હર્ષિત મનનો ધર્મ, પણ પ્રસન્નતા ચિત્તનો સ્વભાવ

27 December, 2023 01:16 PM IST  |  Mumbai | Morari Bapu

પોતાના સ્વાર્થની વાત પૂરી થઈ જાય તો વ્યક્તિને હર્ષ થાય છે. જોકે પ્રસન્નતાનો સ્વભાવ જુદો છે. પ્રસન્નતા ત્યારે જ આવે છે જ્યારે બીજાઓનું કામ થાય.

પ્રતીકાત્મક તસવીર

સુખી જીવનની ચાવીઓની વાત કર્યા પછી હવે આપણે વાત કરવાના છીએ કઈ પાંચ વાત છોડવાથી માણસ સુખી થવાના રસ્તે આગળ વધે? હા, જો સુખી થવું હોય તો કેટલાંક વળગણો છોડવાં પડશે. એમાં સૌથી પહેલાં આવે છે હર્ષ. ખુશી, આનંદ. હર્ષ છોડો.

કોઈ પ્રસંગમાં હર્ષ નહીં, કારણ કે જેટલા હર્ષિત થયા છે તે બધાને વિષાદ પણ થયો છે, તે બધા નિરાશ થયા છે, શોકમાં ડૂબ્યા છે. જે થયું એ થયું. હર્ષ કરશો તો મુશ્કેલી આવશે. તમને આ વાત ગળે ન ઊતરે અને એ સ્વાભાવિક પણ છે. હર્ષ ન કરો તો વ્યવહાર-ધર્મ આપણને તરત જ પ્રશ્ન કરશે કે પુત્રનાં લગ્ન હોય તો શું હર્ષ નહીં થાય? શું પુત્રજન્મ પર હર્ષ ન જન્મે? ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો ખુશી ન થાય? આ બધા પ્રસંગોએ હર્ષ આવે તો તમે પ્રસન્ન થજો. એક વાત યાદ રાખજો કે પ્રસન્નતા અને હર્ષ વચ્ચે બહુ મોટો તફાવત છે. હર્ષિત હોવું મનનો ધર્મ છે, પણ પ્રસન્ન રહેવું એ ચિત્તનો સ્વભાવ છે. હર્ષ થાય તો એ બહાર દેખાય, પણ જેને પ્રસન્નતા હોય તે એનો અંદરથી જ અનુભવ કરે. આપણને હર્ષ ત્યારે થાય જ્યારે આપણા હિતની, સ્વાર્થની વાત હોય. જે વિચાર્યું હતું એ વાત કે કામ થઈ જાય. પોતાના સ્વાર્થની વાત પૂરી થઈ જાય તો વ્યક્તિને હર્ષ થાય છે. જોકે પ્રસન્નતાનો સ્વભાવ જુદો છે. પ્રસન્નતા ત્યારે જ આવે છે જ્યારે બીજાઓનું કામ થાય. હર્ષ નહીં, પ્રસન્નતા પામો. જો પ્રસન્નતા રહેશે તો હર્ષ પછી આવનારો વિષાદ નહીં આવે.

હર્ષ પછી આવે છે અમર્ષ. બીજાઓનું સુખ જોઈને, બીજાઓની પ્રસન્નતા જોઈને આપણને જે દુઃખ થાય એનું નામ અમર્ષ. આ જે સ્વભાવ છે એ છોડવાનો છે, આ જે વ્યવહાર છે એ ત્યજી દેવાનો છે. બીજાનું સુખ જોઈને વેદના થાય એ તો રોગ છે. એક એવો રોગ જે લાગુ પડ્યા પછી માણસ સૂઈ નથી શકતો. તેની શાંતિ હણાઈ જાય છે. તેનું સુખ સંકોચાઈ જાય છે. ફલાણો પાસ થઈ ગયો, તેને નોકરી મળી ગઈ, ફલાણાની સગાઈ થઈ ગઈ. 

અરે, અમર્ષ છોડો. બીજાનું સુખ જોઈને દુઃખી થવાનું છોડો. જો અમર્ષ છૂટી ગયો તો સુખ તમારી આગળ-પાછળ ફરતું હશે અને તમે સુખનો આસ્વાદ માણતા હશો. હર્ષ અને અમર્ષ પછી હવે આપણે વાત કરવાની છે ઈર્ષ્યા, સંઘર્ષ અને અહંકારની. એ કરીશું આવતી કાલે.

Morari Bapu columnists