મારો એકરાર... પરિગ્રહને બનાવીશ પુણ્ય પરિગ્રહ!

11 September, 2026 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે તેની કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પ્રથમ કોઈના પર બ્લેમ કરે અને પછી પોલીસ-કમ્પ્લેઇન કરે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ હૃદયપરિવર્તનનો અમૂલ્ય અવસર છે. પર્યુષણ એ ગુરુના સાંનિધ્યમાં સત્યની સમજ પ્રાપ્ત કરી, ભૂલોનો એકરાર કરીને હૃદયને સ્નાન કરાવવાનો શુભ અવસર છે.

પર્યુષણના ચતુર્થ દિવસે ‘પરિગ્રહ’ની અનુપ્રેક્ષા કરી, ઇન્ટ્રોસ્પેક્શન કરી, પરિગ્રહના આગ્રહનો પ્રભુ સમક્ષ એકરાર કરીને પરિગ્રહને પુણ્ય પરિગ્રહ બનાવવાનો કરાર કરવાનો છે.

પરિગ્રહ એક એવો ગ્રહ છે જે ‘રાહુ’ જેવો ગ્રહ બનીને નડી પણ શકે છે અને ‘ગુરુ’ જેવો ગ્રહ બનીને ઉન્નત પણ બનાવી શકે છે.

પરિગ્રહનો સમ્યક્ ઉપયોગ એટલે પરમાર્થની શુભ ભાવના અને અર્પણતાનું શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવાની પુણ્યશાળી તક! પરિગ્રહનો અસમ્યક્ ઉપયોગ એટલે સ્વાર્થની ભાવના અને સ્વયંના સુખ માટે સંપત્તિનો ઉપયોગ કરવો!

સંપત્તિનો ઉપયોગ જ્યારે માત્ર ને માત્ર સ્વયંના સુખ માટે જ થાય છે ત્યારે એ સંપત્તિ અસૂરી કહેવાય છે અને પાપનો બંધ કરાવે છે.

સંપત્તિ જ્યારે અન્યને સુખી કરવા માટે, અન્યનાં દુઃખ દૂર કરવા માટે, ધર્મ માટે અર્પણ થાય ત્યારે એ પુણ્યનો બંધ કરાવે છે.

પરિગ્રહનો નિયમ હોય છે, જો એ સૂરી હોય તો તમને સુખી કરે અને અસૂરી હોય તો તમને દુઃખી કરે.

સંપત્તિ જો ભાગ્યની હોય તો સૌભાગ્ય વધારે અને ભાગ્યની ન હોય તો છીનવાઈ જાય.

પરિગ્રહ હંમેશાં નખ જેવો હોય છે.

નખ જ્યારે વધી જાય ત્યારે એને કટ ન કરીએ તો સ્વયંને જ વાગે, એમ સંપત્તિ જ્યારે સ્વયંની જરૂરિયાતથી વધારે હોય અને એનો ઉપયોગ અન્યને સુખી કરવા માટે ન થાય તો એ સંપત્તિ ક્યારેક સ્વયંની પીડાનું કારણ બની જાય, એ સંપત્તિ હૉસ્પિટલમાં કે સંતાનો દ્વારા અયોગ્ય માર્ગે પણ વપરાઈ શકે છે.

કેટલાક પરિગ્રહ આપણી પીડાને વધારે અને કેટલાક પરિગ્રહ પરમાર્થ કરાવીને પુણ્યને વધારે!

આજ સુધી શું કર્યું છે? સંપત્તિનો પરિગ્રહ કર્યો છે કે એ સંપત્તિમાંથી પુણ્ય ઉપાર્જન કર્યું છે?

પરિગ્રહ જેને ડંખે તે જ પરિગ્રહને પુણ્ય પરિગ્રહ બનાવી શકે.

પરિગ્રહ માત્ર સંપત્તિનો ન હોય. પરિગ્રહ લાગણીનો હોય, ઇચ્છાનો હોય, વસ્તુઓનો હોય, પદનો હોય, પ્રતિષ્ઠાનો હોય... અનેક પ્રકારના પરિગ્રહ હોય અને એ પરિગ્રહ જ અહંકાર અને ઈર્ષ્યા નામના દોષોને જન્માવે છે અને આત્માને ભુલાવે છે. આજે પરિગ્રહ ભાવોની અનુપ્રેક્ષા કરતાં-કરતાં, પ્રભુ સમક્ષ વિનયભાવે વંદન કરીને સર્વ પ્રકારના પરિગ્રહ ભાવોનું तस्स भंते, पडिक्कमामि, निंदामि, गरिहामि અને अप्पाणं वोसिरामि કરી દો; એકરાર કરતાં-કરતાં હૃદયને પસ્તાવાના જલથી સ્નાન કરાવીને શુદ્ધ કરી દો.

પરિગ્રહને પુણ્ય પરિગ્રહ કેવી રીતે બનાવી શકાય?

જગતમાં ૩ પ્રકારની વ્યક્તિઓ હોય.

  1. જ્યારે તેની કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પ્રથમ કોઈના પર બ્લેમ કરે અને પછી પોલીસ-કમ્પ્લેઇન કરે.
  2. જ્યારે તેની કોઈ વસ્તુ ખોવાઈ જાય ત્યારે ભાવના ભાવે કે જેની પાસે હોય તેનું ભલું થાય, તે સુખી થાય.
  3. ત્રીજા પ્રકારની વ્યક્તિ પ્રભુને પ્રાર્થના કરે કે જે વસ્તુ મારી પાસે હોય એ મારા કરતાં એની જેને વધારે જરૂર હોય તેને પ્રાપ્ત થજો.

ચેક યૉરસેલ્ફ... તમે કઈ કૅટેગરીમાં આવો છો?

એક દિવસ એક કાર્પેન્ટરને ઇન્ડિયાથી આફ્રિકાના રિમોટ વિલેજમાં ટ્રાન્સફર થયેલા ડૉક્ટરના ઘરનો સામાન પૅક કરીને પાર્સલ કરવાની ડ્યુટી મળી હતી. કાર્પેન્ટર ભાઈ બધાનું ભલું થજો... બધાનું ભલુ થજો... એવા શુભ ભાવ સાથે સામાન પૅક કરતા હતા. બધો સામાન પૅક થઈ ગયો અને તેમણે આફ્રિકા પાર્સલ કરાવી દીધો.

થોડી વાર પછી તેને સ્પેક્સની જરૂર પડી. આસપાસ દરેક પૉસિબલ પ્લેસિસમાં જોયું, પણ ક્યાંય સ્પેક્સ ન મળ્યાં.

તે ભાઈએ ન કોઈના પર આક્ષેપ કર્યો કે ન
આકુળ-વ્યાકુળ થયા. તેમણે શાંતિથી ભગવાનને પ્રાર્થના કરી, ‘ભગવાન, મારાં સ્પેક્સ મારા કરતાં જેને વધારે જરૂર હોય તેમને પ્રાપ્ત થજો!’ અને તે ભાઈ તેમના વર્કમાં બિઝી થઈ ગયા.

આ બાજુ બન્યું એવું કે આફ્રિકામાં ડૉક્ટરના સ્પેક્સ તૂટી ગયાં. રિમોટ એરિયામાં હોવાથી નવાં સ્પેક્સ લાવવાં કે મગાવવાં બહુ ડિફિકલ્ટ હતાં. એટલે તેમણે ભગવાનને પ્રાર્થના કરી, ‘ભગવાન! સ્પેક્સ વિના હું ઑપરેશન્સ કેવી રીતે કરી શકીશ અને હું નવાં સ્પેક્સ ક્યાંથી અને કેવી રીતે મગાવું એ સમજાતું નથી ભગવાન! આપ કંઈક કૃપા કરજો!’

બીજા દિવસે ઇન્ડિયાથી તેમનું પાર્સલ આવ્યું. તેમણે પાર્સલ ઓપન કર્યું. એક પછી એક વસ્તુઓ બહાર કાઢી ત્યાં તેમના હાથમાં એક સ્પેક્સ આવ્યાં. તેમણે પહેરીને જોયાં, બરાબર થઈ ગયાં, સાઇઝ અને નંબર પર્ફેક્ટ સેટ થઈ ગયાં. તેમણે ભાવથી ભગવાનનો આભાર માન્યો. એ સ્પેક્સ પહેરીને તેઓ કમ્ફર્ટેબલી એક પછી એક ઑપરેશન્સ કરવા લાગ્યા.

થોડા મહિના પછી તેઓ ઇન્ડિયા આવ્યા. એક ફંક્શનમાં તેમને જવાનું હતું. ત્યાં ગયા. થોડી વાર પછી પેલા કાર્પેન્ટર ભાઈ પણ એ ફંક્શનમાં આવ્યા. તેમની નજર ડૉક્ટરના સ્પેક્સ પર ગઈ અને તરત જ ઓળખી ગયા કે આ તો મારા સ્પેક્સ છે, કેમ કે તેમના સ્પેક્સમાં એક સ્પૉટ હતો. તેમણે ડૉક્ટરને પૂછ્યું, ‘ડૉક્ટરસાહેબ! આપની પાસે આ સ્પેક્સ ક્યાંથી આવ્યા?’

ડૉક્ટરએ પણ સરળ ભાવે કહ્યું, ‘ભગવાને મોકલાવ્યાં છે!’

જ્યારે મને સખત જરૂર હતી ત્યારે પરમાત્માની કૃપાથી આ સ્પેક્સ મારી પાસે આવ્યાં અને મેં એનાથી ૧૨૦૦થી ૧૫૦૦ જેટલાં ઑપરેશન્સ કરીને કેટલા બધાને શાતા પમાડી છે, જીવનદાન આપ્યું છે; પણ તમે મને કેમ આ પ્રશ્ન પૂછો છો?

કાર્પેન્ટર ભાઈએ કહ્યું, ‘સાહેબ, જ્યારે હું તમારો સામાન પૅક કરતો હતો ત્યારે સામાન સાથે મારાં આ સ્પેક્સ પણ પૅક થઈ ગયાં અને તમારી પાસે પહોંચી ગયાં.’

‘મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારા કરતાં જેને વધારે જરૂર હોય તેમને મળજો!’ અને ભગવાને તમારા સુધી પહોંચાડી દીધાં.

બન્ને એકબીજાને ભીની આંખે ભેટી પડ્યા અને ભગવાનનો ઉપકાર માન્યો.

હવે વિચાર કરો,

ડૉક્ટરે જે ૧૨૦૦-૧૫૦૦ ઑપરેશન્સ કર્યાં એનું પુણ્ય ડૉક્ટરને વધારે મળ્યું હશે કે કાર્પેન્ટર ભાઈને?

‘અજાણતાં પણ જ્યારે તમારો પરિગ્રહ છૂટે છે ત્યારે એ જાણીજોઈને પુણ્ય બનીને તમારી પાસે રિટર્ન આવે છે.’

જો ભાવ શુભ અને ભાવના પરમાર્થની હોય તો તમારી ખોવાયેલી વસ્તુ પણ પુણ્ય બનીને પાછી આવે છે.

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવે જ છે, હૃદયના ભાવોનું પરિવર્તન કરાવવા, તમારા નેચરને ચેન્જ કરવા માટે!

તમારો પરિગ્રહ પુણ્ય બનવો જોઈએ કે પીડા બનવો જોઈએ?

પરિગ્રહને પુણ્ય પરિગ્રહ બનાવવા પરિગ્રહનો મોહ છોડવો પડે. એક વાર પરિગ્રહનો મોહ છૂટે તો ‘હક’ અને હકનો આગ્રહ પણ છૂટી જાય છે.

જેનો ‘હક’ છૂટે છે તેના લક સવાયા થઈ જાય છે.

મળી જાય તે મજાનું... હકનું ક્યારેય માગવું નહીં. એક જ ભાવ રાખવો કે મારે મારા ભાગનું નહીં ભાગ્યનું જોઈએ છે.

પરિગ્રહ જ્યારે આગ્રહ બની જાય ત્યારે અશાંતિનું આમંત્રણ બની જાય.

જે સમજથી સમૃદ્ધ હોય તેની સંપત્તિ હંમેશાં પુણ્યના માર્ગે વપરાતી હોય.

પરિગ્રહને પુણ્ય પરિગ્રહ બનાવવાની સમજ આવી જાય તો પર્યુષણ સાર્થક થઈ જાય.

paryushan jain community namramuni maharajsaheb lifestyle news life and style culture news