તમારી મર્યાદા લોકોએ સ્વીકારી, તમે બીજાની સ્વીકારો

21 December, 2023 10:11 AM IST  |  Mumbai | Morari Bapu

કોઈને સંપત્તિનું તો કોઈને શક્તિનું અભિમાન આવી શકે; પણ અભિમાન આવે ત્યારે સાવધ થઈ જાઓ, એને દૂર જ રોકી દો તો અભિમાન માણસને નુકસાન કરવામાં નિષ્ફળ જાય છે.

મોરારી બાપુ

ડરો નહીં અને કોઈને ડરાવો નહીં; ભગવદ્પાઠ કરો, કોઈની નિંદા કે ઈર્ષ્યા કરશો નહીં અને મૌન રહેવું.સુખી જીવનની આ ચાર ચાવીની વાત આપણે અત્યાર સુધી કરી. હવે આપણે વાત કરવાની છે પાંચમી ચાવીની. અભિમાન સામે સાવધાની રાખો. જીવનમાં અભિમાન તો આવશે. અભિમાનનું આવવું એ એનું કામ છે. આપણે કોઈને એનું કામ કરતાં થોડું રોકી શકીએ! રોકટોક જાત પર હોય એટલે જ્યારે અભિમાન આવે ત્યારે સાવધાન રહેવું. કોઈને પદનું, કોઈને પ્રતિષ્ઠાનું, કોઈને સંપત્તિનું તો કોઈને શક્તિનું અભિમાન આવી શકે; પણ અભિમાન આવે ત્યારે સાવધ થઈ જાઓ, એને દૂર જ રોકી દો તો અભિમાન માણસને નુકસાન કરવામાં નિષ્ફળ જાય છે અને અભિમાનને નિષ્ફળતા મળે ત્યારે માનવું કે તમે સુખી જીવન તરફ આગળ ધપી રહ્યા છો.
વાત હવે છઠ્ઠી ચાવીની, સહજ બનો.

તમે સહજ બનો. તમે જે નથી, એ મેળવવામાં જિંદગી બગાડવાનું કામ કરો છો. નહીં કરો એવું, તમારી આખી જિંદગી શું કામ બગાડવાની. પૂજાપાઠ પણ સ્વાભાવિક હોય. પહેલાં નિયમો બનાવો, નિયમથી વ્રતમાં ચાલ્યા જાઓ અને પછી વ્રતથી સ્વભાવમાં જાઓ. નિયમબાહ્ય કાનૂન છે. વ્રત અંદરનું અનુશાસન છે. સત્યનો નિયમ લેવાથી સારું છે, સત્યવ્રત થઈ જાઓ. નિયમમાં દબાણ છે. એક જગ્યાએ દબાવશો તો બીજી જગ્યાએ તૂટશો. બ્રહ્મચર્યવ્રત લો, સારું છે, બ્રહ્મચર્યવ્રતી થઈ જાઓ. વ્રત-નિયમ એવાં હોય કે જો કોઈના ઘેર જાઓ તો બીજાઓને આપણા નિયમથી કષ્ટ ન થાય.
એક વાત હું વારંવાર કહીશ. પ્રત્યેક વ્યક્તિને તેની નબળાઈઓ સાથે સ્વીકારવાનું રાખો, કારણ કે તે માણસ છે. જો તમારી નબળાઈ લોકો સ્વીકારી લે એવી અપેક્ષા તમે રાખતા હો તો તમારે પણ સામેવાળાની અપેક્ષાને માન આપવું જોઈએ. જેમ તમે પ્રયાસ કરો છો નબળાઈઓ દૂર કરવાનો, એમ તે પણ પ્રયાસ કરતો હશે. જેમ તમને તમારા પ્રયાસમાં સફળતા નથી મળતી એમ કદાચ, તેને પણ તેના પ્રયાસમાં સફળતા નહીં મળતી હોય એટલે દોષારોપણ છોડીને, બીજાની નબળાઈઓને જોવાને બદલે તેને નબળાઈ સાથે પ્રેમથી સ્વીકારી લો અને આગળ વધો. સુખી જીવનની ચાવીઓની વાત અહીં પૂરી થઈ, પણ આવતા અઠવાડિયે આપણે વાત કરવાની છે સુખી થવા માટે છોડવા જેવી વાતોની. કઈ પાંચ વાત છોડવાથી માણસ સુખી થવાના રસ્તે આગળ વધે છે એની વાત હવે આવતા અઠવાડિયે.

culture news Morari Bapu columnists