મળો એક એવી મહિલાને જેણે વિચરતી, વિમુક્ત જાતિઓને અપાવી ઓળખ

17 April, 2019 05:38 PM IST  |  અમદાવાદ | ફાલ્ગુની લાખાણી

મળો એક એવી મહિલાને જેણે વિચરતી, વિમુક્ત જાતિઓને અપાવી ઓળખ

મિત્તલ પટેલ(તસવીર સૌજન્યઃ મિત્તલ પટેલ ફેસબુક)

વાદી, મદારી, ડફેર આ જાતિઓના નામ તો તમે સાંભળ્યા હશે. આ એ જ લોકો છે જે મદારીના કે નટબજાણિયાના ખેલ બતાવીને આપણું મનોરંજન કરે છે. એ જાતિ જે ચોમાસા સિવાયના સમયમાં વિચરતી રહે છે.  સમાજના મુખ્ય પ્રવાહથી ઘણી દૂર એવી આ જાતિઓ. કોઈ ઉપર જલ્દીથી વિશ્વાસ પણ ન કરી શકે તેવા આ લોકો. જેમની પાસે પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. એવી જાતિ જેમની કેટલાક વર્ષો પહેલા કોઈ જ ઓળખ નહોતી. ન રાશન કાર્ડ, ન ચૂંટણી કાર્ડ, ન કોઈ ઓળખનું પ્રમાણપત્ર. આવી જાતિઓને ઓળખ અપાવવાનું કામ કરી રહ્યા છે અમદાવાદ મિત્તલ પટેલ.

ભણતર પત્રકારત્વનું અને કર્મથી એક અદના સામાજિક કાર્યકર. જેમણે બીડું ઝડપ્યું એવા લોકોને ઓળખ અપાવવાનું જેમનાથી લોકો દૂર રહેવાનું પસંદ કરે છે. તેમની વચ્ચે જઈ તેમની સ્થિતિ, તેમની વ્યથા સમજી અને અપનાવી. તેમના હક માટે લડ્યા, તેમને ઓળખ અપાવી અને પગભર કરવાની પણ પહેલ કરી. જો કે મિત્તલની આ સફર સરળ નહોતી. તેમાં અનેક અંતરાયો પણ આવ્યા પરંતુ મિત્તલ પટેલે આ તમામ અંતરાયોને પાર કર્યા. તેમના આ પ્રદાનની કદર ભારત સરકાર પણ કરી ચુકી છે.

કેવી રીતે થઈ શરૂઆત?
મિત્તલ પટેલ જ્યારે પત્રકારત્વનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને સુરતના શેરડીના ખેતરમાં કામ કરતા મજૂરો વચ્ચે રહેવાનું થયું. તેમની રહેણી-કહેણી, તેમની લાચારી તેમણે જોઈ. તેમની પાસે નહોતું કોઈ ઠેકાણું, નહોતી કોઈ ઓળખ. તેમની આ સ્થિતિ જોઈ મિત્તલ પટેલ દ્રવી ઉઠ્યા. પત્રકારત્વ બાદ 2005માં તેઓ જનપથ સંસ્થા સાથે જોડાયા ત્યારે તેમને આ સમુદાયના લોકોને નજીકથી જોવાની તક મળી. અને તેમણે નક્કી કર્યું કે આ લોકો માટે તેઓ તેમનાથી શક્ય તેટલું બધું કરશે. મિત્તલની ઈચ્છા છે કે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પણ સ્વમાનભેર સારી જિંદગી જીવી શકે.

ઓળખ અપાવ્યાનો આનંદ(તસવીર સૌજન્યઃ મિત્તલ પટેલ ફેસબુક)

વાદી, મદારી, ડફેર સહિતની જાતિઓને નજીકથી જાણવા માટે મિત્તલ પટેલે તેમની વસાહતોમાં ફરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમને ખૂબ જ તકલીફ પડી કારણ કે લોકો તેમને સ્વીકારવા તૈયાર નહોતા. સમાજના મુખ્ય પ્રવાહથી ખૂબ જ દૂર એવા આ લોકો માટે કોઈ વ્યક્તિ તેમની વચ્ચે આવીને તેમની મદદ કરવા માંગે છે તે પણ ન માનવામાં આવી તેવી વાત હતી. આ અનુભવ વિશે વાત કરતા મિત્તલ કહે છે કે, 'શરૂઆતના દિવસો મારા માટે ખૂબ જ કપરા હતા. હું અનેક વસાહતોમાં સવારથી સાંજ બેસી રહેતી પણ મને કોઈ જ માહિતી ન મળતી. ક્યારેક અપમાન પણ થતું. કારણ કે તેઓ મને સ્વીકારી નહોતા શકતા. જે-તે વસાહતના મુખિયા સાથે જો મારે મુલાકાત થાય તો તે મને અઢળક સવાલો પૂછતા. હું તેમનો જવાબ આપું અને જો તેમને સંતોષ થાય તો તેઓ મને માહિતી આપતા. અનેક વાર એવું પણ બન્યું કે મને કોઈ જ માહિતી ન મળે. પણ મેં હાર ન માની, અને તેમની પાસે વારંવાર જવા લાગી. જે બાદ તેમને પણ મારા પર વિશ્વાસ આવ્યો અને હવે તો મને લાગે છે હું પણ તેમાંની જ એક છું.'

આ સાથે જ મિત્તલ પટેલ સામે એક પડકાર હતો પરિવારને મનાવવાનો. તેમના પરિવારનું કહેવું હતું કે તેઓ ઈચ્છે તો તેમને નાણાંકીય સહાય કરી શકે છે પરંતુ આવા લોકોની વચ્ચે જઈને તેમણે કામ ન કરવું જોઈએ. પરંતુ મિત્તલનો દ્રઢ નિશ્ચય જોઈને પરિવાર પણ તેમનો સાથ આપવા માંડ્યો.

'ઓળખ અપાવવી હતી કઠિન'
મિત્તલ પટેલે જ્યારે આ સમુદાયને નજીકથી જોયો ત્યારે તેમને લાગ્યું કે આ સમુદાયને સૌથી વધારે જરૂર છે ઓળખની. ગુજરાતમાં આવા પ્રકારની કુલ 40 જાતિઓ છે. જેમાંથી ઘણી-બધી તો સરકારી ચોપડે નોંધાયેલી પણ નહોતી. મિત્તલ પટેલે સૌથી પહેલું કામ તેમને ચોપડે નોંધાવવાનું કર્યું. અને તેમને ઓળખ કાર્ડ અપાવવાનું કર્યું. આ માટે તેમણે અથાગ પ્રયાસો કર્યા.અને તેઓ તેમાં સફળ પણ થયા.

પઠામડા ગામના લોકો સાથે મિત્તલ પટેલ(તસવીર સૌજન્યઃમિત્તલ પટેલ ફેસબુક)

મિત્તલ પટેલ આટલાથી ન અટક્યા. તેમણે આ સમુદાયના લોકોને પગભર કરવા માટે તેમને તાલિમ આપી. તેમને લોન આપી. વિચરતી જાતિના આ લોકો લોન પાછી આપવામાં કેટલા પાક્કા છે તે જણાવતા મિત્તલ પટેલ કહે છે કે, 'અત્યાર સુધીમાં તેમણે અનેક લોકોનો લોન આપી છે. હપ્તા તેઓ તેમની સ્થિતિ પ્રમાણે નાના કે મોટા રાખે. ક્યારેક હપ્તો વહેલો-મોડો પણ આવે પરંતુ આજ સુધી એક એવો કિસ્સો નથી બન્યો જેમાં લોકોએ તેમની લોન ભરપાઈ ન કરી હોય.' આ બાબતમાં આ લોકો કહેવાતી સભ્ય જાતિના લોકો કરતા ઘણાં આગળ છે.

'ગેરમાન્યતાઓ દૂર કરવાની જરૂર'
વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને લઈને અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. સામાન્ય રીતે આવા લોકોને ચોર, લૂંટારા જ ધારી લેવામાં આવતા હોય છે. પરંતુ એક દાયકા કરતા વધુ સમયથી તેમની સાથે કામ કરી રહેલા મિત્તલ પટેલ કહે છે કે, 'આ લોકો વિશે સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ છે. જેને દૂર કરવાની જરૂર છે. આ લોકો પહેલા મને ભલે સ્વીકારી નહોતા શકતા, પરંતુ મારું સ્ત્રી તરીકેનું સન્માન તેમણે હંમેશા જાળવ્યું છે. તેમની સમાજ વ્યવસ્થા પણ આપણા કરતા સારી છે. અહીં છૂટાછેડા થતા જ નથી. સ્ત્રીઓને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. આટલા સમયમાં મને ક્યારેય કોઈ કડવો અનુભવ નથી થયો. ક્યારેય મારું વાહન ખરાબ થાય અને મારે ક્યાંક કદાચ આશરો લેવાનો થાય તો હું કોઈ બંગલામાં રહેવા કરતા આ લોકો વચ્ચે રહેવાનું પસંદ કરીશ'
મિત્તલ પટેલને આ લોકો તરફથી અઢળક પ્રેમ પણ મળ્યો છે. મિત્તલ પટેલ કહે છે કે જો તેમને ખબર પડે કે મારું સ્વાસ્થ્ય સારું નથી તો તેઓ મારા માટે માનતાઓ રાખે છે. હું ક્યારેય પણ તેમની વચ્ચે જાઉં તો મને કાંઈક ને કાંઈક આપીને મોકલે છે. મને પોતાનામાંથી એક ગણે છે. અને એટલું જ સન્માન આપે છે. મિત્તલ પટેલ સમુદાયના બાળકોને ભણાવવા માટે પણ અનેક પ્રયાસો કરે છે. તેમને આશ્રમ શાળામાં દાખલ કરાવી ફરજિયાત ભણાવે છે. જેથી તેઓ સારું જીવન જીવી શકે.

રાષ્ટ્રપતિના હસ્તે મળ્યું સન્માન

મિત્તલ પટેલનું કહેવું છે કે આ સમાજના લોકોનો પણ આપણે સ્વીકાર કરવાની જરૂર છે. તેઓ પણ સ્વમાન સાથે જીવી શકે, તેમને પણ રોટી, કપડાં, મકાન જેવી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવા મારા પ્રયાસો છે. આ કામ થતા હજુ દાયકાઓ વીતિ જશે. પણ જો આપણે સહિયારા પ્રયાસો કરી શકીશું તો તેમને સારું જીવન મળી શકશે. મારી ઈચ્છા તેમના માટે એક અત્યાધુનિક શાળા ખોલવાની ઈચ્છા છે. સાથે જ એક મ્યૂઝિયમ પણ જેમાં તેમની સંસ્કૃતિથી સચવાઈ શકે.

મહિલા દિવસ પર મિત્તલ પટેલનો સંદેશ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2018ના મિત્તલ પટેલને રાષ્ટ્રપતિએ નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કર્યા. નારીની શક્તિને મિત્તલ પટેલે ખરા અર્થમાં સાર્થક કરીને બતાવી છે. નારી ધારી લે તો શું કરી શકે છે મિત્તલ પટેલે કરીને બતાવ્યું છે. તેમણે એવા સમાજને અપનાવ્યો છે, તેમને મમતાથી સીંચ્યો છે જેમનાથી લોકો દૂર ભાગે છે. મિત્તલ પટેલ કહે છે કે, આપણા સમાજ કરતા આ લોકો વધારે સારી રીતે મહિલાઓનું સન્માન કરે છે. તેમના સ્વમાનને સાચવે છે. આપણે તેમની પાસેથી એ શીખવાની જરૂર છે. સાથે જ તેમનાથી દૂર ભાગવા કરતા તેમને અપનાવવાની જરૂર છે. તેમને માન આપવાની જરૂર છે. જેથી તેઓ પણ સમય જતા સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે.

gujarat ahmedabad