જીવતર ફાડવા સિવાય બીજું તમે શું કરો છો?

18 January, 2024 08:14 AM IST  |  Mumbai | Morari Bapu

જીવતર આપણે આમ જ ફાડી નાખીએ છીએ! કેવું સુંદર વસ્ત્ર હરિએ આપણને આપ્યું છે

પૂજ્ય મોરારી બાપુ

ગઈ કાલે કહ્યું એમ, દક્ષિણ ભારતના મહાન સંત તિરુવલ્લુવર કાપડ વેચતા. નવી સાડીઓ તૈયાર કરી એક દિવસ તેઓ બજારમાં ગયા. તિરુમહારાજને જોઈને એક યુવકને ટીખળ સૂઝી. તેણે જઈને મહારાજને સાડીનો ભાવ પૂછ્યો. મહારાજે કહ્યું, ‘૧૦૦ રૂપિયા’ એટલે તેણે સાડીના બે ભાગ કરીને પૂછ્યું કે ‘અડધી જોઈતી હોય તો?’ મહારાજ ગુસ્સે થયા વિના ભાવ કહેતા ગયા અને પેલો યુવક સાડીના ટુકડા કરતો ગયો. વાત છેલ્લે સાવ લીરા જેટલી થઈ ગયેલી સાડીના ટુકડાએ પહોંચી.

‘સવાછ રૂપિયા...’
તિરુમહારાજે જવાબ આપ્યો એટલે પેલાને ફરી વાર જોર ચડ્યું અને સાવ નાની રિબિન જેટલો ટુકડો કરીને તેણે પૂછ્યું, ‘આનું શું?’ તિરુવલ્લુરે સ્મિત સાથે જવાબ આપતાં કહ્યું, ‘કાંઈ નહીં. આટલી વસ્તુ આપું એનું કંઈ ન લેવાય, કારણ કે એ તારા કંઈ જ કામમાં આવવાની નથી, એનો તો રૂપિયો પણ ન લેવાય. જે વસ્તુ બીજાને

કંઈ કામમાં આવવાની નથી એના પૈસા કેમ લેવાય?’
યુવાનની આંખ ખૂલી ગઈ. તેણે કહ્યું, ‘બાપજી, મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. હવે? હું તમને આખી સાડીના પૈસા આપી દઈશ.’ આ તો સંત આત્મા, તેમણે પણ પેલા યુવકને કહી દીધું, ‘હવે આખી સાડીના પૈસા મારાથી લેવાય જ નહીં, કારણ કે હવે એ ઉપયોગી નથી રહી.’ પેલા યુવાનને બહુ અફસોસ થતો હતો અને એ અફસોસ એ પૈસા ચૂકવીને પૂરો કરવા માગતો હતો, પણ મહારાજે તો પૈસાની ના પાડી દીધી એટલે યુવકે તેમને જ પૂછ્યું.

‘મારે પસ્તાવો કેમ કરવો? અને તમે આ બધા લીરાનું શું કરશો.’ 

‘હું આ બધું ભેગું કરીને મારા હાથે ફરી બે દિવસમાં સિલાઈ કરીશ, વળી પાછું સરખું થઈ જશે, બાદમાં એનો કોઈ મર્મજ્ઞ મળશે તો એને આપી દઈશ.’પેલો છોકરો રડી પડ્યો. સંતે તેના માથે હાથ ફેરવીને કહ્યું, ‘બેટા, સાડી વેચવી એ મારો ધંધો જરૂર છે, પણ એ અનેક માણસોના પરિશ્રમનું મૂલ્ય કર, જે સાડી બનવા સુધીની યાત્રામાં જોડાયેલા રહ્યા છે. ખેડૂતે કપાસ વાવ્યો, એને પાણી પાયું, એનું રખોપું કર્યું તો કોઈએ કપાસનાં કાલાંમાંથી રૂને જુદું પાડ્યું, કપાસિયાં અલગ કર્યાં. એ પછી કોઈએ એ કપાસ પીંજ્યો, પછી કોઈએ એની પૂણીઓ વણી, કોઈએ એ પૂણી કાંતી એની આંટીઓ બનાવી, પછી એ આંટીઓ ફાળકે ચડીને તાણા-વાણા બન્યા, એમાંથી સાડી તૈયાર કર્યા પછી રંગરેજે એને રંગી હશે. આટલા બધા લોકોની આટલી બધી મહેનતને તેં બેટા, સાવ એક મિનિટમાં ફાડી નાખી!’

તમને સૌને પણ આ જ કહેવાનું, જીવતર આપણે આમ જ ફાડી નાખીએ છીએ! કેવું સુંદર વસ્ત્ર હરિએ આપણને આપ્યું છે, એના સાવ લીરેલીરા આમ કરી નાખવાના?

Morari Bapu culture news columnists social media