આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

06 October, 2025 07:18 AM IST  |  Mumbai | Mukesh Pandya

આજે સોમવાર, શરદ પૂનમ અને સુપરમૂનનો ત્રિવેણી સંગમ: વરસાદ મજા ન બગાડે તો આ સંગમમાં સ્નાન જરૂર કરજો

સુપરમૂન એક એવી ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર પોતાના સામાન્ય આકારથી વધુ મોટો જોવા મળે છે

આજે વા૨ છે સોમવાર. સોમ એેટલે ચંદ્ર. જે દિવસે સૂર્યોદય સમયે ચંદ્રની હોરા સક્રિય હોય એ દિવસ સોમવાર એટલે કે ચંદ્રનું આધિપત્ય ધરાવતો વાર. વળી શરદની ગરમાગરમ ઋતુમાં દિવસનો ઉકળાટ સહન કર્યા પછી ફેલાતી રાત્રિમાં ઊગતો શીતળ વાયરા વીંઝતો શરદ પૂનમનો ચંદ્ર અને એની સાથે વળી સુપરમૂનનો સોહામણો અવસર.

આ ત્રણેય પરિબળોનો સહિયારો લાભ લેવો હોય તો પહોંચી જજો એવી જગ્યાએ જ્યાંથી તમને ચંદ્રની અખૂટ શક્તિ લૂંટવાનો દુર્લભ યોગ પ્રાપ્ત થાય. મુંબઈગરાઓ કંઈ નહીં તો તમારા મકાનની ટેરેસ પર દૂધપૌંઆ કે ખીર લઈને પહોંચી જજો. તમારે તમારા તનની અશક્તિ, મનની અશાંતિ અને આત્માના અસુખ સિવાય બીજું કાંઈ જ ગુમાવવું નહીં પડે.

આજે ૨૦૨૫ની ૬ ઑક્ટોબરે ધામધૂમથી શરદપૂનમ ઊજવાશે. પૂર્ણિમા બપોરે ૧૨.૨૩ વાગ્યે શરૂ થશે અને આવતી કાલે ૯ વાગ્યે સમાપ્ત થશે. અશ્વિન મહિનાના શુક્લ પક્ષની આ પૂર્ણિમાએ બમણા જોરથી આકાશમાંથી અમૃતરૂપી કિરણો વરસશે.

આજે સાંજે ૭.૩૦ વાગ્યે ચંદ્રોદય થશે ત્યારે એનું રૂપ જોવા જેવું હશે. એ રોજ કરતાં વધુ મોટો અને અનેકગણો તેજસ્વી હશે. કોઈ પણ ગ્રહ પૃથ્વીની નજીક આવે ત્યારે એ મોટો તો દેખાય, સાથે-સાથે આપણા તન-મન પર એની અધિક સારી અસર થાય છે એટલે આજે એની રૂબરૂ મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

વળી જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ આજે એક અનોખો સંયોગ બનવા જઈ રહ્યો છે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે હાજર રહેશે, જે આ દિવસને વધુ ખાસ અને ફળદાયી બનાવશે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાની રાતે કરેલા સમુદ્રમંથનમાંથી દેવી લક્ષ્મીનો ઉદ્ભવ થયો હતો એથી આ તિથિને લક્ષ્મીનો સ્રોત પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી આ દિવસે પૃથ્વી પર ટહેલવા નીકળે છે. જે લોકો રાતે જાગતા રહે છે અને તેમની પૂજા કરે છે તેમના પર લક્ષ્મીજી આશીર્વાદ વરસાવે છે અને ધનસમૃદ્ધિનો વરસાદ કરે છે.

શું છે આ સુપરમૂન?

સુપરમૂન એક એવી ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર પોતાના સામાન્ય આકારથી વધુ મોટો જોવા મળે છે અને એનું કારણ એ છે કે એ સમયે એ પૃથ્વીની સૌથી નજીક હોય છે. ચંદ્ર ધરતીની આસપાસ ચક્કર મારે છે પરંતુ એ ચક્કર ગોળ નહીં, લંબગોળ હોય છે એટલે ચંદ્રનું ધરતીથી અંતર એકસરખું ન રહેતાં રોજેરોજ બદલાતું રહે છે. ચંદ્ર ધરતીનું ચક્કર લગાવતાં-લગાવતાં પૃથ્વીની ઘણી નજીક આવી જાય છે એ સ્થિતિને પેરિજી કહેવાય છે. આ સ્થિતિમાં એનું અંતર લગભગ ૩,૬૩,૬૫૦ કિલોમીટર હોય છે. જ્યારે ચંદ્ર ધરતીથી દૂર થાય તો એના સૌથી દૂર સ્થાનને અપોજી કહેવામાં આવે છે. એ સમયે એનું અંતર ૪,૦૫,૫૦૦ કિલોમીટર જેટલું હોય છે. જ્યારે બાકીના સમયમાં ચંદ્રનું ધરતીથી અંતર સરેરાશ ૩,૮૪,૦૦૦ કિલોમીટર જેટલું હોય છે. ઍસ્ટ્રોલૉજર રિચર્ડ નૉલે પહેલી વખત ૧૯૭૯માં સુપરમૂન શબ્દનો ઉપયોગ કર્યો હતો. સુપરમૂન નૉર્મલ ચંદ્રની તુલનાએ ૭થી ૧૦ ટકા મોટો દેખાય છે, સાથે જ એ ૧૫થી ૨૦ ટકા વધુ ચમકદાર પણ દેખાય છે. સુપરમૂન એને કહેવાય જ્યારે પૂનમ પણ હોય અને સાથે-સાથે ચંદ્ર પૃથ્વીની અત્યંત નજીક પણ હોય. દર વર્ષે ત્રણથી ચાર વખત આવા સુપરમૂન જોવા મળે છે. જોકે આ વખતે સંજોગ એવા નિર્માણ થયા છે કે સતત ત્રણ મહિના સુધી સુપરમૂન દેખાશે. ઑક્ટોબર ઉપરાંત નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ એ ધરતીની આટલો જ નજીક હશે.

સોમવાર, શરદપૂનમ અને સુપરમૂન

ભારતમાં શરદ પૂનમ રંગેચંગે ઊજવાતી હોય છે. ચોમાસાના ચાર મહિના ચંદ્ર વાદળો પાછળ સંતાકૂકડી રમતો હોય છે. આસો મહિનામાં વાદળો હટી જતાં પૂનમનાં ચંદ્રદર્શન કરવાનું અને એની ચાંદનીમાં ફરવાનું શક્ય બને છે અને એ લોકોને ગમે છે. વાદળોનું આવરણ હટી જતાં આસો મહિનામાં સૂરજ પણ પોતાનું પોત પ્રકાશતો હોય છે જેને કારણે દિવસે ખૂબ જ ગરમી અનુભવાય છે. આ ગરમી ‘ઑક્ટોબર હિટ’ તરીકે ઓળખાય છે. આવી ગરમીથી બચવા અને ચંદ્રની શીતળતા પામવા લોકો રાતે વધુ બહાર નીકળવાનું પસંદ કરે છે. આસો મહિનામાં દરેક તહેવારો રાતે ઊજવાય છે; જેમ કે નવરાત્રિ, શરદપૂનમ, દિવાળી બધા તહેવાર રાતે ઊજવાય છે.

આજે સોમવાર છે એટલે ચંદ્રનો વાર. વળી શરદપૂનમ એટલે સોળે કળાએ ખીલતો પૂનમનો ચંદ્ર અને સુપરમૂન એટલે ચંદ્રમા આપણી સૌથી નજીક. આમ ત્રણે સંયોગોના સંગમમાં ચંદ્રસ્નાન કરવાનો લહાવો લેવા જેવો છે.

આજે દૂધ-પૌંઆ કે ખીર કેમ ખાવાં જોઈએ?

ધાર્મિક દૃષ્ટિએ કહેવાય છે કે આજે માતા લક્ષ્મી પૃથ્વી પર લટાર મારવા નીકળે છે. તેમને દૂધ-પૌંઆ કે ખીર ખૂબ પસંદ છે એટલે તેમના સ્વાગતમાં આવી વાનગીઓ બનાવાય છે. બીજી બાજુ આવી ખીર કે દૂધ-પૌંઆ આપણે ખાઈએ તો એ આ ગરમ ઋતુમાં ઔષધની ગરજ સારે છે.

બન્ને વાનગી દૂધ અને ચોખા કે પૌંઆથી બને છે. દૂધમાં ઘણું લૅક્ટિક ઍસિડ હોય છે અને પૌંઆ કે ચોખામાં ઘણો સ્ટાર્ચ હોય છે જે ચંદ્રના તેજસ્વી પ્રકાશને શોષે છે અને દૂધમાં વધુ સારા બૅક્ટેરિયા બનાવવામાં મદદ કરે છે. પૌંઆનો સ્ટાર્ચ આ કાર્યને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે. દૂધમાં મિત્ર બૅક્ટેરિયાનું પ્રમાણ વધતાં એ શરીર માટે દવા બની જાય છે.

જો ચાંદી કે કાંસાના વાસણમાં આ બે વાનગી બનાવવામાં આવે તો એ વધુ અસરકારક બની જાય છે.

આવી રીતે બનાવેલી વાનગીઓ જ્યારે શરદપૂનમની રાતે ચંદ્રકિરણો હેઠળ રાખવામાં આવે છે ત્યારે એના ગુણોમાં ઑર વધારો થાય છે.

આયુર્વેદનું માનીએ તો શરદપૂનમમાં વકરતા પિત્ત અને એને લીધે ઉત્પન્ન થતી ઍસિડિટી ગૅસ જેવી અનેક પિત્તજન્ય બીમારીઓ સામે ખીર કે દૂધ-પૌંઆનું સેવન અકસીર કામ આપે છે.

દૂધ સંપૂર્ણ ખોરાક છે તો ચોખા ઉત્તમ ધાન્ય છે. ચોખાનો સ્ટાર્ચ કાર્બોહાઇડ્રેટ રૂપે શરીરને ખૂબ શક્તિ પ્રદાન કરે છે. જાહેરાતોના જોરને કારણે કૉર્ન ફ્લેક્સ અને મકાઈનો ચેવડો ખાવામાં આપણે ચોખામાંથી બનતા રાઇસ ફ્લેક્સ અર્થાત્ પૌંઆનું મહત્ત્વ ઓછું આંકીએ છીએ, પરંતુ ગરમીમાં અને ભારત જેવા ગરમ પ્રદેશમાં એ જ વધુ ઉપયોગી બની રહે છે. સુદામાએ આપેલા સ્વાસ્થ્યવર્ધક પૌંઆ શ્રીકૃષ્ણએ પ્રેમથી ખાધા હતા. ભારતની આબોહવામાં ચોખા કે પૌંઆની વાનગી ઉત્તમ ખોરાક છે જે દવાની ગ૨જ પણ સારી શકે છે.

ચોખાને શેકીને બનાવેલા પૌંઆ સ્વાદમાં વધુ મીઠા અને પચવામાં વધુ હલકા લાગે છે. આમ ચોખા કરતાં એ વધુ ગુણકારી બની જાય છે. માત્ર શરદપૂનમ નહીં, પણ ગરમીના દિવસોમાં રોજ રાતે દૂધ-પૌંઆ ખાવા જોઈએ. એ ઠંડક અને શક્તિ બન્ને પ્રદાન કરે છે. પૌંઆને શેકીને બનાવવામાં આવતો ચેવડો ખાવાથી કોઈ બીમાર પડ્યું હોય એવું બન્યું નથી.

શરદપૂર્ણિમાનાં દૂધ-પૌંઆ અસ્થમાના દરદીઓ માટે પણ ખૂબ ફાયદાકારક કહેવાય છે. એ ઉપરાંત ચામડીના રોગોથી પીડાતા લોકો માટે પણ એ લાભદાયી છે. જો કોઈ વ્યક્તિને ચામડીનો રોગ હોય તો તેણે આ દિવસે ખુલ્લા આકાશ નીચે રાખેલાં દૂધ-પૌંઆ ખાવાં જોઈએ.

 દૂધ-પૌંઆ આંખોના રોગથી પીડાતા લોકોને પણ ફાયદો કરે છે. હકીકત એ છે કે શરદપૂર્ણિમાનો ચંદ્ર ખૂબ તેજસ્વી છે એથી જ દૃષ્ટિ ઓછી થતી હોય એવી વ્યક્તિઓએ આ ચંદ્રને જોતા રહેવું જોઈએ. કારણ કે એ દૃષ્ટિને સુધારે છે. આ સાથે આ રાતની ચાંદનીમાં દૃષ્ટિ વધારવા માટે સોયમાં અનેક વખત દોરો પરોવવાની રમત રમવી જોઈએ. સૂર્યનાં પ્રખર અને ગરમ કિરણોને ગાળીને ચંદ્ર સૌમ્ય અને શીતળ કિરણો પૃથ્વી પર મોકલે છે એટલે જ ચંદ્રનું એક નામ સૌમ્ય પરથી સોમ પણ પાડવામાં આવ્યું છે. ચંદ્રનાં કિરણો પણ સૂર્યકિરણોની જેમ આપણા શરીરની અંદર ઉપયોગી વિટામિન-ડી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

આ ઉપરાંત શરદપૂર્ણિમાનો ચંદ્ર અને દૂધ-પૌંઆ હૃદય તેમ જ ફેફસાંના દરદીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

જ્યોતિષવિજ્ઞાનનું માનીએ તો પૂનમનો ચંદ્ર જેમ પાણી પર અસર કરી સમુદ્રમાં ભરતી-ઓટ લાવે છે એમ આપણા પાણી જેવા ચંચળ મન પર સારી અસર કરે છે. ચંદ્રની હાજરી મનની ઠંડક સાથે એની શક્તિ પણ વધારે છે. મનોબળ મજબૂત બનાવે છે. શરીરનું બળ થોડું ઓછું હોય તો ચાલે પણ મનોબળ મજબૂત હોય તો માણસની સફળતાના ચાન્સિસ ઘણા વધી જાય છે.

પૂનમનો ચંદ્ર પ્રેમનું પ્રતીક પણ છે. રાધા-કૃષ્ણ સહિત અનેક ગોપ-ગોપીઓ પૂનમની રાતે પ્રેમના પરિપાક સમા રાસ રમીને અલૌકિક આનંદ મેળવતાં હતાં.

વરસાદ વિલન ન બને તો આજે રાસ રમવાના બહાને ધરની બહાર અવશ્ય નીકળજો અને મનમાં આનંદ સાથે ગણગણજો...

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો...

lifestyle news life and style culture news navratri columnists exclusive