશે.’

ગરીબ માણસે નમ્રભાવે જવાબ આપ્યો...
‘આપનું કારણ જાણ્યા પછી હવે આપને મારો નિર્ણય સંભળાવું. મારે આ ફૂલ નથી વેચવું. જે ફૂલથી પરમાત્મા મળે એને પચાસ હજારમાં શા માટે વેચું? હું જાતે જ સંતનાં ચરણોમાં આ ફૂલ અર્પણ કરીશ. એનાથી એક જ નહીં, જન્મોજન્મનું દારિદ્ર મટી જશે.’ પેલા માણસે બે હાથ જોડ્યા અને માફી માગી, ‘આપ મને માફ કરો.’
પછી તો તે માણસ દોડ્યો અને સંતનાં ચરણોમાં ફૂલ મૂકી દીધું.

તમે પણ યાદ રાખજો કે મનુષ્યદેહના રૂપમાં એક કમોસમી ફૂલ મળી ગયું છે. મેં, તમે, આપણે કોઈએ પુણ્યની ખેતી તો કરી નથી. કમોસમી ફૂલ આપણા વાડામાં મળ્યું છે. તે ઊગી ચૂક્યું છે. અચાનક માનવદેહ મળી ગયો છે. આ બધાં કમોસમી ફૂલ છે. આચરણથી તો નથી દેખાતાં કે આપણે મનુષ્યને યોગ્ય છીએ માટે આચરણ સુધારો.

culture news Morari Bapu