શિવજીનાં મુખ્ય પાંચ કાર્યો જે તેઓ સતત કરતા રહે છે

11 September, 2026 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંચમુખી મહાદેવનાં પાંચ મુખમાંથી ૐકારનું પ્રાગટ્ય થયું હોવાનું કહેવાય છે. શિવનાં પાંચ કાર્યો સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ છે. શિવ-શિવા એક જ તત્ત્વનાં બે સ્વરૂપ હોવાનું સમજાવવામાં આવ્યું છે.

પંચમુખી મહાદેવ

ગયા વખતે તમને કહ્યું એમ ૐ મહાદેવનાં પંચમુખ છે. પંચમુખી મહાદેવનું એક મુખ પૂર્વમાં છે તો એક દક્ષિણમાં અને એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં અને એક મધ્યમાં છે. ઉત્તરવાળા મુખમાંથી અકાર પ્રગટ થયો. પશ્ચિમવાળા મુખથી ઉકાર પ્રગટ થયો. દક્ષિણવાળા મુખમાંથી મકાર પ્રગટ થયો અને પૂર્વવાળા મુખમાંથી બિંદુ અર્ધમાત્રા ૐકારની ઉપર જે અર્ધમાત્રા હોય છે એ પ્રગટ થઈ. આ રીતે શિવલિંગના જે પાંચ મુખના ભાવ છે એનાથી પ્રણવનું પ્રાગટ્ય થયું. આ જ શિવજીનાં પાંચ કાર્યો છે.
આ પાંચમાંથી પહેલું કાર્ય છે સૃષ્ટિ તો બીજું કાર્ય છે સ્થિતિ-નિર્માણ. ત્રીજા નંબરનું શિવનું કાર્ય છે સંહાર, જ્યારે ચોથા નંબરનું કાર્ય છે તીરોભાવ અને પાંચમું, અંતિમ કાર્ય છે અનુગ્રહ.
એ નિર્ગુણ, નિરાકાર, પ્રત્યક, ચૈતન્યાભિન્ન બ્રહ્મ જે શિવજીના નામથી ઓળખાય છે તે આ સૃષ્ટિનું કારણ છે. એટલે આ સૃષ્ટિ બનાવનારા જે ઉદ્ભવ કરે છે એને કાર્ય કહે છે અને આ સૃષ્ટિનું પાલન કરવું એને સ્થિતિ કહે છે. 
એક સમય આવે છે કે સૃષ્ટિનો વિનાશ કરી દે છે મહાદેવ અને એટલે જ મહાદેવને પ્રલયંકર પણ કહે છે. શિવજીનું સંહાર કરનારું જે સ્વરૂપ છે એનું નામ રુદ્ર છે અને તિરોભાવરૂપી કાર્ય કરનારું જે સ્વરૂપ છે એને મહેશ્વર કહે છે, પરંતુ અનુગ્રહ કરનારું જે સ્વરૂપ છે એ શિવ છે.
શિવજીની કૃપાથી જ બ્રહ્મા સૃષ્ટિરૂપ કાર્ય કરે છે, વિષ્ણુ સ્થિતિરૂપ કાર્ય કરે છે અને શિવજીના જ વિભૂતિરૂપ રુદ્ર સંહારરૂપ કાર્ય કરે છે. શિવજીના વિભૂતિરૂપ મહેશ્વર તિરોભાવનું કાર્ય કરે છે, પણ અનુગ્રહ તો ફક્ત શિવજી જ કરે છે. એટલા માટે શિવજી મોક્ષદાતા છે.
શિવ અને શિવા બન્ને જોવામાં અલગ છે, પરંતુ હકીકતમાં તો એક જ છે. જે રીતે વાણી અને એનો અર્થ ભિન્ન હોવા છતાં અભિન્ન છે. આપણે બોલીએ છીએ અને પછી કહીએ છીએ કે મારા કહેવાનું તાત્પર્ય એવું નહોતું. વાણી અને એનો અર્થ ભિન્ન હોવા છતાં અભિન્ન છે.
પાણી અને પાણીમાં ઊઠનારા તરંગો કહેવામાં તો બે છે, પરંતુ હકીકતમાં એક જ છે. એમ જોવામાં તો શિવ અને શિવા બન્ને અલગ છે, પરંતુ હકીકતમાં એક છે. શિવ અને પાર્વતી આ જગતનાં માતા-પિતા છે. શિવ અને ભવાની જ સંપૂર્ણ સૃષ્ટિનાં માતા-પિતા છે જે આ સૃષ્ટિના આદિનું કારણ છે. કારણનું કારણ કોણ છે? જેનું કોઈ કારણ નથી એ વાસ્તવિક કારણ છે એટલે શિવને ઉત્પન્ન કરનાર કોઈ નથી.

-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

culture news shiva hinduism indian mythology religion lifestyle news life and style