28 September, 2025 07:16 AM IST | Mumbai | Mukesh Pandya
શ્રી કાત્યાયિની
ગઈ કાલ સુધી આપણે જોયું કે કેવી રીતે એક પુત્રી કિશોરી બને છે, યુવતી બને છે, સોહાગણ બને છે, ગર્ભ ધારણ કરે છે અને અંતે સંતાનને જન્મ આપે છે. આ ક્રિયાઓને સુપેરે પાર પાડનાર અનુક્રમે શ્રી પાર્વતી, શ્રી બ્રહ્મચારિણી, શ્રી ચંદ્રઘંટા, શ્રી કુષ્માંડા અને શ્રી સ્કંદમાતાનાં પૂજન-અર્ચન કર્યાં અને હવે પુત્રીથી માતા સુધીની સફળ સફર ખેડનાર શક્તિ પૂરા જગતના કલ્યાણ માટે સફર ખેડે છે. સ્વથી સર્વસ્વ બને છે. હવેના છેલ્લાં ચાર સ્વરૂપનાં પૂજન કરીને, આચરણ કરીને સામાન્ય માનવી પણ શક્તિ મેળવી શકે છે, અનેક પ્રકારની સિદ્ધિ મેળવી શકે છે અને જગતકલ્યાણનાં કામ કરી શકે છે.
માતા કાત્યાયિનીના એક હાથમાં તલવાર છે એનાથી તેમણે અનેક રાક્ષસોનો સંહાર કર્યો છે તો બીજો હાથ વરદ મુદ્રામાં છે જે ભક્તોને વરદાન આપે છે. આ જગતમાં જ્યાં પણ આસુરી વૃત્તિ છે તેના માથે માતાની લટકતી તલવાર છે અને જ્યાં પણ માનવીય વૃત્તિ છે, દૈવીવૃત્તિ છે તેમના પર
માતાજીના ચારે હાથ છે.
હવે કર્મના નિયમ પ્રમાણે કેવી વૃત્તિ રાખવી કે કેવાં કર્મ કરવાં એ મનુષ્યના હાથમાં છે, પરંતુ એ કર્મ કર્યા પછી એને કેવાં ફળ આપવાં એ માતાજીના હાથમાં છે. માતાજીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા ત્રિદેવ સહિત અનેક દેવોએ શસ્ત્રરૂપી શક્તિ આપી છે. એના ઉપયોગ થકી તેઓ સંહાર કરી શકે છે અને સંવર્ધન પણ કરી શકે છે. જગતના કલ્યાણ માટે દેવી આસુરી વૃત્તિને તેનું કર્મફળ આપતાં સંહાર કરે છે તો દેવીવૃત્તિનું સંવર્ધન પણ કરી શકે છે.
હવે કર્મની થિયરી મુજબ એક મનુષ્ય તરીકે કેવાં કર્મ કરવાં, આસુરી કે દૈવી, એ આપણા હાથમાં છે.
જો આપણે આપણું સંવર્ધન ઇચ્છતા હોઈએ, વિકાસ ઇચ્છતા હોઈએ તો દૈવીવૃત્તિ અપનાવવી જરૂરી છે.
આ નવરાત્રિ આપણને આસુરી વૃત્તિથી દૈવીવૃત્તિ તરફ વળવાના રસ્તા પણ સૂચવે છે. નવરાત્રિમાં શક્તિનાં દર્શન-પૂજન-આરતી ઉપરાંત હાથ ધરાતી ચાર ધાર્મિક ક્રિયાઓ આપણને દૈવીવૃત્તિ તરફ આગળ વધવામાં સહાય કરે છે.
આ ચાર ક્રિયાઓ છે ઃ ઉપવાસ - અનુષ્ઠાન, ગરબા, યજ્ઞ અને નૈવેદ્ય.
નવરાત્રિના છેલ્લા ચાર દિવસોમાં આપણે શક્તિનાં છેલ્લાં ચાર સ્વરૂપોનાં પૂજન કરતાં-કરતાં આ ચાર ક્રિયાઓનું મહત્ત્વ પણ જાણીશું.
આજે ઉપવાસ વિશે વાત કરીએ.
આજકાલ વિકસી રહેલા વિજ્ઞાનને પ્રતાપે સૌકોઈ જાણે છે કે ઉપવાસ એ માત્ર ધાર્મિક પ્રક્રિયા નથી, વૈજ્ઞાનિક કાર્ય પણ છે. જપાનના વૈજ્ઞાનિકોએ ઑટોફાગીના નામે ઉપવાસ પર સંશોધન કરીને શોધી કાઢ્યું કે ઉપવાસ તો શરીરની અનેક આસુરી વૃત્તિ સમાન બીમારીઓનો નાશ કરવા સક્ષમ છે. આ સંશોધનને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું ત્યારે આપણી પરંપરામાં તો યુગોથી વ્રત-ઉપવાસ કરવાનું વિધાન છે જ.
ઉપવાસના દિવસે શરીરના પાચક રસોને બહારથી કોઈ ખોરાક ન મળતાં એ શરીરની અંદરનાં જ વિષદ્રવ્યો, બગડેલા કોષો અને વધારાની ચરબીને ઓહિયાં કરી જઈ શરીરને સાફ અને સ્વસ્થ બનાવી દે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે ઉપવાસ જ પરમ ઔષધ છે. પ્રકૃતિને વશ થઈને જીવતાં ગાય-ભેંસ જેવાં પ્રાણીઓ પણ શરીરને અસુખ જેવું લાગે તો ખાવાપીવાનુ છોડી દે છે અને ફરી સ્વસ્થ બની જાય છે. ઉપવાસ આપણું મનોબળ પણ વધારે છે.
એક વાર નક્કી કર્યું કે આજે ભોજન નથી કરવું ત્યારે છપ્પનભોગ સામે આવે તો પણ ચલિત ન થવાની વૃત્તિ આપણા મન પર વિજય કરે છે. આપણી ઇન્દ્રિયો રોજ મનને વશ થઈ મનને ફાવે એવી પ્રવૃત્તિ કરતી હોય છે, પણ ઉપવાસ વખતે આપણે આપણી ઇન્દ્રિયોને કડક સંયમમાં રાખીએ છીએ ત્યારે મન પણ ઇન્દ્રિયોને વશ થઈ જાય છે. અત્યાર સુધી ઇન્દ્રિયો અને મન નચાવે એમ આપણે નાચતા હતા, પરંતુ ઉપવાસના દિવસે આપણે ઇન્દ્રિયો અને મનને નચાવી શકીએ છીએ.
ટૂંકમાં કહીએ તો ઉપવાસથી આપણી શારીરિક અને માનસિક શક્તિમાં અનેકગણો વધારો થાય છે. માતા પાર્વતીએ આકરા ઉપવાસ અને વ્રતોથી જ મહાદેવની કૃપા અને શક્તિ મેળવી હતી. ઉપવાસ જોડે વ્રત જોડાઈ જાય ત્યારે એ વધુ આકરી કસોટી બની જાય છે તો વધુ સારાં ફળ પણ આપે છે. દાખલા તરીકે, ઘણા લોકો નવરાત્રિમાં નવેનવ દિવસ એકટાણાં કરે છે તો એથી આગળ વધીને ઘણા લોકો નવેનવ દિવસ ઉપવાસ કરે છે. કેટલાક ફળાહાર કરે છે તો કેટલાક એનો પણ ત્યાગ કરે છે. એટલું ખરું કે જેટલા અધરા ઉપવાસ એટલી મનની શક્તિઓમાં વધારો થાય છે. આપણે પાર્વતી જેવા વર્ષોનાં વર્ષ સુધી ઉપવાસ ન કરી શકીએ તો કમસે કમ આ ૯ રાત્રિઓ દરમ્યાન યથાશક્તિ કરીશું તો એ આપણા ફાયદા માટે જ હશે.
ઉપવાસ-વ્રતથી તન કે મનની જ નહીં પરંતુ આત્માની શક્તિમાં પણ વધારો થાય છે. આપણાથી જાણ્યે-અજાણ્યે દુષ્કર્મ થયાં હોય એના કર્મની થિયરી પ્રમાણે આપણે કષ્ટરૂપે એ ભોગવવાં જ પડે છે. અગર આપણે જ ઉપવાસ અને કઠિન વ્રતો આ નવરાત્રિ દરમ્યાન અપનાવીને શરીર-મનને કષ્ટ આપવાની મુશ્કેલ પ્રક્રિયા પાર પાડીએ તો બહારથી આવતી મુશ્કેલીઓમાં ઘટાડો થાય છે. આપણાં કર્મો કપાય છે. આપણાં સુખ-શાંતિ અને મોક્ષનાં દ્વાર ખૂલે છે.
હે મા જગદંબા, તમે તો યુગોના યુગો સુધી ઉપવાસ અને વ્રતોરૂપી આકરી તપસ્યા કરી. અમે પણ આ નવરાત્રિ દરમ્યાન ફૂલ હીં તો ફૂલની પાંખડી સમાન ઉપવાસ-વ્રત કરી શકીએ એવી પ્રેરણા અને શક્તિ આપો. આવતી કાલે મા કાલરાત્રિ અને દરરોજ રાતે ૨માતા ગરબારાસના મહત્ત્વ વિશે જાણીશું.