28 August, 2026 04:32 PM IST | Mumbai | Darshini Vashi
રક્ષાબંધન ત્યારે જ ખરી જ્યારે રાખડી તો રૂબરૂ જ બંધાય
રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીનો તહેવાર છે. બહેન તેના વહાલસોયા ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને તેના લાંબા અને તંદુરસ્ત આયુષ્યની કામના કરે છે. આ દિવસે ભાઈ સવારથી તેની બહેનની આતુરતાપૂર્વક રાહ જોતો હોય છે કે ક્યારે મારી બહેન આવે અને મારા હાથમાં રાખડી બાંધે. ઘણી વખત સંજોગોવશાત અને લૉન્ગ ડિસ્ટન્સને લીધે બહેન માટે ભાઈ સુધી રાખડી લઈને પહોંચવું શક્ય બનતું નથી એને લીધે હવે બહેનો તેમના ભાઈઓને કુરિયર મારફત અથવા તો અન્ય કોઈના હાથે રાખડી મોકલી દેતી હોય છે. જોકે અમુક બહેનો એવી પણ છે જે કોઈ પણ સંજોગોમાં અને ડિસ્ટન્સની ચિંતા કર્યા વિના તેમના ભાઈને જાતે જઈને રાખડી બાંધે છે.
કાંદિવલીમાં રહેતાં વિલાસ ઠક્કર કહે છે, ‘મારાં લગ્ન થયાં એને ૫૩ વર્ષ થઈ ગયાં છે. હું કાંદિવલીમાં રહું છું અને મારા ભાઈઓ પનવેલમાં રહે છે. એમ છતાં એક પણ રક્ષાબંધન એવી ગઈ નથી જ્યારે હું મારા ભાઈને જાતે જઈને રાખડી બાંધી ન શકી હોઉં. આજે તો ટ્રેનથી લઈને ટ્રાન્સપોર્ટેશનની સવલત ઘણી વધી ગઈ છે, પરંતુ ૩૦-૪૦ વર્ષ પહેલાં બસ બદલીને જવું પડતું હતું ત્યારે પણ હું મારાં નાનાં બાળકોને તેડીને પનવેલ રાખડી બાંધવા જતી હતી. એવું નથી કે હું પિયરનું સાચવીને બેસી જઉં છું. દર રક્ષાબંધનમાં વહેલી સવારે પનવેલ જવા નીકળી જઉં અને સાંજ સુધીમાં પાછી કાંદિવલી ઘરે આવી જઉં અને સાંજે મારા સાસરામાં રક્ષાબંધનની ઉજવણી કરું. આ મારો દર વર્ષનો નિયમ.’
મલાડમાં રહેતાં ડિમ્પલ દેઢિયા કહે છે, ‘મારો ભાઈ વડોદરા રહે છે એટલે હું દર વર્ષે રક્ષાબંધનમાં તેને રાખડી બાંધવા વડોદરામાં જઉં છું. એક પણ વર્ષ એવું નથી ગયું જ્યારે મેં મારા હાથે મારા ભાઈને રાખડી બાંધી ન હોય. એક વર્ષે એવું થયું હતું કે મારાથી રક્ષાબંધનમાં વડોદરા જઈ શકાય એવું હતું નહીં એટલે મારો ભાઈ અહીં આવીને મારી પાસે રાખડી બંધાવી ગયો હતો. મેં પહેલેથી એવું જ રાખ્યું છે કે ભલે એક-બે દિવસ વહેલું કે મોડું કેમ ન થઈ જાય, રાખડી તો પોતાના હાથે જ બાંધવાની. મારી એક બહેન તેની બાજુમાં જ રહે છે તો પણ હું પોતે જ જવાનો આગ્રહ રાખું છું.’
મારા સાસરામાં ૩ પેઢી સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી કરે છે, ત્યાં રક્ષાબંધન સેલિબ્રેટ થઈ જાય પછી હું મારા ભાઈઓને રાખડી બાંધવા જળગાવ જઉં છું એમ જણાવીને ભાઈંદરમાં રહેતાં દિવ્યા મહેતા કહે છે, ‘મારાં લગ્ન થયાં ત્યારથી આ નિયમ ચાલતો આવ્યો છે. બીજું એ કે હું જ્યારે પણ રાખડી બાંધવા જઉં ત્યારે મારા ભાઈઓ, ભાભીઓ અને બાળકો માટે રીતસરનું આણું લઈને જાઉં છું જેમાં તેમના માટે જાતજાતની વસ્તુઓ અને ગિફ્ટ્સ હોય છે. રક્ષાબંધનના દિવસે પહેલાં તો હું આણું પાથરું છું. પછી ભાઈ અને ભાભીને બેસાડીને તેમને રાખડી બાંધું છું અને પછી તેમને અને બાળકોને આણું આપું છું. મને તેમના માટે જાતજાતની વસ્તુઓ લઈ જવાનું ખૂબ ગમે છે અને એમાં આનંદ આવે છે. દર વખતે બહેને જ શું કામ ભાઈ પાસેથી લેવાનું હોય? કોઈ વખત બહેને પણ ભાઈઓને કંઈક આપવું જોઈએને?’
નૉર્મલી રક્ષાબંધનમાં બહેન ભાઈને રાખડી બાંધવા જાય છે, પરંતુ અમુક કેસમાં ભાઈ બહેનને અગવડ ન પડે અને ટાઇમ સચવાઈ જાય એટલે પોતે આવીને રાખડી બંધાવી જાય છે જે ભાઈ-બહેનની લાગણીનું નિઃસ્વાર્થ ઉદાહરણ છે. સાંતાક્રુઝમાં રહેતી પૂજા પારેખ કહે છે, ‘અમને સગો ભાઈ નથી. અમે બન્ને બહેન જ છીએ. જોકે મારા કાકાનો દીકરો અમારા માટે સગા ભાઈ કરતાં પણ વિશેષ છે. મારા કાકા અમદાવાદમાં રહે છે અને તેમનો દીકરો સારંગ અમારા ઘરે પહેલેથી રહીને થોડાં વર્ષ ભણ્યો હતો એટલે અમે ત્રણે જણ એકબીજાથી સારાએવા ક્લોઝ હતાં. દર રક્ષાબંધનમાં અમે બન્ને બહેનો તેને રાખડી બાંધતી, પણ ત્યાર બાદ તે અમદાવાદ જતો રહ્યો હતો એટલે અમે અમદાવાદ દર વર્ષે રાખડી બાંધવા જતાં હતાં. જોકે તેને થયું કે મારી બહેનોને શું કામ માત્ર રાખડી બાંધવા માટે અમદાવાદ સુધી લાંબી કરું? તહેવારોના સમયમાં ટિકિટ પણ સરળતાથી મળતી નથી એવામાં બહેનો ધક્કા ખાઈને અહીં સુધી આવે એના કરતાં હું જ તેમની પાસે રાખડી બાંધવા જતો રહું તો એ સારું પડશે. બસ, એવું વિચારીને તે છેલ્લાં થોડાં વર્ષથી મુંબઈ રાખડી બંધાવવા આવી જાય છે.’
‘મારો એક ભાઈ વાપીમાં રહે છે અને બે ભાઈ સંજાણ રહે છે, પણ દર વર્ષે હું તેમને રાખડી બાંધવા જઉં છું. હવે તો મારી ઉંમર પણ થઈ ગઈ છે એટલે ભાઈઓ પણ કહે છે કે જો તારાથી ન આવી શકાય તો રહેવા દેજે, અમે છોકરીઓ પાસે રાખડી બંધાવી લઈશું; પણ મારું મન નથી માનતું. જ્યાં સુધી હું પોતે તેને રાખડી ન બાંધું ત્યાં સુધી મને સંતોષ થતો નથી. છેલ્લાં ૨૦ વર્ષથી મારું આવું શેડ્યુલ છે. પહેલાં છોકરા નાના હતા એટલે રક્ષાબંધનમાં તરત વાપી અને સંજાણ પહોંચી જતી, પણ હવે દીકરી પણ પરણી ગઈ છે એટલે તે પણ સાસરેથી ઘરે રાખડી બાંધવા આવે. તેનો ટાઇમ સાચવવાની પણ મારી ફરજ છે એટલે તે આવી જાય પછી હું સંજાણ અને વાપી જવા નીકળું છું.’
રક્ષાબંધન ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને રક્ષણનો પવિત્ર તહેવાર છે જેની સાથે અનેક પૌરાણિક અને કથાઓ જોડાયેલી છે.
રાજા બલિ અને દેવી લક્ષ્મી પૌરાણિક કથા અનુસાર દાનવીર રાજા બલિને આપેલા વચનને નિભાવતાં ભગવાન વિષ્ણુએ વૈકુંઠ છોડીને પાતાળલોકમાં રહેવું પડ્યું હતું. ભગવાન વિષ્ણુને વૈકુંઠ પાછા લાવવા માટે દેવી લક્ષ્મીએ સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને રાજા બલિના મહેલમાં પહોંચ્યાં. તેમણે રાજા બલિને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા અને પોતાના પતિ ભગવાન વિષ્ણુને પાછા લાવવાની વાત કરી. બહેનની લાગણી અને રાખડીનું માન રાખીને રાજા બલિએ ભગવાન વિષ્ણુને મુક્ત કરીને વૈકુંઠ પાછા જવાની મંજૂરી આપી.
શ્રીકૃષ્ણ અને દ્રૌપદી મહાભારતની લોકપ્રચલિત કથા અનુસાર શિશુપાલનો વધ કરતી વખતે શ્રીકૃષ્ણની આંગળી પર ઈજા થઈ અને એમાંથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને દ્રૌપદીએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાની સાડીનો છેડો ફાડીને શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીના આ નિઃસ્વાર્થ સ્નેહથી શ્રીકૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે જીવનભર દ્રૌપદીની રક્ષા કરવાનું વચન આપ્યું. આગળ જતાં કૌરવોની સભામાં દ્રૌપદીનું ચીરહરણ કરવાનો પ્રયાસ થયો ત્યારે શ્રીકૃષ્ણે આ વચન નિભાવ્યું અને દ્રૌપદીની લાજ બચાવી. રાણી કર્માવતી અને બાદશાહ હુમાયુ ઇતિહાસમાં પ્રચલિત એક કિસ્સા મુજબ ચિત્તોડની રાણી કર્માવતીના રાજ્ય પર ગુજરાતના સુલતાન બહાદુરશાહે આક્રમણ કર્યું ત્યારે રાણીએ સંકટની ઘડીમાં મોગલ બાદશાહ હુમાયુ પાસેથી મદદ માગી હતી. કહેવાય છે કે તેમણે હુમાયુને રાખડી મોકલીને પોતાનો ભાઈ બનાવ્યો અને મેવાડની રક્ષા માટે મદદની વિનંતી કરી. ધર્મ અલગ હોવા છતાં હુમાયુએ આ સંબંધનું માન રાખ્યું અને રાણીની મદદ કરવા સૈન્ય સાથે આગળ વધ્યા.