11 July, 2026 03:18 PM IST | Mumbai | Heena Patel
ખારઘરનું જગન્નાથ મંદિર
આ ગુરુવારે અષાઢી બીજના અવસરે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. આ ઉત્સવના રંગે રંગાવા આપણે પુરી સુધી લાંબા ન થવું હોય તો પહોંચી જાઓ નવી મુંબઈના ખારઘરમાં આવેલા શ્રી જગન્નાથ મંદિરમાં. અષાઢી બીજના દિવસે પુરીમાં જે રિચ્યુઅલ્સ થાય છે એ બધું જ આ મંદિરમાં પણ થાય છે અને અહીં પણ ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રામાં સેંકડો ભક્તો જોડાય છે
નવી મુંબઈના ખારઘરમાં આવેલું જગન્નાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ ઓડિશાની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ભક્તિનું પ્રતીક છે. પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની પરંપરાથી પ્રેરિત આ મંદિર હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. દર વર્ષે મહારાષ્ટ્ર ઓરિયા વેલ્ફેર અસોસિએશન (MOWA) દ્વારા અષાઢી બીજના દિવસે ધામધૂમ અને ઉત્સાહ સાથે રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રા પહેલાં અને પછીના મોટા ભાગના રિચ્યુઅલ્સ ઓરિજિનલ પુરીનાં મંદિર જેવાં જ હોય છે.
ખારઘરમાં થતી રથયાત્રા વિશે માહિતી આપતાં MOWAના પ્રેસિડન્ટ ડૉ. ભગવાન પાંડા કહે છે, ‘રથયાત્રાના દિવસે જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનને આદરપૂર્વક બહાર લાવવામાં આવે છે. સૌથી પહેલાં ભગવાન સુદર્શન, ત્યાર બાદ ભગવાન બલભદ્ર, પછી બહેન સુભદ્રાજી અને છેલ્લે શ્રી જગન્નાથજી રથ તરફ પ્રસ્થાન કરે છે. ભગવાનને રથમાં બિરાજમાન કર્યા પછી એમનો શણગાર થાય છે. ભવ્ય રીતે સજાવવામાં આવેલા લાકડાના રથો પર છેરા પહરા (સોનાની સાવરણીથી રથસફાઈ કરવાની પવિત્ર વિધિ) સંપન્ન કરવામાં આવે છે. ભગવાનની પૂજા-આરતી થાય છે. રથ ચલાવતાં પહેલાં ભગવાનની પરવાનગી લેવામાં આવે છે. દાહુક રથના આગળના ભાગમાં લાકડાના ઘોડાની પાસે બેસે છે, લગામ હાથમાં લે છે અને આખો રથ કઈ દિશામાં આગળ વધશે એનું માર્ગદર્શન આપે છે. દાહુક ખાસ પ્રકારનાં પવિત્ર ગીતો ગાઈને અને ઇશારા કરીને હજારો ભક્તોને સંકેત આપે છે કે હવે તૈયાર થઈ જાઓ, એકસાથે જોર લગાવીને પ્રભુના રથને ખેંચવાનો છે. એ પછી બપોરે બે-અઢી વાગ્યાની આસપાસ રથ ખેંચવાની ભવ્ય શરૂઆત થાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ પ્રભુના રથને દોરડાથી ખેંચીને આગળ વધારે છે. ખારઘરમાં યોજાતી આ ભવ્ય રથયાત્રા સેક્ટર પાંચ ખાતે આવેલા જગન્નાથ મંદિરથી શરૂ થાય છે. અહીંથી પ્રભુનો રથ ઉત્સવ ચોક અને પ્રાઇમ મૉલ તરફ આગળ વધે છે અને ત્યાર બાદ ત્યાંથી યુ ટર્ન લઈને મંદિરે પાછો ફરે છે. જગન્નાથ પુરીની મૂળ પરંપરામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથયાત્રાના દિવસે પોતાના મુખ્ય મંદિરથી નીકળીને આશરે ૩ કિલોમીટર દૂર આવેલા ગુન્ડિચા મંદિર (માસીના ઘરે)એ જાય છે. ત્યાં તેઓ ૯ દિવસ રોકાય છે અને ત્યાર બાદ બહુડા યાત્રા દ્વારા પોતાના મુખ્ય મંદિરે પાછા ફરે છે. ખારઘરની વાત કરીએ તો ભગવાનનો રથ યુ ટર્ન લઈને મુખ્ય મંદિરની બહાર પાછો આવી જાય છે, પરંતુ ભગવાન મુખ્ય મંદિરમાં સીધા પ્રવેશતા નથી. મંદિરના પરિસરમાં જ એક અલગ જગ્યાએ ખાસ આડપ મંડપ (જેને ગુન્ડિચા મંડપનું પ્રતીક માનવામાં આવે છે) તૈયાર કરવામાં આવે છે. રથ પાછો આવ્યા પછી પ્રભુને રથમાંથી ઉતારીને એ આડપ મંડપ પર બિરાજમાન કરવામાં આવે છે. પરંપરા અનુસાર ભગવાન બહુડા યાત્રા સુધી અહીં જ રોકાય છે અને ભક્તોને અહીં જ દર્શન આપે છે. રથયાત્રાના ૯ દિવસ પછી જ્યારે ભગવાન માસીના ઘર (ગુન્ડિચા મંદિર)થી પોતાના મુખ્ય મંદિરે પાછા ફરે છે એને બહુડા યાત્રા કહે છે. બહુડા યાત્રામાં ભગવાનને રથ પર બેસાડીને ધામધૂમથી મંદિરની સામે રથને લાવીને રોકવામાં આવે છે. રથયાત્રાના પછીના દિવસે સુનાવેશ હોય છે જેમાં રથ પર જ ભગવાનને સોનાનાં આભૂષણોનો શણગાર કરવામાં આવે છે. એના બીજા દિવસે અધર પના હોય છે જેમાં પ્રભુના હોઠ સુધી પહોંચે એવા ઊંચા માટીના માટલામાં ખાસ પવિત્ર અમૃત બનાવીને રથ પર જ ભોગ ધરાવાય છે. એવું માનવામાં આવે છે કે રથની આસપાસ ભટકતા અદૃશ્ય જીવોના મોક્ષ માટે આ ઘડા રથ પર જ ફોડવામાં આવે છે. જે ભક્તો કોઈ કારણસર મંદિરની અંદર નથી જઈ શકતા અથવા જેમને ગર્ભગૃહમાં પ્રવેશવાની મનાઈ હોય છે એવા તમામ ભક્તો રથની ઊંચાઈ પર બેસેલા પ્રભુના ખુલ્લા આકાશ નીચે દર્શન કરી ધન્ય થઈ શકે એ માટે પણ પ્રભુ બે દિવસ રથ પર જ રોકાય છે. આ બધી વિધિઓ પતી જાય એ પછી ત્રીજા દિવસે મોડી રાત્રે પ્રભુ રથ પરથી ઊતરીને ભવ્ય ધાડી પહંડી (સરઘસ) દ્વારા ગર્ભગૃહમાં પ્રવેશે છે અને સિંહાસન પર બિરાજમાન થાય છે. આ વિધિને નીલાદ્રિ બિજે કહેવાય છે.’
મંદિરનો ઇતિહાસ અને સ્થાપના
ખારઘરમાં જગન્નાથ મંદિરની સ્થાપના ૨૦૧૧માં થઈ હતી. ભુવનેશ્વરનાં ડૉ. નમિતા મિશ્રા અને શ્રી રામચંદ્ર મિશ્રા દ્વારા ભેટ આપવામાં આવેલી ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની પવિત્ર મૂર્તિઓની પુરીના પ્રતિષ્ઠિત પંડિતો દ્વારા વિધિવત્ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સ્થાપના સાથે જ મંદિરમાં પ્રભુની દૈનિક પૂજાઅર્ચનાની શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ દર વર્ષે અષાઢ મહિનામાં યોજાતી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની પરંપરાનો પણ પ્રારંભ થયો હતો. એ અંતર્ગત ૨૦૧૧માં અહીં પ્રથમ રથયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે જે ભવ્ય મંદિર છે એનું નિર્માણ ૨૦૧૮માં થયું છે. મંદિરના જીર્ણોદ્ધાર અને મુખ્ય મંદિરના નિર્માણ માટે ભંડોળની જરૂરિયાત ઊભી થઈ ત્યારે મોટી સંખ્યામાં ભક્તો લાઇફ મેમ્બર્સ તરીકે સંસ્થા સાથે જોડાયા હતા અને ઉદાર હાથે દાન આપ્યું હતું. મંદિરના બાંધકામની શરૂઆત ૨૦૧૪માં કરવામાં આવી હતી. મંદિરને પરંપરાગત કલાત્મક ઓપ આપવા માટે ઓડિશાના ગંજામ જિલ્લાના મથુરા ગામના ૧૫ નામાંકિત કલાકારોની એક ટીમ બોલાવવામાં આવી હતી. શ્રી રામચંદ્ર મહારાણા અને શ્રી બાલકૃષ્ણ મહારાણાના નેતૃત્વમાં આ ટીમે મંદિર પર અદ્ભુત અને મનમોહક કોતરણીકામ કર્યું જે આજે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. મંદિર બનીને તૈયાર થયા બાદ ૨૦૧૮માં ૮ જુલાઈએ હેરાપંચમીના દિવસે પુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવ અને મહારાણીસાહેબાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષે અષાઢી બીજના દિવસે ઓડિશાની પુરીની પરંપરા મુજબ જ ખારઘરના આ મંદિર દ્વારા ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની વિશેષ પૂજા-અર્ચના, પરંપરાગત નૃત્ય સાથે આખી યાત્રા ભક્તિમય માહોલમાં નીકળી હતી.
ખારઘરના આ ભવ્ય જગન્નાથ મંદિરની સ્થાપના અને એના સંચાલન પાછળ MOWAનો સિંહફાળો રહ્યો છે. આ સંસ્થાનો પાયો ૧૯૯૮માં કળંબોલીમાં રહેતા ૧૭ ઓડિયા પરિવારોના એક જૂથ દ્વારા નાખવામાં આવ્યો હતો. MOWA એક સામાજિક-આધ્યાત્મિક સંસ્થા છે. મુંબઈ અને નવી મુંબઈના ભક્તોના કલ્યાણ માટે ખારઘર જેવા આધુનિક શહેરમાં ભગવાન શ્રી જગન્નાથનું એક ભવ્ય મંદિર હોવું જોઈએ એવો વિચાર સંસ્થાએ ૨૦૦૬માં વહેતો કર્યો હતો. એ પછી ઘણી મુશ્કેલીઓ અને સતત પ્રયાસો પછી ૨૦૦૯-’૧૦માં સંસ્થાને ધ સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO-સિડકો) તરફથી મંદિર બનાવવા માટે જમીન મળી ગઈ હતી. શ્રી જગન્નાથ મંદિરનું સંચાલન કરવું એ MOWAનો મુખ્ય ઉદ્દેશ છે, પરંતુ એની સાથે સંસ્થા સામાજિક કાર્યોમાં પણ હંમેશાં મોખરે રહે છે. સંસ્થાના સભ્યો અને સેવાભાવી ભક્તોના સહયોગથી સમયાંતરે ફ્રી મેડિકલ કૅમ્પ અને બ્લડ-ડોનેશન કૅમ્પનું આયોજન, વૃક્ષારોપણ અભિયાન, કૅન્સરના દરદીઓને ભોજન પૂરું પાડવાની સેવા તેમ જ ઓડિશામાં વિનાશક વાવાઝોડા દરમ્યાન પ્રભાવિત લોકો માટે તાત્કાલિક રાહતસામગ્રી અને સહાય મોકલવી વગેરે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ સિવાય શ્રી જગન્નાથ મંદિરના પરિસરમાં સમયાંતરે વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વિવિધ કાર્યક્રમો અને ઉત્સવો પાછળ સંસ્થાનો મુખ્ય હેતુ મુંબઈમાં વસતા ઓડિયા સમુદાય સહિત તમામ ભક્તો વચ્ચે પરસ્પર શાંતિ અને સદ્ભાવના જાળવી રાખવાનો છે. આ સાથે જ સંસ્થા મહારાષ્ટ્રની ધરતી પર ઓડિશાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને જગન્નાથ સંસ્કૃતિનો પ્રસાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
પૂજાવિધિ અને ઉત્સવો
દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આ મંદિરમાં આવીને ભગવાન જગન્નાથ, પ્રભુ બલભદ્ર, માતા સુભદ્રા અને ચક્ર સુદર્શનના આશીર્વાદ મેળવે છે, જેઓ સામૂહિક રીતે ચતુર્ધા મૂર્તિ તરીકે ઓળખાય છે. અહીં મંદિરમાં પ્રભુનાં તમામ વિધિવિધાન, પૂજા-અર્ચના અને નિત્ય નિયમો ઓડિશાની પરંપરાગત જગન્નાથ સંસ્કૃતિ અનુસાર જ ચુસ્તપણે કરવામાં આવે છે. આ મંદિરમાં ઓડિશાના તમામ પરંપરાગત તહેવારો પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઊજવવામાં આવે છે. જગન્નાથ પુરીની પરંપરા અનુસાર અષાઢ મહિનાની રથયાત્રા પહેલાં મંદિરમાં કેટલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને પવિત્ર વિધિવિધાનો થાય છે. આ વિશે માહિતી આપતાં ડૉ. ભગવાન પાંડા કહે છે, ‘રથયાત્રા પહેલાં જેઠ મહિનાની પૂનમના દિવસે સ્નાનત્રા યોજાય છે. આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને ગર્ભગૃહમાંથી બહાર લાવીને સ્નાનમંડપમાં બિરાજમાન કરવામાં આવે છે અને ૧૦૮ લોટા જળ વડે પ્રભુને શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવવામાં આવે છે. ઉનાળાના આકરા તાપ પછી એકસાથે આટલા બધા ઠંડા પાણીથી સ્નાન કરવાને કારણે ભગવાનને જોરદાર તાવ આવી જાય છે. તાવ આવ્યા પછીના ૧૫ દિવસના સમયગાળાને અણસર કહેવામાં આવે છે. આ ૧૫ દિવસ સુધી મંદિરનાં કપાટ (બારણાં) સામાન્ય ભક્તો માટે બંધ કરી દેવામાં આવે છે અને ભગવાનને ખાસ બીમાર રૂમમાં રાખવામાં આવે છે. ભક્તો આ દિવસોમાં ભગવાનનાં દર્શન કરી શકતા નથી. તેમને સાજા કરવા માટે ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓ, દશમૂળ કાવો અને સુગંધિત ફુલુરી તેલથી માલિશ કરવામાં આવે છે. આ દિવસોમાં ભગવાનને ભારે અન્ન (છપ્પનભોગ) ચડાવવામાં આવતું નથી. તેમને માત્ર ફળોનો રસ, તુલસીનાં પાન અને હળવો ખોરાક જ આપવામાં આવે છે. ૧૫ દિવસના આરામ અને સારવાર પછી ભગવાન પૂરેપૂરા સ્વસ્થ થઈ જાય છે. રથયાત્રા પહેલાં ભગવાન ભક્તોને પોતાના નવયૌવન સ્વરૂપમાં દર્શન આપે છે, જેને નેત્રોત્સવ અથવા નવયૌવન દર્શન કહેવાય છે. એ ૧૪ જુલાઈએ થશે. આ બધું થયા પછી અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ એટલે કે રથયાત્રા પર નીકળે છે. પુરીના મુખ્ય મંદિરની જેમ જ મુંબઈના ખારઘર જગન્નાથ મંદિરમાં પણ દર વર્ષે આ ૧૫ દિવસના અણસર કાળની પરંપરા બહુ જ કડક રીતે પાળવામાં આવે છે. અત્યારે અણસર કાળ શરૂ હોવાથી ગર્ભગૃહનાં પટ બંધ છે. ભક્તોને દર્શન આપવા માટે ખાસ ચિત્રપટ્ટાનાં દર્શન એટલે કે સુતરાઉ કાપડ પર પરંપરાગત શૈલીમાં બનેલાં ભગવાનનાં સ્વરૂપોનાં દર્શન ખુલ્લાં મૂકવામાં આવે છે.’