28 February, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
મહા મહિનો પૂર્ણ થતાં આવતી કાલથી ફાગણ મહિનાનો શરૂ થવા જઈ રહ્યો છે. ફાગણ મહિનામાં રંગનો તહેવાર હોળી પણ આવે છે, જેથી 2025માં13 માર્ચે હોલિકા દહન અને 14 માર્ચે ધૂળેટીની ઉજવણી થશે અને તે બાદ આ જ મહિને વસંત ઋતુ પણ શરૂ થશે. માર્ચ મહિનામાં વસંત ઋતુની શરૂઆત થવાથી મન અને મગજમાં સકારાત્મક વિચારો સાથે ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળે છે. સાથે જ, વાતાવરણમાં પરિવર્તનનો સંધિકાળ થવાથી આ મહિને લોકોના ખોરાક અને ખાનપાનમાં પાન અનેક બદલાવ આવે છે, જેથી ઉનાળાની ઋતુમાં થતી બીમારીઓથી બચી શકાય છે.
હોળાષ્ટક શરૂ થતાં આ શુભ કર્યો સ્થગિત કરો
પારંપારિક હિન્દુ કેલેન્ડર એટલે કે પંચાંગ મુજબ આ વર્ષે હોળાષ્ટક 7 માર્ચ 2025થી શરૂ થશે જે 13 માર્ચ 2025ના રોજ હોલિકા દહન સાથે પૂર્ણ થશે, જેથી આ આઠ દિવસના કાર્યકાળમાં હોળાષ્ટક હોવાથી લગ્ન અને ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો માટે સારું ચોઘડિયું નથી જેથી આ કર્યો નહીં થાય, એમ જ્યોતિષ નિષ્ણાતોનું કહેવું છે.
હોળાષ્ટક 8 દિવસ સુધી ચાલે છે. જેમાં લોકો લગ્ન અને ગૃહ પ્રવેશ જેવા શુભ કામ કરતાં નથી. પૌરાણિક કથા મુજબ કામદેવ દ્વારા ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાના કારણે શિવજીએ ફાગણ સુદ આઠમના દિવસે કામદેવને પોતાના શ્રાપથી ભસ્મ કર્યા હતાં. આ સાથે બીજી પણ એક કથા પ્રમાણે અસુર રાજા હિરણ્યકશ્યપે પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે પોતાની બહેન હોલિકા સાથે મળીને તેને 8 દિવસમાં અનેક પ્રકારના દંડ આપ્યા હતા. આ કથાઓના આધારે હોળાષ્ટકના આઠ દિવસોમાં લગ્ન, ગૃહ પ્રવેશ અને મુંડન સમારોહ જેવા કાર્યો કરવા માટે અશુભ ગણવામાં આવે છે.
બીમારીઓથી બચવા માટે ફાગણમાં શિવપૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મના અનેક પૌરાણિક ગ્રંથોમાં ફાગણ મહિનાને બીમારીઓને દૂર કરવાનો મહિનો એમ પણ કહેવામા આવે છે. શરીરમાંથી બીમારીઓને દૂર કરવા માટે ફાગણ મહિનો શ્રેષ્ઠ છે એવું કહેવાય છે. આ મહિને ભગવાન શંકરને સફેદ ચંદન અર્પણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, તેમ જ મા લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક પરિસ્થિતીમાં સુધાર આવે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે દેવતાઓને અબીર અને ગુલાલ અર્પણ કરવું જોઈએ, એવી પણ માન્યતાઓ છે.
આ માહિનામાં દાનનું મહત્ત્વ હોય છે. આ મહિનામાં પોતાની ક્ષમતા પ્રમાણે દાન અને પિતૃઓને નિમિત્ત અર્પણ કરવું સારું ગણવામાં આવે છે. ફાગણ મહિનામાં શુદ્ધ ઘી, તેલ, સરસિયાનું તેલ, ફળ વગેરેનું દાન તમને સારો લાભનું ફળ પ્રદાન કરી શકે છે, એવું કહેવામાં આવે છે.