માણસે નકલ નહીં, નવલ કરવી જોઈએ

03 January, 2024 08:49 AM IST  |  Mumbai | Morari Bapu

પૂજાપાઠ ભલે ઓછા થઈ જાય, બસ, ભીતરથી ભાવ બનાવી રાખો.

પ્રતીકાત્મક તસવીર

જો હર્ષ, અમર્પ, સંઘર્ષ અને ઉત્કર્ષનો અહંકાર છૂટે અને ઉત્તમ-પવિત્ર શરીર સાથે સત્સંગનો રંગ પણ ભળે તો આપણાં અંગ ગીતાના અધ્યાય બની જાય. થોડો રસ આવે. જીવનજળાશય રંગીન બની જશે. ભજનને જીવનથી અલગ ન કરો અને એક વાત યાદ રાખજો કે આરાધના કેવળ ઉત્સવમાં પહેરવાનો યુનિફૉર્મ નથી. જબરદસ્તીથી કશું ન કરો. ભીતરી ભાવ બનાવી રાખો. પૂજાપાઠ ભલે ઓછા થઈ જાય, બસ, ભીતરથી ભાવ બનાવી રાખો. જીવનમાં નર્તન આવશે માટે જિંદગી નર્તકની જેમ વિતાવજો. અંદર આત્મા નર્તન કરી રહ્યો છે. અંતઃકરણ જ એનું સ્ટેજ છે. બહાર સંગીત વહે છે. 

વૃક્ષ, સિતારા, ચાંદ, પાણીનું ઝરણું, સમુદ્રની લહેરો.
આ બધું આત્માનું જ નર્તન છે, પણ બહાર જે નૃત્ય છે એ અંદરનું પ્રતિફલન છે. સિનેમાના પડદા પર જે ચિત્ર આવે છે એનું પ્રોજેક્ટર તો પાછળ હોય છે. પ્રોજેક્ટરનું પ્રતિફલન પડદા પર જોવા મળે છે. પડદા પર ચિત્રની કોઈ શક્યતા જ નથી. પડદો ચિત્ર બતાવી શકે નહીં, પાછળવાળું યંત્ર જ એ કામ કરે છે. આ સંસાર પડદો છે અને સંસારમાં જેકાંઈ દેખાઈ રહ્યું છે એ અંતઃકરણમાં આત્માનું જ નર્તન ચાલી રહ્યું છે. જો આવું વિચારતા થશો તો જ સુખી થશો, પણ વ્યવહારમાં આ બધું એક ચોક્કસ ભૂમિકાએ પહોંચ્યા પછી પ્રાપ્ત થાય છે. એક વાત હંમેશાં યાદ રાખવી કે માણસે નકલ ન કરવી જોઈએ, નવલ કરવી જોઈએ અને નવલ ક્યારે થાય, જ્યારે માણસ સુખી જીવનનો ક્રમ અપનાવી લે. સુખી થવું હોય તો એક સરળ જીવનક્રમ દેખાડું.
પહેલું છે, ધ્યાન કરો. સવારે થોડું ધ્યાન કરો. પ્રાતઃકાળમાં પ્રાકૃત જગત શાંત હોય છે. અધ્યાત્મ ચેતનાથી ભરેલું હોય છે.
બીજું છે, સ્નાન કરો. છિદ્રો ખૂલી જાય જેથી બહારની ચેતનાને પકડી શકાય.
ત્રીજું છે, સંધ્યા કરો. સંધ્યા કરવાથી આપણી ઋષિપરંપરા જીવિત રહે છે એટલું જ નથી, એ તમારું અનુસંધાન ઈશ્વર સાથે કરાવે છે.
ચોથા નંબરે છે, દેવપૂજા કરો. તમે ઈશ્વરની નજીક છો એનો સતત એહસાસ થશે. ઈશ્વરે આપેલા જીવન પ્રત્યે આભાર પ્રગટ કરવાની એ બાહ્ય ક્રિયા છે.
પાંચમા સ્થાને છે, યજ્ઞ. વાતાવરણ શુદ્ધિની સાથે અંતઃકરણની પણ શુદ્ધિ થશે.
છઠ્ઠે અને છેલ્લે આવે છે અતિથિ પૂજન ઃ આંગણે આવેલા અતિથિ દેવનું સ્વરૂપ છે, જેનું પૂજન થવું જોઈએ.

columnists life and style Morari Bapu