હાથી જેવા ગુણ હોય એ ભક્તની વિશેષતા

11 January, 2024 08:50 AM IST  |  Mumbai | Morari Bapu

આપણા દાંત કોઈ પાડી નાખે તો એનો શણગાર નથી થતો, પણ હાથીદાંતનો શણગાર બને અને ભક્તિ પણ એવી જ હોય. એ અન્યનો શણગાર બને.

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરી ઈષ્ટ નિષ્ઠા, ઈષ્ટ જ્ઞાન, ઈષ્ટ સુમિરન અને ઈષ્ટ પ્રેમની. આ ચાર તમારામાં હોય તો તમે ભક્તિમણિ છો. તમે ભક્તિમણિને પ્રાપ્ત કરી લીધો. જો આ ચારેયમાંથી એકની પણ ઊણપ હોય તો સમજી લેવું કે મણિની તમને થોડી ઝલક દેખાઈ છે, પણ અંદરથી મણિને કાઢવા માટે તમારે ખાણ થોડી વધારે ખોદવી પડશે અને આ ખોદકામ તમને સમજાવશે, દેખાડશે કે ભક્તિ વિચાર નથી, એ અંતરનો પોકાર છે અને બાપ, ભક્તિ જેનામાં હશે તે હાથી જેવો હશે. હાથીના ગુણો ભક્તની વિશેષતાઓ બનશે. આ ગુણો કયા અને કેવા હોય એ જરા ધ્યાનથી જુઓ.
પહેલો ગુણ કહું. હાથીનું શરીર વિશાળ હોય છે, એ રીતે ભક્તને મોટાઈ મળશે પણ એની આંખ્યું ઝીણી હશે. સૂક્ષ્મદર્શન કરતો હશે, ભક્તિ જે કરશે તેને મોટાઈ મળી જ જશે. વાત કરીએ બીજી.
આપણા દાંત બીજાને બટકાં ભરવાનું અને ખાવાનું કામ કરે છે. હાથીના દાંત તો બીજાના શણગાર બને છે. એ સમાજનું શણગાર બને છે. એના દાંત કીમતી છે. આપણા દાંત કોઈ પાડી નાખે તો એનો શણગાર નથી થતો, પણ હાથીદાંતનો શણગાર બને અને ભક્તિ પણ એવી જ હોય. એ અન્યનો શણગાર બને.

ઐરાવતના ત્રીજા ગુણની વાત. હાથીનું મસ્તક મોટું છે. હાથી નમતો જાય છે. એની ચાલ જોજો! માટે મારા રામને કુંજર ગામિન બતાવ્યા છે તુલસીએ. હાથી ઝૂકતો જ જાય છે. ઝૂકતો જ જશે. એની નજર નીચી હશે અને એનું મસ્તક પણ જમીન પર હશે. અલમસ્ત અને કોઈ પોતાની તોલે આવી શકે એમ નથી એ પછી પણ હાથી મસ્તક નીચે રાખે છે એવું જ ભક્તનું છે. તેનું મસ્તક નીચે જ રહે છે.

હાથીનો સૌથી મોટો એક ગુણ કહું. હાથી ધૂળ લઈને પોતાના પર ઉડાડે છે, બીજા પર નથી ઉડાડતો, પોતાના પર ઉડાડે છે કે ધિક્કાર છે કે આવડું મોટું જીવન પણ હરિચરણ રજ પામ્યો નહીં. ધિક્કાર છે મને! આપણે બધા બીજા પર ધૂળ ફેંકીએ, ઉડાડીએ છીએ. કોના પર તો કહે, બીજા પર. સાચો ભક્ત હાથી જેવો હોય. તે રજ પોતાના પર, ધૂળ પોતાના પર ઉડાડે છે. કારણ કે તે માને છે કે હું હરિચરણની રજ પામ્યો નથી. આ રજ તો મારે પામવી જોઈએ, જો હું એ પામીશ તો જ મારો સાક્ષાત્કાર થશે અને સાચો ભક્ત એ, જે પોતાના સાક્ષાત્કારને મહત્ત્વનો માનીને સતત આગળ વધતો રહે, પ્રભુભક્તિ કરતો રહે અને એમાં જ લીન રહે.

life and style culture news Morari Bapu columnists