28 August, 2026 04:21 PM IST | Mumbai | Heena Patel
રાખડીના એક તાંતણે બંધાય છે ત્રણથી ચાર પેઢીનો આખો પરિવાર
આજના ભાગદોડભર્યા અને ન્યુક્લિયર ફૅમિલીના યુગમાં એવા તહેવારો આંગળીના વેઢે ગણાય એટલા જ બચ્યા છે જે આખા પરિવારને એક છત નીચે લાવી શકે. રક્ષાબંધન એવો જ એક પવિત્ર ઉત્સવ છે જે માત્ર ભાઈ-બહેનને જ નહીં, આખા કુટુંબને લાગણીના એક તાંતણે બાંધી રાખે છે. જ્યારે ઘરના વડીલથી માંડીને સૌથી નાની પેઢીનાં બાળકો સુધીના સૌકોઈ સાથે મળીને રાખડી બાંધે, મીઠાઈ વહેંચે અને જૂની-નવી વાતો વાગોળે ત્યારે ઘરનો માહોલ જીવંત બની ઊઠે છે અને સંબંધોની મીઠાશ બેવડાઈ જાય છે. આજે ન્યુક્લિયર યુગમાં એવા પરિવારો બહુ ઓછા છે જેઓ માત્ર પોતાના ઘરના સભ્યો સાથે જ નહીં, પોતાના પપ્પા અને દાદાનાં ભાઈ-બહેનો અને સેકન્ડ અને થર્ડ કઝિન્સ સાથે તહેવારની ઉજવણી કરતા હોય. મળીએ એવા પરિવારોને જ્યાં ત્રણ-ચાર પેઢી સાથે મળીને આ સ્નેહના વારસાને જીવંત રાખી રહી છે.
હું, મારી જેઠાણી, નણંદ, અમારી પછીની પેઢીનાં દીકરા-દીકરીઓ અને ત્રીજી પેઢીનાં તેમનાં બાળકો એમ ૩ પેઢીના ૨૧ સભ્યો છેલ્લાં ૧૦ વર્ષથી આ જ ઉત્સાહ સાથે રક્ષાબંધન ઊજવીએ છીએ. દરેકની અનુકૂળતા રહે એ માટે અમે રક્ષાબંધનના આગળ-પાછળ આવતા રવિવારે નણંદ કે જેઠાણીના ઘરે સવારે ૧૧ વાગ્યાથી જ ભેગા થઈ જઈએ છીએ. દરેક જણ પોતપોતાના ઘરેથી પ્રેમપૂર્વક વિવિધ મીઠાઈઓ, સ્નૅક્સ અને ભેટ-સોગાદો લઈને આવે છે. સાથે બેસીને આનંદપૂર્વક લંચ કર્યા બાદ રક્ષાબંધનનું સેલિબ્રેશન કરીએ છીએ. રાખડી બાંધ્યા પછી અમે સૌ સાથે મળીને વીરપસલીની વાર્તા વાંચીએ છીએ, રમતો રમીએ છીએ અને રાત્રે ડિનર પતાવીને ૯-૧૦ વાગ્યે છૂટા પડીએ છીએ. આખો દિવસ સાથે વિતાવવાથી પરિવારનું બૉન્ડિંગ વધુ મજબૂત બને છે. નવી પેઢીને આપણા તહેવારો અને સંસ્કારોની સાચી ઓળખ મળે છે, નાના-મોટા સૌ એકબીજાને માન આપતા અને વડીલોને આદરપૂર્વક પગે લાગતાં શીખે છે. જેઠાણી અને નણંદ વચ્ચે માત્ર ઔપચારિક સંબંધ ન રહેતાં અમે સગી બહેનોની જેમ સુખ-દુઃખ વહેંચી શકીએ છીએ. ૧૫ વર્ષ પહેલાં મારા દીકરાનું અવસાન થયું હોવા છતાં તેની બહેનો આજે પણ તેને એટલા જ પ્રેમથી યાદ કરીને તેના નામની રાખડી સાથે લાવે છે. સમય ભલે બદલાય, એકબીજા પ્રત્યેનો આ સ્નેહ જ અમારા પરિવારનું સાચું ઘરેણું છે.
અમે છેલ્લાં ૨૦ વર્ષથી પરિવારના તમામ સભ્યો સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ. પહેલાં મારા સસરા, પછી મારા પતિનાં ભાઈ-બહેનો, એ પછી અમારાં સંતાનો અને હવે સંતાનોનાં બાળકો એમ ૪ પેઢીના ૬૦થી ૬૫ સભ્યો ઘરે જ ભેગા થઈએ છીએ. શરૂઆતમાં સંખ્યા ઓછી હતી, પણ જેમ-જેમ લગ્નો થતાં ગયાં અને નવી પેઢી ઉમેરાતી ગઈ તેમ-તેમ અમારો પરિવાર વિસ્તરતો ગયો. આજે અમારી આ ઉજવણીમાં ૮૫ વર્ષના વડીલથી માંડીને ૧૦ મહિનાનું નાનું બાળક પણ ઉત્સાહથી સામેલ હોય છે. હમણાં જ રવિવારે અમે રક્ષાબંધનનું ઍડ્વાન્સ સેલિબ્રેશન કર્યું. ઉત્સવનો રંગ જમાવવા અમે ઘરે ખાસ લાઇવ મ્યુઝિકનો પ્રોગ્રામ રાખ્યો હતો અને બહારથી સિંગરને પણ બોલાવ્યા હતા. એક તરફ વડીલો પોતાની જૂની વાતો વાગોળતા હોય, બીજી તરફ બાળકો રમવામાં મશગૂલ હોય અને વચ્ચે મજેદાર ફન-ગેમ્સ ચાલતી હોય એટલે આખો માહોલ જીવંત બની જાય છે. જમવાની વ્યવસ્થા માટે અમે કેટરર્સને બોલાવી લઈએ છીએ. દર વખતે કંઈક નવું મેનુ હોય. ક્યારેક સાઉથ ઇન્ડિયન, ક્યારેક રાજસ્થાની કે ઇટાલિયન તો આ વખતે ચટાકેદાર ચાટ આઇટમ્સની જ્યાફત હતી. ઉંમરના હિસાબે પરિવારના વડીલો બહાર જઈ શકતા નથી, પરંતુ તહેવારના બહાને જ્યારે ચારેય પેઢીઓ ઘરમાં એકસાથે હસતી-રમતી દેખાય ત્યારે તેમના ચહેરા પર જે હરખ છલકાય છે એ અણમોલ હોય છે. બાળકો પણ રાખડી અને ગિફ્ટ્સ મેળવીને ખુશખુશાલ થઈ જાય છે. બદલાતા સમયમાં આખો પરિવાર આમ એક છત નીચે સાથે રહે એ જ અમારા માટે સૌથી મોટી ખુશી છે.
મારા પપ્પા સહિત તેઓ ૬ ભાઈઓ અને ૩ બહેનો છે. તેમનાં દીકરા-દીકરીઓ અને હવે ત્રીજી પેઢીનાં બાળકો મળીને રક્ષાબંધનના દિવસે અમારો આખો પરિવાર ૬૦ જેટલા સભ્યોનો બની જાય છે. અમે કોઈ હૉલ રાખવાને બદલે દર વર્ષે વારાફરતી કોઈ એક કાકાના ઘરે જ આખું સેલિબ્રેશન ગોઠવીએ છીએ, જેથી ઘર જેવી હૂંફ અને મજા જળવાઈ રહે. સવારે ૧૧ વાગ્યાથી જ બધા ઉત્સાહભેર ભેગા થવા લાગે છે. એકબીજા સાથે વાતો અને સુખ-દુઃખની આપ-લે કર્યા પછી બધા સાથે બેસીને બપોરનું લંચ માણે છે. અમે જૈન છીએ એટલે રસોઈ માટે ખાસ રસોઈવાળાં બહેનને ઘરે બોલાવીને શુદ્ધ ખાવાનું બનાવડાવીએ છીએ. બપોરે જમવામાં દાળ-ભાત, શાક-રોટલી સાથે મીઠાઈ હોય. બપોરે જમ્યા પછી રક્ષાબંધનનું સેલિબ્રેશન શરૂ થાય છે. એ પછી આખા પરિવારનું ફોટોસેશન અને સાંજે મજેદાર ગેમ્સનો દોર ચાલે છે. અમે જૈન હોવાથી સાંજે ચોવિહારના સમયે પુલાવ-કઢી, પાંઉભાજી કે છોલે સમોસા ચાટ જેવી વાનગીઓ જમીને છૂટા પડીએ છીએ. અમે આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે આવું ગેટ-ટુગેધર થાય. અમારા પરિવારમાં મારાં ફોઈબા સૌથી મોટાં છે અને તેમના પછી પપ્પા અને બધા કાકાઓનો જન્મ થયેલો. પપ્પા-કાકાઓ માટે તેમનાં આ મોટાં બહેન હંમેશાં એક મધરલી ફિગર સમાન રહ્યાં છે. વડીલો વચ્ચેનો એ અતૂટ પ્રેમ અને સંપ જોઈને જ અમે મોટાં થયાં છીએ. આજે અમારી પેઢીમાં પણ એ જ એકતા છે અને અમે ખૂબ ગર્વથી આ જ સંસ્કારોનું બીજ અમારાં નાનાં બાળકોમાં પણ રોપીએ છીએ.
હું, મારી જેઠાણી, નણંદ, અમારી પછીની પેઢીનાં દીકરા-દીકરીઓ અને ત્રીજી પેઢીનાં તેમનાં બાળકો એમ ૩ પેઢીના ૨૧ સભ્યો છેલ્લાં ૧૦ વર્ષથી આ જ ઉત્સાહ સાથે રક્ષાબંધન ઊજવીએ છીએ. દરેકની અનુકૂળતા રહે એ માટે અમે રક્ષાબંધનના આગળ-પાછળ આવતા રવિવારે નણંદ કે જેઠાણીના ઘરે સવારે ૧૧ વાગ્યાથી જ ભેગા થઈ જઈએ છીએ. દરેક જણ પોતપોતાના ઘરેથી પ્રેમપૂર્વક વિવિધ મીઠાઈઓ, સ્નૅક્સ અને ભેટ-સોગાદો લઈને આવે છે. સાથે બેસીને આનંદપૂર્વક લંચ કર્યા બાદ રક્ષાબંધનનું સેલિબ્રેશન કરીએ છીએ. રાખડી બાંધ્યા પછી અમે સૌ સાથે મળીને વીરપસલીની વાર્તા વાંચીએ છીએ, રમતો રમીએ છીએ અને રાત્રે ડિનર પતાવીને ૯-૧૦ વાગ્યે છૂટા પડીએ છીએ. આખો દિવસ સાથે વિતાવવાથી પરિવારનું બૉન્ડિંગ વધુ મજબૂત બને છે. નવી પેઢીને આપણા તહેવારો અને સંસ્કારોની સાચી ઓળખ મળે છે, નાના-મોટા સૌ એકબીજાને માન આપતા અને વડીલોને આદરપૂર્વક પગે લાગતાં શીખે છે. જેઠાણી અને નણંદ વચ્ચે માત્ર ઔપચારિક સંબંધ ન રહેતાં અમે સગી બહેનોની જેમ સુખ-દુઃખ વહેંચી શકીએ છીએ. ૧૫ વર્ષ પહેલાં મારા દીકરાનું અવસાન થયું હોવા છતાં તેની બહેનો આજે પણ તેને એટલા જ પ્રેમથી યાદ કરીને તેના નામની રાખડી સાથે લાવે છે. સમય ભલે બદલાય, એકબીજા પ્રત્યેનો આ સ્નેહ જ અમારા પરિવારનું સાચું ઘરેણું છે.
અમે છેલ્લાં ૨૦ વર્ષથી પરિવારના તમામ સભ્યો સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ. પહેલાં મારા સસરા, પછી મારા પતિનાં ભાઈ-બહેનો, એ પછી અમારાં સંતાનો અને હવે સંતાનોનાં બાળકો એમ ૪ પેઢીના ૬૦થી ૬૫ સભ્યો ઘરે જ ભેગા થઈએ છીએ. શરૂઆતમાં સંખ્યા ઓછી હતી, પણ જેમ-જેમ લગ્નો થતાં ગયાં અને નવી પેઢી ઉમેરાતી ગઈ તેમ-તેમ અમારો પરિવાર વિસ્તરતો ગયો. આજે અમારી આ ઉજવણીમાં ૮૫ વર્ષના વડીલથી માંડીને ૧૦ મહિનાનું નાનું બાળક પણ ઉત્સાહથી સામેલ હોય છે. હમણાં જ રવિવારે અમે રક્ષાબંધનનું ઍડ્વાન્સ સેલિબ્રેશન કર્યું. ઉત્સવનો રંગ જમાવવા અમે ઘરે ખાસ લાઇવ મ્યુઝિકનો પ્રોગ્રામ રાખ્યો હતો અને બહારથી સિંગરને પણ બોલાવ્યા હતા. એક તરફ વડીલો પોતાની જૂની વાતો વાગોળતા હોય, બીજી તરફ બાળકો રમવામાં મશગૂલ હોય અને વચ્ચે મજેદાર ફન-ગેમ્સ ચાલતી હોય એટલે આખો માહોલ જીવંત બની જાય છે. જમવાની વ્યવસ્થા માટે અમે કેટરર્સને બોલાવી લઈએ છીએ. દર વખતે કંઈક નવું મેનુ હોય. ક્યારેક સાઉથ ઇન્ડિયન, ક્યારેક રાજસ્થાની કે ઇટાલિયન તો આ વખતે ચટાકેદાર ચાટ આઇટમ્સની જ્યાફત હતી. ઉંમરના હિસાબે પરિવારના વડીલો બહાર જઈ શકતા નથી, પરંતુ તહેવારના બહાને જ્યારે ચારેય પેઢીઓ ઘરમાં એકસાથે હસતી-રમતી દેખાય ત્યારે તેમના ચહેરા પર જે હરખ છલકાય છે એ અણમોલ હોય છે. બાળકો પણ રાખડી અને ગિફ્ટ્સ મેળવીને ખુશખુશાલ થઈ જાય છે. બદલાતા સમયમાં આખો પરિવાર આમ એક છત નીચે સાથે રહે એ જ અમારા માટે સૌથી મોટી ખુશી છે.
અમારા પરિવારમાં રક્ષાબંધન એટલે માત્ર રાખડી બાંધવાનો દિવસ નહીં, આખા કુટુંબનું ભવ્ય મિલન. અમે ૩ પેઢીના આશરે ૩૫થી ૪૦ સભ્યો સાથે મળીને આ તહેવાર ઊજવીએ છીએ. ગયા વર્ષ સુધી અમારાં ફોઈજી પણ આ મિલનની શોભા વધારતાં હતાં. આ વર્ષે તેમની ખોટ જરૂર વર્તાશે. છતાં વડીલોના આશીર્વાદ સાથે મારાં સાસુ, કાકાજી-કાકીજી, અમારી પેઢી અને અમારાં બાળકો એમ ૬ વર્ષના બાળકથી લઈને ૮૦ વર્ષના વડીલ સુધી સૌકોઈ એક છત નીચે ભેગાં થાય છે. બધા સભ્યો એકસાથે સમાઈ શકે એટલે અમે ખાસ આખો હૉલ જ બુક કરાવીએ છીએ. ઉત્સાહ એવો હોય કે ઉજવણીના એક દિવસ પહેલાં જ બધી ભાભીઓ અને નણંદો ભેગી મળીને સાથે મેંદી મુકાવે. બીજા દિવસે સેલિબ્રેશન માટે સ્ત્રીઓ સુંદર સાડીઓમાં અને પુરુષો કુરતા તથા સાફા પહેરીને રજવાડી અંદાજમાં સજ્જ થાય છે. અમે ભાઈઓને સોના-ચાંદીની એવી રાખડીઓ બાંધીએ છીએ જે તેઓ આખું વર્ષ પોતાના કાંડા પર રાખી શકે. ખાણી-પીણીમાં પણ વેલકમ ડ્રિન્ક્સ અને સ્ટાર્ટર્સથી લઈને ભરપૂર મેઇન કોર્સ સુધીની ખાસ વ્યવસ્થા હોય છે. આ વખતે અમે થોડો પંજાબી ટચ આપ્યો છે, જેમાં ઢોલ અને ભાંગડાવાળાને બોલાવીને માહોલ વધુ જીવંત બનાવવાનું પ્લાનિંગ છે. ૪ દીવાલો વચ્ચે એકલા ઊજવવા કરતાં આખો પરિવાર ભેગો થઈને મન મૂકીને નાચે, ગાય અને હસે અને એમાંય જ્યારે ૩ પેઢીઓ એક જ તાલે ઝૂમતી હોય
ત્યારે તહેવારના વાઇબ્સ જ કંઈક અલગ હોય છે.
દર વર્ષે અમે રક્ષાબંધનમાં ૩ પેઢી ભેગી થઈએ, રક્ષાબંધન સેલિબ્રેટ કરીએ અને પછી સાથે હોટેલમાં જમવા જઈએ એમ જણાવતાં કાંદિવલીમાં રહેતાં જ્યોતિ પારેખ કહે છે, ‘મારા સસરાનાં ભાઈ-બહેનો, મારા હસબન્ડનાં ભાઈ-બહેનો અને અમારા બધાનાં બાળકો એમ કુલ ૪૦ જેટલા પરિવારના સદસ્યો દર વખતે ઘરે ભેગાં થાય છે. અમે ઘરમાં જ રક્ષાબંધન ઊજવીએ છીએ. નાસ્તો-પાણી કરીએ અને પછી સાથે જ બહાર જમવા જઈએ છીએ. જમતાં-જમતાં પણ અમે એન્જૉય જ કરતા હોઈએ. ક્યાં તો અમે રીલ બનાવીએ અથવા તો કંઈક ને કંઈક મસ્તી ચાલુ જ રહેતી હોય છે. અમે તો દર વખતે તહેવારની રાહ જોઈએ જેથી બધાને મળી શકાય. તહેવારો દરમ્યાન થતા રીતરિવાજો જોઈને અમારાં બાળકોને પણ ઘણું શીખવા મળે છે. તહેવારોનું મહત્ત્વ તેમને સમજાયું છે. ભાઈ-બહેન વચ્ચેની લાગણી પણ તેઓ સમજી શકે છે. તેમને હવે કહેવું નથી પડતું કે મોટા સામે આવે તો પગે પડવાનું. તેઓ બધું શીખી ગયાં છે.’
બોરીવલીમાં રહેતાં પૂજા સાવલા કહે છે, ‘મારા પપ્પાના ૪ ભાઈઓ અને તેમની બહેનની આખી ફૅમિલી રક્ષાબંધનમાં ભેગી થાય છે. પહેલાં અમે બૅન્ક્વેટ હૉલ બુક કરતા હતા, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી મારા એક કઝિનના ઘરે ભેગા થઈએ છીએ. તેનું પાર્લામાં મોટું ઘર છે એટલે ત્યાં જ અમે હવે મળીએ છીએ. છેલ્લાં ૩૦ વર્ષથી અમે બધા ભેગા મળીને રક્ષાબંધન ઊજવીએ છીએ. મારા પપ્પા અને કાકાને અમારી ફોઈ રાખડી બાંધતી હોય છે. મારી સાથે અમે ૭ કઝિન બહેન છીએ જે ૭ કઝિન ભાઈઓને રાખડી બાંધે છે. ભાભીઓને લુમ્બા બાંધીએ છીએ તેમ જ અમારા છોકરાઓ તેમના કઝિન્સને રાખી બાંધે. સેલિબ્રેશન પછી અમે સાથે જમીએ, ડાન્સ કરીએ, ગેમ્સ રમીએ અને એન્જૉય કરીએ. આખો દિવસ ખૂબ ધમાલ કરીએ. આમ અમે ૩ જનરેશનના કુલ ૪૫ જણ દર વખતે ભેગા થઈને રક્ષાબંધન ઊજવીએ છીએ.’
રક્ષાબંધનમાં ૩ જનરેશન ભેગી થાય તો પણ નવાઈ લાગે છે ત્યાં ૪ જનરેશન ભેગી થઈને રક્ષાબંધનની ઉજવણી કરતી હોય એવી ફૅમિલી સ્વાભાવિક રીતે જ નવાઈ પમાડી જાય છે. મુલુંડમાં રહેતાં નિરાલી છેડા કહે છે, ‘મારા મામાની સાઇડ દર વર્ષે અમે બધા સાથે મળીને રક્ષાબંધન ઊજવીએ છીએ. મારા પાંચ મામા છે અને તેમની બે બહેન. તે બધાં છોકરા-છોકરીઓ અને તેમનાં પણ છોકરા-છોકરીઓ ભેગાં મળીને રક્ષાબંધન ઊજવતાં આવ્યાં છે. હવે ત્રીજી પેઢીને ત્યાં પણ બાળકો થયાં છે એટલે તેઓ પણ અમારી સાથે રક્ષાબંધન ઊજવે છે એટલે હવે ૪ પેઢી થઈ ગઈ છે. આમ અમે કુલ ૪૫થી ૫૦ જણ ભેગા થઈએ છીએ. દર વખતે અમે ઘરે અથવા તો બહાર કોઈ રિસૉર્ટ કે ફાર્મહાઉસ બુક કરાવીએ છીએ અને ત્યાં બધા ભેગા થઈને રક્ષાબંધન ઊજવીએ છીએ અને આખો દિવસ એકબીજા સાથે વિતાવીએ છીએ. અમારી ત્રીજી-ચોથી પેઢી તો એકબીજાના થર્ડ કઝિન્સ થાય તો પણ તેમની વચ્ચે સગાં ભાઈ-બહેન જેવું બૉન્ડિંગ છે. તહેવારો સાથે ઊજવવાને લીધે જ આજે અમારી વચ્ચે આવું મજબૂત અને પ્રેમાળ બૉન્ડિંગ છે. આ વર્ષનું રક્ષાબંધન અમે રવિવારે જ ખોપોલીમાં આવેલા એક રિસૉર્ટમાં ઊજવ્યું હતું.’
ઘરમાં પ્રસંગ હોય તો વહુના પિયરના સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ ઘરમાં તહેવાર ઊજવાતો હોય ત્યાં ૩ પેઢીની વહુઓના પિયરના સંબંધીઓને પણ બોલાવવામાં આવતા હોય એવું સાંભળીને પણ નવાઈ લાગે છે, પણ હકીકતમાં આવું થઈ રહ્યું છે. ઘાટકોપરમાં રહેતાં બીના ધમાણી કહે છે, ‘મારાં દાદીસાસુના સમયથી અમારે ત્યાં ઘરના તમામ સભ્યો સાથે મળીને રક્ષાબંધનનો તહેવાર ઊજવે છે. મારા સસરાનાં ભાઈ-બહેન અને તેમનાં છોકરાઓ-છોકરીઓ તો ખરાં જ, સાથે ઘરની વહુઓનાં ભાઈ-ભાભી અને વહુઓનાં કઝિન્સ ભાઈ-ભાભીઓને પણ બોલાવવામાં આવે છે અને બધા સાથે મળીને રક્ષાબંધન ઊજવે છે. મારાં સાસુનાં ભાઈ-બહેન અને તેમના છોકરાઓ પણ આવે, મારાં ભાઈ-બહેન અને કઝિન પણ આવે અને હવે મારી વહુ આવી ગઈ છે એટલે તેનાં ભાઈ-બહેન અને કઝિન્સને પણ અમે બોલાવીએ છીએ અને બધા સાથે રક્ષાબંધન ઊજવીએ છીએ. ઘર મોટું છે એટલે ઘરમાં જ ઊજવીએ છીએ. પહેલાં ઘરમાં જ જમવાનું બનાવતા હતા, પરંતુ હવે બહારથી ઑર્ડર કરી લઈએ છીએ. ઘણી વખત અમે મંદિર કે કોઈ ધાર્મિક સ્થળે પણ રક્ષાબંધન ઊજવતા હોઈએ છીએ. ગયા વર્ષે અમે નર્મદેશ્વરમાં સાથે મળીને રુદ્રાભિષેક કર્યો હતો. જેઓ પણ સાંભળે છે તેમને નવાઈ લાગે છે કે આવી રીતે પણ રક્ષાબંધન ઊજવાતું હશે ખરું? આટલા બધા લોકો પણ આવે? જોકે જ્યારે લોકો નજરોનજર જુએ છે ત્યારે તેઓ પણ ખુશ થઈ જાય છે. તહેવાર નિમિત્તે જ સગાંસંબંધીઓ એકબીજાની નજીક આવી શકે છે.’
હિના પટેલ અને દર્શિની વશી