18 September, 2025 12:38 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
શસ્ત્રો ભય પમાડનારાં પણ છે અને અભય આપનારાં પણ છે. ભયની સામે એ અભય આપનારાં બની શકે છે પણ આપણે અહિંસાનું પૂંછડું એવી રીતે પકડીને બેસી ગયા કે જાણે કે ભયભીત રહેવું એ સન્માન હોય. તમે જઈને જુઓ, દેશના બન્ને સરહદીય વિસ્તારમાં હવે શાંતિ જોવા મળે છે અને એનું કામ છે ભય પમાડનારાં શસ્ત્રોનો વધતો સરંજામ અને સાથોસાથ હિંમતભેર લેવામાં આવેલાં પગલાં. જો આ જ નીતિ પહેલેથી રાખવામાં આવી હોત તો હિન્દુસ્તાનનો ઇતિહાસ સૌથી અલગ હોત અને કદાચ અંગ્રેજો આ તરફ આવ્યા પણ ન હોત.
જે સમયે ભગવાન મહાવીર અને બુદ્ધે અહિંસાનો સંદેશો આપ્યો એ સમયે નાહકની હિંસાનો અતિરેક હતો. ભોગ અને બલિદાનમાં રચ્યાપચ્ચા રહેતા શાસકો અને પ્રજાને એ નાહકની હિંસાથી દૂર કરવા માટે અહિંસાનો સંદેશ આપવામાં આવ્યો અને એની બહુ ધારી અસર ઊભી થઈ, જેને લીધે આ જ વાતને ત્યાર પછી આગળ લઈ જવામાં આવી પણ સંદેશાનો મૂળ હેતુ વાતમાંથી નીકળી ગયો અને બસ, અહિંસા-અહિંસાના નારા લાગવા માંડ્યા. એ નારામાં હાર્દ ખોટું હતું અને પ્રજા પણ હઈસો-હઈસો કરતી જોડાતી ગઈ, જેને લીધે દેશનું નિકંદન નીકળી ગયું.
દીન-દુખી, ગરીબ, દુર્બળ, લાચારની રક્ષા કરનારા અને અભય આપનારા પણ બની શકે છે. જ્યારે પીંઢારા સુરતને લૂંટવા આવેલા ત્યારે અંગ્રેજોની કોઠીઓમાં લોકોએ પોતપોતાના દાગીના વગેરે જમા કરાવી દીધેલા અને અંગ્રેજોએ કોઠીની છત પર ચાર તોપો અને સામેના રોડ પર બે તોપો ગોઠવી દીધેલી. આ તોપોના કારણે અંગ્રેજોની કોઠી પર હુમલો થયો નહીં અને સંપત્તિ બચી ગયેલી. અર્થાત્ શસ્ત્રો ભયની સામે અભય પણ આપે છે. જો આ તોપો ન હોત તો બધું લૂંટાઈ જાત.
ઘણા સમયથી અંગ્રેજો પાસે આ તોપો પડી હતી, એનાથી કોઈને કશું નુકસાન થતું નહોતું. પણ ખરા સમયે એ કામ આવી અને લાખ્ખોની સંપત્તિ અને કોઠીને બચાવી લીધી. આમ કહેવાનો ભાવ એવો છે કે શસ્ત્રોનો ત્યાગ નથી કરવાનો, શસ્ત્રોમાંથી ઊભાં થતાં દૂષણોનો ત્યાગ કરવાનો છે. દૂષણરહિત શસ્ત્રથી માણસ શ્રીરામ કે શ્રીકૃષ્ણ થઈ શકે છે. તે રક્ષક અને પાલક થઈ શકે છે એટલે ખરો ભાર શસ્ત્રના દૂષણોના ત્યાગ પર જ હોવો જોઈએ, નહીં કે મૂળમાંથી શસ્ત્રોનો જ ત્યાગ કરી દેવા પર. એવું કર્યા પછી દેશમાં અરાજકતા ફેલાઈ અને આધુનિક શસ્ત્રના સ્વીકાર સાથે જ દેશમાં નવેસરથી શાંતિનો અનુભવ થવો શરૂ થયો.