12 September, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પંચમ દિવસ એટલે વૈરાગીથી વીતરાગી અને મહાયોગીથી અયોગી બની, સિદ્ધત્વને પ્રાપ્ત કરનાર તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામીના જન્મવાંચન દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરવાનો પાવન અવસર! પ્રભુની પ્રેરણાને સ્વયંનો સંકલ્પ બનાવીને સિદ્ધ સંકલ્પ બનાવવાનો પુરુષાર્થ કરવાની પાવન પળ!
શ્રેષ્ઠતા ક્યારેય રાતોરાત નથી સર્જાતી! વર્ષોનાં વર્ષો અને ભવોના ભવોની સાધના હોય ત્યારે શ્રેષ્ઠતા સર્જાય છે. શ્રેષ્ઠ તત્ત્વ જ્યારે આંખો સમક્ષ હોય ત્યારે સામાન્ય આંખો એમને સામાન્યરૂપે જોવાનો મિથ્યા પ્રયાસ કરતી હોય છે.
મહાવીર ભગવાન મહાવીરસ્વામી બન્યા કેવી રીતે?
ક્ષત્રિયકુંડના રાજકુમાર વર્ધમાનના આત્માએ ગણતરીના ૨૭ ભવ પહેલાં એક નાનકડા સંકલ્પ દ્વારા ભગવાન બનવાનું બીજ વાવ્યું હતું અને તેમની આત્માથી પરમાત્મા બનવાની આત્મયાત્રાનો પ્રારંભ થયો હતો.
એ ભવમાં પ્રભુનો આત્મા એક કઠિયારો હતો અને તેમણે સંકલ્પ કર્યો હતો, ‘જમાડ્યા વિના જમીશ નહીં!’
એક દિવસ જંગલમાં સખત ભૂખ લાગી હતી પણ ક્યાંય સુધી કોઈ અતિથિ મળ્યા નહીં, પણ તેમણે તેમનો સંકલ્પ તોડ્યો નહીં અને ભૂખને સહન કરીને સહનશીલતાના ગુણને પ્રગટ કર્યો. એ ભવમાં પ્રભુમાં અર્પણ કર્યા વિના ભોજન ગ્રહણ ન કરવાની શુભ ભાવના હતી, સંવિભાગની ભાવના હતી.
`મારા સુખમાં સહુનો ભાગ’ એ ભાવનાની શ્રેષ્ઠ અનુભૂતિને કહેવાય છે સંવિભાગ!
જે સ્વયંનું વિચારે તે સ્વાર્થી હોય.
જે સર્વનું વિચારે તે સંવિભાગી હોય.
ભગવાન મહાવીર જનમ-જનમના સંવિભાગી હતા.
સંવિભાગી હોય તે જ સ્વયંના પરિગ્રહને છોડી શકે.
સંવિભાગી હોય તેને સ્વયંના સુખ કરતાં સર્વના સુખની હિતચિંતા હોય.
તમારી સેલ્ફને પૂછો,
આજે સવારે બ્રેકફાસ્ટ કરતી વખતે શું તમને યાદ આવ્યું હતું કે કોઈ સંત-સતીજી પધારે તો મારે તેમને વહોરાવવું છે?
શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે મારે જમતાં પહેલાં કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું છે? કબૂતરને ચણ આપીને અથવા કીડીઓનું કીડિયારું પૂરીને પણ બ્રેકફાસ્ટ કરી શકાયને?
ભોગી હોય તેને કોઈ યાદ ન આવે અને સંવિભાગી હોય તે ભોજન કરાવ્યા વિના ભોગ ન વાપરે.
કઠિયારાએ ભરતડકામાં ક્યાંય સુધી પ્રતીક્ષા કરી અને જ્યારે બે મુનિઓને આવતા જોયા ત્યારે અત્યંત અહોભાવથી તેમને ભોજનના પદાર્થ અર્પણ કર્યા અને તેમને માર્ગ બતાવ્યો, પછી ભોજન કર્યું.
એ દિવસથી ભગવાનના આત્માના ત્યાગના, અર્પણતાના, સહનશીલતાના અને સંકલ્પને સિદ્ધ બનાવવાનાં બીજ વવાઈ ગયાં. જમાડીને જમવાના એક નાનકડા સંકલ્પે એક અસામાન્ય તીર્થંકર બનવાનું સર્જન કરી દીધું.
જેમ એક નાનકડા બીજમાં એક વટવૃક્ષ બનવાની ક્ષમતા હોય છે એમ એક નાનકડો સંકલ્પ પણ તીર્થંકર પરમાત્મા બનાવી શકે છે.
જે સંકલ્પની ઉપેક્ષા કરે છે તે સંકલ્પને ભૂલી જાય છે. ઘણા એવા પણ હોય છે જે સંકલ્પ તો કરે છે, સંકલ્પને ભૂલી પણ જાય છે અને એ ભૂલી જવાની ભૂલનો સ્વીકાર ન કરવાની બીજી મોટી ભૂલ કરે છે.
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ભૂલનો એકરાર કરવા માટે હોય છે. આજે પ્રભુ સમક્ષ એકરાર કરી લો, પ્રભુ! સંકલ્પ તો ઘણા કર્યા છે પણ સહનશીલતાના અભાવે અને સુખબુદ્ધિના કારણે એને ઇગ્નૉર કર્યા છે. સ્વાર્થના કારણે સંકલ્પ યાદ નથી આવતા અને સંકલ્પ ન પાળી શકવાનો અફસોસ ન થવાના કારણે સંકલ્પની ઉપેક્ષા કરી છે. પ્રભુ! આપે ભૂખ-તરસ સહન કરીને પણ સંકલ્પથી સિદ્ધત્વ સુધીની આત્મયાત્રા કરી, આત્માને પરમાત્મા બનાવી દીધો! પ્રભુ! આજે મારી ભૂલોનો એકરાર કરી, આપની સાથે એકાકાર થવા એક કરાર કરું છું, આજથી હું મારા સંકલ્પને સિદ્ધ સંકલ્પ બનાવીશ!
દરેક નાનું પગથિયું શિખર સુધી પહોંચવામાં સહાયરૂપ હોય છે. એક નાનકડો સંકલ્પ પણ આત્માને પરમાત્મા બનાવી શકે છે.
આજે ભગવાન મહાવીરનો માત્ર જયજયકાર નથી કરવો, ભગવાનના જીવનમાંથી પ્રેરણા લઈને ભગવાન જેવા બનવાનો એક દૃઢ સકંલ્પ કરવાનો છે.
જો મારા ભગવાન મહાવીર સંવિભાગી હતા તો હું એકલો ભોગી કેવી રીતે હોઈ શકું? મારે પણ સંવિભાગી બનવું છે.
આજથી સકંલ્પ કરો, હું જ્યારે-જ્યારે ભોજન કરીશ ત્યારે-ત્યારે સંવિભાગની શુભ ભાવના ભાવીશ. મારે કોઈને જમાડીને
જમવું છે.
જો હું સ્વયં દિવસમાં ૩ ટાઇમ જમું છું તો હું દિવસમાં એક ટાઇમ તો કોઈને જમાડી શકુંને? પછી ચાહે તે પક્ષી હોય કે પશુ હોય, માનવી હોય કે નાનકડી કીડી હોય. કોઈ ન મળે તો ઘરની બારી પર ક્યાંક એક સાકરનો ટુકડો મૂકી દો. કોઈ માખી કે કીડીને ભોજન મળી જશે અને તમે તમારા સકંલ્પનું નિષ્ઠાપૂર્વક પાલન કરી શકશો.
ભગવાન મહાવીરનો બીજો સકંલ્પ હતો, સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ!
ભગવાનને સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ હતો એટલે ભગવાનને કોઈ ગમતું કે કોઈ અણગમતું નહોતું.
જેમનો ચહેરો હસતો હોય, જે વ્યક્તિ તમને ગમતી હોય, તેની પાસે તો તમે હસતાં-હસતાં જાઓ; પણ જેણે તમારું ઇન્સલ્ટ કર્યું હોય, તમારા પર ક્રોધ કર્યો હોય, તમને ઇગ્નૉર કર્યા હોય ત્યાં તમને જવાનું કહે તો ત્યાં તમને જવાનું ગમે? ત્યાં તમે જાઓ? ના!
ભગવાન મહાવીર તો જેની આંખોમાથી ઝેર નીકળતું હતું એવા પૉઇઝન્યસ દૃષ્ટિવિષ ચંડકૌશિક સર્પ પાસે પણ સામેથી જાય છે. ઝેર વરસાવતી સર્પની આંખો સામે પ્રભુની પ્રેમની, કરુણાની એવી વર્ષા થાય છે કે અત્યંત ક્રોધિત સર્પ પણ શાંત થઈ જાય છે.
હસતા ચહેરાવાળી વ્યક્તિ સાથે હાથ મિલાવવા બધા જઈ શકે, પણ ઝેર વરસાવતી આંખો સામે જઈ પ્રેમ વરસાવવો એ કરુણા હતી ભગવાન મહાવીરની! આવી કરુણા જેનામાં આવે તે ભગવાન મહાવીરના ભક્ત હોય!
ગમતાની પાસે જવું એ તો સંસારનો સામાન્ય વ્યવહાર છે, અણગમતાની પાસે જઈને તેના પર વાત્સલ્ય વરસાવવું એ ભગવાન મહાવીરના અંશ અને વંશનો વ્યવહાર છે.
પ્રિયની નજીકમાં જઈ પ્રિયતા બતાવવી એ સામાન્ય વાત છે, પણ દોષીની નજીકમાં જઈને આત્મીયતા દર્શાવવી એ અસામાન્ય વાત છે.
ભગવાન મહાવીર જન્મવાંચન અવસરે માત્ર ભગવાનના જીવનનું વાંચન જ નથી કરવાનું. તેમની જીવનશૈલીમાંથી કોઈ બે સંકલ્પોનો સ્વીકાર કરી, એ સંકલ્પોનું નિષ્ઠાપૂર્વક પાલન કરી, એ સંકલ્પને સિદ્ધ કરવાનો પુરુષાર્થ કરવાનો છે.
ભગવાનની જીવનશૈલી પર આત્મચિંતન કરી, એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી, ભગવાન જેવા બનવાનો સંકલ્પ કરવો એ આ દુલર્ભ મનુષ્યભવનું શ્રેષ્ઠ કર્તવ્ય છે.
સંકલ્પસિદ્ધિનો પુરુષાર્થ પર્યુષણ પર્વને સાર્થક કરીને પ્રભુ સાથે એકાકાર કરાવશે.
- રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ