✕

જે વ્યક્તિ શાંત રહી શકે છે તે જ યોગ્ય નિર્ણય લઈ શકે છે

09 November, 2026 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નાની પણ શક્તિશાળી વિધિ અપનાવવાથી જીવનમાં અણધાર્યા અકસ્માતો ઓછા થશે, સંબંધો મધુર બનશે અને સૌથી અગત્યનું આપણે આપણી જાત સાથે શાંતિથી જીવી શકીશું. 

પ્રતીકાત્મક તસવીર

અધીરતા એવી ખરાબ આદત છે જે જીતેલી બાજીને પણ હારમાં પરિવર્તિત કરી દે છે. આપણે બધા આ ખરાબ આદતના શિકાર થઈ ચૂક્યા છીએ, થઈ રહ્યા છીએ અને કદાચ ભવિષ્યમાં પણ થતા રહીશું. રોજિંદા જીવનમાં ઘણી વખત આપણને એવો અનુભવ થતો હોય છે કે જો આપણે અથવા અન્ય વ્યક્તિએ અમુક પરિસ્થિતિમાં ઉત્તેજિત થઈને પોતાના મગજ પરનો કાબૂ ન ગુમાવ્યો હોત તો કદાચ આપણને એટલું ભાવનાત્મક નુકસાન ન પહોંચ્યું હોત. ખેર, આ તો મનુષ્યનો મૂળ સ્વભાવ જ છે કે તે ઠોકર ખાધા બાદ જ એમ વિચારે છે કે ‘હું સંભાળીને ચાલ્યો હોત તો?’ વાસ્તવમાં અધીરતા કોઈ એક ક્ષણની ભૂલ નથી, એ આપણા મનમાં ઊંડે બેઠેલી એક વૃત્તિ છે. આજના ઝડપી જીવનમાં આપણને બધું તરત જ જોઈએ છે; પરિણામ, સફળતા, પ્રતિસાદ બધું જ. જ્યારે એ તરત નથી મળતું ત્યારે આપણું મન અસ્વસ્થ થઈ જાય છે. આ અસ્વસ્થતા જ અધીરાઈનું મૂળ છે.  
સાધારણતઃ આજે બધાની માન્યતા બની ગઈ છે કે ‘સંજોગો પર આપણું કોઈ નિયંત્રણ નથી, આવું બધું તો ચાલ્યા જ કરશે.’ જોકે અનુભવીઓનું માનીએ તો આ પરિસ્થિતિઓને ખૂબ જ આસાનીથી નિયંત્રણમાં રાખી શકાય છે. એ માટે આપણી ઇચ્છાશક્તિ પ્રબળ હોવી જરૂરી છે. દાખલા તરીકે આપણે બધા રસ્તો પાર કરતી વખતે સ્વાભાવિક રીતે જ થોડું અટકીને ડાબી અને જમણી તરફ જોઈને ચોક્સાઈ કરી લેતા હોઈએ છીએ કે કોઈ વાહન તો નથી આવતુંને? બરાબર એવી જ રીતે જીવનરૂપી માર્ગ પર ચાલતી વખતે આપણે દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતાં પહેલાં થોડું અટકવું જોઈએ અને પછી પ્રતિક્રિયા આપવી જોઈએ, જેથી ન તો આપણું અને ન કોઈ બીજાનું કોઈ પણ રીતે નુકસાન થાય; પરંતુ અધીરતા આપણને આ ‘અટકવાની તક’ જ આપતી નથી. પરિણામે આપણે જે કહેવું નહોતું એ કહી બેસીએ છીએ અને જે કરવું નહોતું એ કરી નાખીએ છીએ. માટે એક વાત હંમેશ માટે ગાંઠે બાંધી લેવી જોઈએ કે જ્યારે આપણે બાહ્ય પરિસ્થિતિઓને નિયંત્રિત કરવામાં અસમર્થ હોઈએ છીએ ત્યારે આપણે આપણી આંતરિક સિસ્ટમને સશક્ત કરી સ્થિર અને શાંત મનથી એ બધી બાહ્ય પરિસ્થિતિઓનો મુકાબલો કરવો જોઈએ. આ સંભવ ત્યારે થશે જ્યારે આપણી ભીતર ઊર્જાનો કોઈ સ્રોત નિર્માણ થશે અને એ સ્રોત ફક્ત ધ્યાન (મેડિટેશન) દ્વારા જ નિર્માણ થઈ શકે છે. ધ્યાન આપણને પરિસ્થિતિ બદલી આપતું નથી, પરંતુ પરિસ્થિતિ સામે આપણી દૃષ્ટિ અને પ્રતિક્રિયા જરૂર બદલી આપે છે. યાદ રહે, શાંત મન એ કોઈ કમજોરી નથી; એ તો સૌથી મોટું બળ છે. જે વ્યક્તિ શાંત રહી શકે છે તે જ યોગ્ય નિર્ણય લઈ શકે છે. દરેક પરિસ્થિતિમાં પહેલાં થોડું અટકો, વિચારો, અને પછી શાંત મનથી પોતાની પ્રતિક્રિયા આપો. આ નાની પણ શક્તિશાળી વિધિ અપનાવવાથી જીવનમાં અણધાર્યા અકસ્માતો ઓછા થશે, સંબંધો મધુર બનશે અને સૌથી અગત્યનું આપણે આપણી જાત સાથે શાંતિથી જીવી શકીશું. 

- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી

રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.

lifestyle news life and style culture news mental health