સંતોની વાણી માત્ર મનોરંજન નથી કરતી, મનોમંથન પણ કરાવે છે

20 February, 2026 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમર્પણ એ પ્રેમની શરત નથી. પ્રેમમાં શરત હોય જ નહીં. સુમિત્રા એટલે પ્રેમ અને ભક્તિ એટલે લક્ષ્મણજી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રેમ ભક્તિનો માર્ગ છે, એમાં કાયરનું કામ નથી. પહેલાં આપણું મસ્તક મૂકી દેવું જોઈએ. પ્રેમપંથની પાવક જ્વાળા છે. કાયર એને જોઈને પાછા ભાગશે. માર્ગ બહુ કઠિન છે, કારણ કે એમાં ખપી જવું પડે છે. ખૂંપી ન જાય અને ખપી ન જાય ત્યાં સુધી ખુદા ક્યાંથી મળે? ત્યાં સુધી એ ખુદાથી જુદા. મિલન માટે મટી જવું પડે છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે ‘પ્રેમમાં સમર્પણ જરૂરી છે? કંઈ આપવું જરૂરી છે?’

સમર્પણ પ્રેમની શરત નથી પણ સ્વભાવ છે. જો તમારામાં પ્રેમ છે તો તમે આપ્યા વગર રહી શકશો?

ભગવાન કહે છે કે ‘ગમે એ ચાલશે. તું શું આપે છે એ મહત્ત્વનું નથી, તું કયા ભાવથી આપે છે એ મહત્ત્વનું છે.’

કોઈ એવો પ્રશ્ન કરે કે પત્ર ન હોય, પાંદડું ન હોય, પુષ્પ પણ નથી, ફળ પણ નથી, પાણી પણ નથી અને રસ્તામાં જતા હતા અને મંદિર આવ્યું તો પ્રભુને શું આપીશું? કંઈ ન હોય તો નમસ્કાર કરીને માથું ઝુકાવીએ. બસ, આ જ સાચો ભાવ છે.

સમર્પણ એ પ્રેમની શરત નથી. પ્રેમમાં શરત હોય જ નહીં. સુમિત્રા એટલે પ્રેમ અને ભક્તિ એટલે લક્ષ્મણજી. લક્ષ્મણ અને શત્રુઘ્ન સમર્પણ છે. લક્ષ્મણ થોડા વાચાળ અને સમર્પિત છે અને શત્રુઘ્ન થોડા મૌની સમર્પણ છે અને કૈકેયી એટલે ક્રિયાશક્તિ. ક્રિયાશક્તિ એટલે કર્મ, ઉપાસના, જ્ઞાન. ભક્તિ અને કર્મ એ વેદના ત્રણ કાંડ છે.

પહેલાં આપણે જીવનની અયોધ્યામાં વેદનું શાસન સ્વીકારીએ. જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયનો સમન્વય કરીને જીવીએ. જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયની જરૂર પડે. હું બોલું છું એ કર્મ. શું બોલું છું એનું મને જ્ઞાન હોવું જોઈએ, પણ ભીતરના ભાવથી બોલું તો એ મારી ભક્તિ અને ભીતરના ભાવથી જો એ બોલું તો જ હૃદય સુધી પહોંચશે. નહીં તો કાન સુધી પહોંચશે.

આપણે કહીએ છીએ કે કથા સાંભળી નાખી. અહીંથી સાંભળ્યું, અહીંથી કાઢ્યું. પણ હૃદય ક્યારે ઝબકે? જ્યારે એમાં ભક્તિ ભળે. વક્તવ્ય અને શ્રુતિમાં ભક્તિ પણ ભેળવવી જોઈએ. વક્તવ્યમાં કેવળ બુદ્ધિના જ ચમકારા દેખાય, શબ્દાડંબર જ દેખાય. ઠીક છે. વધી-વધીને તમારા મન સુધી પહોંચશે. બધા કહેશે, ‘વાહ! વક્તવ્ય બહુ સરસ ગાયું.’ પણ જીવનમાં પરિવર્તન નહીં આવે. સંતોની વાણીમાં ભક્તિ છે, જ્ઞાન, ભાવ છે એ ન ભૂલવું.

સંતોની વાણી માત્ર આપણું મનોરંજન જ નથી કરતી, મનોમંથન પણ કરાવે છે. માણસને વિચાર આવવા માંડે કે હા, વાત તો સાચી છે; આટલાં વર્ષ ગયાં, હવે સુધારો આવવો જોઈએ. પહેલાં જીવનની અયોધ્યામાં વેદનું શાસન આવે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેય હોય. પછી રામરાજ્યની વાત કરીએ. વેદના અનુશાસન પછી પણ કામ, કોષ અને મોહ ૩ શત્રુઓ છે. આ ૩ શત્રુઓને જીતવા પડશે.

culture news life and style lifestyle news columnists exclusive