લોકોને જીવતાં આવડતું નથી, આવડતું હોય તે ક્યારેય દુખી થઈ જ ન શકે

29 May, 2024 07:53 AM IST  |  Mumbai | Morari Bapu

આજે મારા દેશનું દામ્પત્ય બગડ્યું છે. પતિનો પ્રેમ અને પત્નીનો આદર આ બન્નેનો સમન્વય થાય તો ઘેર-ઘેર રામ અવતરે

પ્રતીકાત્મક તસવીર

આજકાલનાં દામ્પત્યજીવન બગડ્યાં છે. એક વાર હું ગોવા ગયેલો ત્યારે જોયેલી ઘટના છે. એક બેન જીઝસને પગે લાગતી હતી. તેનો પતિ કહે, મને તો ક્યારેય પડે લાગતી નથી. પેલી કહે, તું પણ જીઝસની જેમ સ્તંભ પર લટકી જાય તો તને પણ પગે લાગીશ!

આજે મારા દેશનું દામ્પત્ય બગડ્યું છે. પતિનો પ્રેમ અને પત્નીનો આદર આ બન્નેનો સમન્વય થાય તો ઘેર-ઘેર રામ અવતરે. રામ એટલે વિશ્રામ, આરામ અને આંગણું ભરાઈ જાય એટલો આનંદ. દેશમાં પ્રેમ અને આદર ખૂટ્યા છે, જેના કારણે રામને જન્મ લેવો છે પરંતુ કોની કૂખે જન્મ લે? હાલમાં પ્રેમ વિસરાયો છે અને બધા લવ-લવ કરે છે. સાચો લવ જોવા મળતો નથી. જે દિવસે પતિ અને પત્ની પ્રેમ અને આદરનો સત્કાર કરતાં થઈ જશે એ દિવસે ઘરે-ઘરે રામ જરૂર પ્રગટશે. આટલી જ એક નાનકડી ફૉર્મ્યુલા છે રામને પ્રગટાવવાની. પત્ની પ્રેમની ભૂખી હોય છે અને પુરુષ સન્માનનો ભૂખ્યો હોય છે. આ એકબીજાની પૂર્તિ થાય તેના ઘેર વિશ્રામ, તેના ઘેર કાયમ રામનવમી.

પહેલાં પુરુષની ફરજ છે પત્નીને પ્રેમ આપે. તમે શરૂ કરો. એક વખત પ્રેમ આપવાનું શરૂ કરો અને ભારતની નારી તમને અનુકૂળ ન થાય એવું બને જ નહીં, પણ તમારે પ્રેમ આપવો નહીં ને અપેક્ષા જ રાખવી કે નહીં; મને અનુકૂળ... મને અનુકૂળ... એવું હવે બહુ નહીં ચાલે. ઘણુંય ચાલ્યું, હવે લાંબું નહીં ચાલે. ક્રમમાં ચાલો.

ક્રમ પ્રમાણે ચાલવું જોઈએ. આપણને અનુકૂળ પડે એમ ચાલીએ તો ન ચાલે. ક્રમ પ્રમાણે ચાલે તેને વાંધો નહીં આવે. પહેલાં પુરુષની ફરજ પત્નીને પ્રેમ આપે. જે પુરુષ પોતાની પત્નીને ખૂબ પ્રેમ આપશે એ પત્ની તેને અનુકૂળ રહેશે જ. અપવાદ હોઈ શકે પણ લગભગ દેશની માતા, બહેનો અને દીકરીઓને પ્રેમ જોઈએ છે. લાગણી અને પ્રેમ આપો, બસ. તે અનુકૂળ રહેશે. જીવન ધન્ય બનશે, પ્રસન્ન રહેશે. હું એક વાત સમજ્યો છું. લોકોને જીવતાં આવડતું જ નથી. જીવતાં આવડતું હોય તો

તમે દુખી થઈ જ ન શકો. અહીં જેટલાં ઉપકરણો સંસારમાં છે એ બધાં સુખ માટે છે. આ સૂરજ દુખી થવા, આપણે દુખી થઈએ એટલા માટે ઊગે છે? સુખ માટે ઊગે છે. ચંદ્રમા રાત્રે આકાશમાં હોય, દુઃખ આપવા માટે હોય છે? આ જે બધાં દુઃખ છે એ આપણે ઊભાં કર્યાં છે અને પછી કહીએ છીએ ક્યાંય સુખ નથી!

culture news life and style columnists Morari Bapu