આત્મશુ‌દ્ધિમાં લેબલ કરતાં લેવલ અ‌તિ જરૂરી છે

16 September, 2026 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્ષમાપના પાયાની જરૂ‌રિયાત છે. ક્ષમા‌વિહોણું જીવનનો તો રણ જેટલુંય ર‌ળિયામણું નથી લાગતું. રણમાંય રાત પડ્યે રેતીનો સુંવાળો અને શીળો-શીળો સ્પર્શ સાંપડે છે

પૂ. ધીરજમુનિ મ.સા.

પર્યુષણ પર્વ એટલે...

આત્મજાગૃ‌તિનું પર્વ! અંતર‌નિરીક્ષણનું પર્વ! અ‌હિંસાપાલનનું પર્વ! સમ્યગ્ જ્ઞાન પ્રગટાવનારું પર્વ! સમ્યગ્‍દર્શનને દર્શાવનારું પર્વ! સમ્યક્‍ચ‌રિત્રને ચખાડનારું પર્વ! પ્રાણીમાત્રને પ્રેમનો પૈગામ આપતું પર્વ! વેર-‌વિખવાદનાં ઝેરી બંધન કાપતું પર્વ! જીવનની સરગમ પર સ્નેહના સૂર છેડતું પર્વ! જાતમાં જીવવાની રીત બતાડતું પર્વ! સૌના પ્રત્યે આંતરપ્રીત જગાડતું પર્વ! પર્વોની દુ‌નિયામાં સોહામણું પર્વ! ‌હિંસાની આગને ઠારતું પર્વ!

આવો, આપણે હેતપ્રીતનાં તોરણ બાંધતા અને તૂટેલા ‌‌દિલોના તારોને સાંધતા આ પુ‌નિત અને પ્રભાવી પર્વને વધાવીએ. આ મહાપર્વની પાવન પળોની પૂર્ણાહુ‌તિ પર ક્ષમાપના કરીને હળવાફૂલ બનીએ.

ક્ષમાપના પાયાની જરૂ‌રિયાત છે. ક્ષમા‌વિહોણું જીવનનો તો રણ જેટલુંય ર‌ળિયામણું નથી લાગતું. રણમાંય રાત પડ્યે રેતીનો સુંવાળો અને શીળો-શીળો સ્પર્શ સાંપડે છે… જ્યારે ક્ષમા વગરના જીવનમાં તો નર્યા વેરની આગ ધગધગે છે. ભૂલ થઈ કે નથી થઈ, માફી માગી લેવામાં નાનપ નથી! ઝૂકવામાં જરીયે ઝાંખપ નહીં લાગે! ઊલટું સામેની વ્ય‌ક્તિનું ‌દિલ તમે જીતી લેશો?

જગતના સર્વ જીવાત્મા સાથે મૈત્રીનો નાતો બાંધવા માટે આપણા ધર્મગ્રંથો આપણને ઉપદેશે છે, આદેશ છે ત્યારે કમસે કમ જેની સાથે જીવીએ છીએ, જેની સાથે રહીએ છીએ એ સર્વની સાથે તો મૈત્રી રાખીએ!

મૈત્રીનો પ્રારંભનિજથી કરો!

મૈત્રીની શરૂઆતનિજથી કરો!

જગતમાં કેટલાક સાધક/શ્રોતા પર્વત જેવા – વરસાદ પડે પણ પલળે નહીં! કેટલાક રેતી જેવા – નદીકિનારે રેતી વરસાદ-પાણીનાં મોજાંથી ભીની થાય, પાછી સુકાઈ જાય! કેટલાક કાળી માટી જેવા – ભીતરમાં ઊતરીને એકમેકના બની જાય!

આજે સંવત્સરીનો સંદેશ છે કે વેરઝેર ભૂલીને એકમેક બની જાઓ.

‌‌સિતારે હઝાર હોતે હૈં

ચાંદ જૈસા કોઈ નહીં.

પર્વ બાર બાર આતે હૈં.

પર્યુષણ જૈસા કોઈ નહીં.

જીવનમાં માત્ર ‘લેબલ’ની ‌ચિંતા ન કરો. હું મોટો છું, ભૂલ નાનાના હતી, મારે શા માટે ક્ષમાપના કરવી? પ્રભુ મહાવીર કહે છે – ભૂલ ગમે તેની હોય જે ક્ષમાપના કરે છે, ખમાવે છે તેનું ‘લેબલ’ સાચું કહેવાય છે. જીવન ભ‌ક્તિમય બનાવો, ‌વિચારોની શુદ્ધિ થયા ‌વિના રહેશે નહીં. પ્રભુ મહાવીરની ધર્મસભામાં જા‌તિ-વેર ભુલાઈ જાય છે. ‌સિંહની બગલમાં બકરી શાં‌તિથી બેસીને પ્રભુની વાણી સાંભળતી હોય છે. આજનો માનવી કામ ઘણાં કરે છે પણ ‌દિલના ભાવોની, ‌વિચારોની શુદ્ધિના અભાવે સુખી બની શકતો નથી.

યાદ રખના હી જીવન મેં

સબકુછ નહીં હૈ,

ભૂલ જાના ભી બડી બાત

હુઆ કરતી હૈ.

ક્ષમા માણસના હૃદયને સ્પર્શે છે, સજા માણસના શરીરને સ્પર્શે છે. નાની વાતોને મોટી ન કરો, એનાથી તમારી ‌જિંદગી નાની થઈ જશે.

અરે! એવું પણ બને કે સામેવાળો કહી દે કે તમે ભલે મને ખમાવો છો, હું તમને ખમાવતો નથી! જરાય ‌ચિંતા કરશો નહીં. જે ખમાવે છે તે આરાધક બની જાય છે. આપણે હળવાફૂલ થઈ જવાનું છે.

પ‌તિ જમવા બેઠો અને પત્નીને કહે છે કે બા જેવી રોટલી આવડતી નથી!

પત્નીએ જવાબ આપ્યો કે બા જેવી રોટલી ખાવી હોય તો બાપુજી જેવો લોટ બાંધતાં શીખી જાઓ!

આ સાંભળીને પ‌તિએ ગુરુદેવ પાસે જઈને યાવત્ જીવન જમતી વખતે બોલવું નહીં એવી પ્રતિજ્ઞા કરી લીધી!

દુશ્મનાવટ રાખીને મારે ભવ બગાડવો નથી, મારે ભાવ બગાડવા નથી, મારે ભા‌વિ બગાડવું નથી. જીભને શુગર ફૅક્ટરી અને મગજને આઇસ ફૅક્ટરી બનાવો. માનવીને પાવન કરે અને આત્માને પવિત્ર કરે તે પર્વ છે.

તીર્થમાં જવું પડે, પર્વ સામેથી પધારે છે. માત્ર ભેગા થવું એ પ્રસંગ કહેવાય, પરંતુ એકમેક થઈ જવું એને પર્વ કહેવાય છે.

જીભનાં ત્રણ કામ છે : (૧) બોલવું અને બગાડવું (૨) ખાવું અને ખોદવું (૩) વખાણવું અને વખોડવું. આપણે શું કરીએ છીએ?

મુખને ‌તિજોરી બનાવવી કે Dustbin બનાવવું એ તમારા હાથની વાત છે. જેની જીભ નાની તેનું કામ મોટું અને જેની જીભ લાંબી તેની ‌જિંદગી ટૂંકી.

પહલે સોચો ‌ફિર બોલો!

આખા મહાભારતના યુદ્ધનું કારણ માત્ર ને માત્ર ‘અંધે જાયા અંધા’ છે. દ્રૌપદીના મુખમાંથી નીકળેલા ૩ શબ્દોએ ૧૮ ‌દિવસના મહાભારતનું સર્જન કરાવીને લાખો લોકોને મૃત્યુના ઘાટે ઉતારી દીધા.

જીભને બુલડોઝર નહીં પણ પાણીનો કુંજો બનાવો. બુલડોઝર ઉખેડવાનું અને પાણીનો કુંજો ઉગાડવાનું કામ કરે છે. આટલું સમજાય તોય પર્યુષણ પર્વ સફળ બન્યા ‌વિના રહેશે નહીં. સંત્વસરી પ્ર‌તિક્રમણ કરી ‘ખામે‌મિસવ્વે જીવા, સવ્વે ‌જિવા ‌વિ ખમતું મેં’ના નાદે ભાવથી ક્ષમાપના કરજો. ‌‘મિડ-ડે’ દૈ‌નિક અખબારના માધ્યમથી પર્વાધિરાજ પર્યુષણનો પૈગામ લેખમાળાના કોઈ શબ્દોથી દુખ લાગ્યું હોય તો ‌મિચ્છા ‌મિ દુક્કડં.

- પૂ. ધીરજમુનિ મ.સા.

lifestyle news life and style culture news paryushan jain community gujaratis of mumbai festivals