સૌ પાસેથી લીધા પછી માણસ કૃતજ્ઞતા દર્શાવવાનું કેમ ભૂલી જાય છે?

30 April, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીતેલાં વર્ષો તરફ નજર નાખીને જોઈએ તો એક વાત સ્પષ્ટ દેખાય કે જીવનમાં આપણે એક જ કામ કર્યું છે - ઉપકારો લેતા રહેવાનું. સૂર્ય પાસેથી પ્રકાશ લીધો અને ચન્દ્ર પાસેથી ચાંદની લીધી. વાદળ પાસેથી વરસાદ લીધો અને વૃક્ષ પાસેથી છાયા લીધી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

વીતેલાં વર્ષો તરફ નજર નાખીને જોઈએ તો એક વાત સ્પષ્ટ દેખાય કે જીવનમાં આપણે એક જ કામ કર્યું છે - ઉપકારો લેતા રહેવાનું. સૂર્ય પાસેથી પ્રકાશ લીધો અને ચન્દ્ર પાસેથી ચાંદની લીધી. વાદળ પાસેથી વરસાદ લીધો અને વૃક્ષ પાસેથી છાયા લીધી. ફૂલ પાસેથી સુવાસ લીધી અને નદી પાસેથી પાણી લીધું. માબાપ પાસેથી સલામતી અને સરકાર પાસેથી સુવિધા તથા સુરક્ષા લીધી. સમાજ પાસેથી મર્યાદાઓ લીધી અને સજ્જનો પાસેથી સંસ્કારો લીધા. સંતો પાસેથી સદુપદેશ લીધો અને પ્રભુ પાસેથી ઉત્તમ આલંબન લીધું. નામી-અનામી અનેક આત્માઓ પાસેથી સહાય લીધી તો વડીલો પાસેથી હૂંફ અને ફરજનિષ્ઠો પાસેથી જીવન લીધું. સ્વજનો પાસેથી લાગણી અને નામી-અનામી અનેક આત્માઓ પાસેથી સહાય પણ જીવનની કરુણતા કહો તો કરુણતા અને આપણી કૃતઘ્નતા કહો તો કૃતઘ્નતા.

આપણે લીધેલા અને અત્યારે પણ એકધારા લઈ રહેલા ઉપકારો બદલ કોઈના પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરવાનું શીખ્યા નહીં. ઉપકાર કરવા બદલ કે ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા બદલ કોઈને પણ ધન્યવાદ આપવાનું શીખ્યા નહીં. જેમણે ઉપકાર કર્યા તેમના પ્રત્યે મુખનું સ્મિત ન દર્શાવી શક્યા કે ન મુખમાંથી લાગણીસભર શબ્દોચ્ચારણ કરી શક્યા. વાંચી છે પ્રીતમ લખલાણીની આ પંક્તિઓ?

પોતાના માળાને
કાટમાળ હેઠળ
દટાઈ ગયેલ જોઈને 
વિષાદ અનુભવતા પંખીને
આશ્વાસન આપતાં ખિસકોલીએ કહ્યું, 
‘માણસાઈને નેવે ચઢાવી 
માણસે બાંધેલા ઊંચા મકાનમાં 
હવે પછી કદી ભૂલથી પણ
માળો ન બાંધીશ’

હા, પશુજગત અને પક્ષીજગતમાં પણ ગુડવિલ ગુમાવી ચૂકેલા આપણે જો એ ગુડવિલ પાછી ઊભી કરવા માગીએ છીએ તો આપણે એક નાનકડું કામ આજથી જ, અત્યારથી જ શરૂ કરી દેવા જેવું છે. આભારની લાગણી વ્યક્ત કરવાનું, ધન્યવાદના શબ્દો બોલવાનું. એક વાર એની શરૂઆત કરશો તો સમજાશે કે કેટકેટલાનો ઉપકાર 
આપણા મસ્તક પર બોલે છે. માબાપથી લઈને ધર્મપત્ની સુધી અને આકાશથી લઈને ધરતી સુધીના સૌના આપણે ઋણી છીએ. એ ઋણ ક્યારેય ઊતરવાનું નથી તો એનું પ્રેમપૂર્વક શાબ્દિક સન્માન તો કરીએ, એટલી નગુણાઈ તો છોડીએ.

lifestyle news life and style culture news mental health life masala