આવેશ, અજ્ઞાનતા, આળસ અને અશ્રદ્ધા હોય તો સંબંધ બગાડે જ બગાડે

14 January, 2026 11:07 AM IST  |  Mumbai | Morari Bapu

જેનામાં જ્ઞાન નથી એ અજ્ઞાની, પણ એવી વાત નથી કારણ કે અજ્ઞાન એ માત્ર જ્ઞાનનો વિરોધી શબ્દ નથી.

મોરારીબાપુ

રોગ, શોક, ભય, મોહ, ક્રોધ, દ્રોહ, કામ, દ્વેષ, રાગ, દંભ, અહંકાર, અમર્ષ અને પ્રમાદ. તાપ આવવાનાં પંદર કારણો પૈકીનાં આ ૧૪ કારણો, પણ આ ૧૪ કારણ પછીનું જે કારણ છે એ કારણ સૌથી વધારે ભયજનક છે. એને સમજવાની જરૂર છે. આ પંદરમું કારણ એટલે મૂઢતા. જો મૂઢતા આવી ગઈ તો મનમાં તાપ વધે અને બધા સંબંધો પર પાણી ફરી વળે. સ્વભાવનો આ આખરી તાપ છે. 
મન ગોવિન્દમ્ મૂમતે - અજ્ઞાનની પરિભાષા કઈ? 

જેનામાં જ્ઞાન નથી એ અજ્ઞાની, પણ એવી વાત નથી કારણ કે અજ્ઞાન એ માત્ર જ્ઞાનનો વિરોધી શબ્દ નથી. જ્ઞાન ન હોવું એ જ માત્ર અજ્ઞાન નહીં, પણ જ્ઞાન ન હોય છતાં માની બેસે કે હું જ્ઞાની છું એ જ અજ્ઞાન છે. બહુ શાંતિથી સમજવાની કોશિશ કરજો આ વાતને. જ્ઞાન ન હોય એમ છતાં વ્યક્તિ એવું ધારે કે તેને બધી ખબર છે, તે તો બહુ જ્ઞાની છે, તેની તોલે કોઈ ન આવી શકે એ વાત જ મોટી મૂઢતા છે. જ્ઞાનની વિરુદ્ધમાં અજ્ઞાન આવી ન શકે. ક્યારેય નહીં. કારણ કે અહીં બધામાં કંઈ ને કંઈ જ્ઞાન તો પડ્યું જ છે. ઈશ્વરના અંશ હોવાના નાતે વેદાંતના આ સત્યને કેમ કરીને અણદેખ્યું થાય? કોઈ પણ હોય, ઈશ્વરી અંશ હોવાના નાતે તેનામાં જ્ઞાનતત્ત્વ તો પડ્યું જ છે અને જ્ઞાન છે જ છે. અજ્ઞાની એ છે જે કંઈ જ જાણતો નથી છતાં બધાને દેખાડવાની કોશિશ કરતો રહે છે કે હું બધું જાણું છું. આ જે મૂઢતા છે એનો પોતાનો તાપ છે અને આ તાપને વાજબી રીતે સમજવાની જરૂર છે. જો મનમાં તાપ ન જોઈતો હોય તો આ મૂઢતાને કાઢો અને સ્વીકાર કરતાં શીખો કે આપણામાં આ કે તે કે પેલું જ્ઞાન નથી. 

એક વાત યાદ રાખજો, જીવનમાં તાપ છે એ વિષાદ આપે અને ધ્યાન એ રાખવાનું છે કે વિષાદ આપણા જીવનને ગ્રસી ન લે, સંદેહ આપણા જીવનને ડંખી ન લે. આ જ વાત સાથે આપણે નવા વ‌િષયની ચર્ચા પણ કરવાની છે. સંબંધ બગાડવાનાં મુખ્ય કારણો કયાં?

દુર્ગુણોથી ભરેલો માણસ ક્યારેય બીજા સાથે સમતાપૂર્વક વર્તી શકતો નથી. સરવાળે તે બીજા સાથે સંબંધ બગાડે છે. સંબંધ બગડવાનાં ચાર કારણો છે અને એ કારણો પૈકીનું પહેલું કારણ છે આવેશ. જ્યારે વ્યક્તિ આવેશમાં આવી જાય છે ત્યારે સંબંધ બગડી જાય છે. બીજું કારણ છે અજ્ઞાનતા. કારણ કે અજ્ઞાનતા મૂઢતા છે. જાણકારી નથી માટે સંઘર્ષ કરે છે. ત્રીજા નંબરે આવે છે આળસ. હા, આળસ પણ સંબંધ બગાડે છે. શરીરની માત્રામાં પુરુષાર્થ કરવો જોઈએ અને એ પછી ચોથા નંબરે આવે છે અશ્રદ્ધા. જ્યારે અશ્રદ્ધા હોય છે, ત્યારે સંબંધ બગડી શકે છે. અશ્રદ્ધા વ્યક્તિને અંધ બનાવે છે.

culture news life and style lifestyle news Morari Bapu gujarati mid day columnists