સ્વચ્છતા, શુદ્ધતા અને શાંતિની સ્થાપના કરતી શક્તિ એટલે માતાજીનું આઠમું સ્વરૂપ : શ્રી મહાગૌરી

30 September, 2025 07:30 AM IST  |  Mumbai | Mukesh Pandya

શ્વેત અર્થાત્ સફેદ રંગ સ્વચ્છતા, શુદ્ધતા અને શાંતિ પ્રસરાવતો રંગ છે.

શ્રી મહાગૌરી

જેમ ભયંકર વાવાઝોડા પછી નીરવ શાંતિ પથરાઈ જતી હોય છે એમ કાળરાત્રિના રૌદ્ર સ્વરૂપ થકી આસુરી શક્તિનો સંહાર કર્યા બાદ હવે દેવી શાંત સ્વરૂપ ધારણ કરે છે. આ દેવીની વાર્તા તો એવી છે કે શિવને પ્રાપ્ત કરવા પાર્વતી કઠોર તપશ્ચર્યા કરે છે એનાથી તેમનું શરીર કાળું પડી જાય છે. તેમની કઠિન સાધનાથી શિવ પ્રસન્ન થાય છે અને પાર્વતી સમક્ષ પ્રગટ થાય છે. તેમની સૂચનાથી પાર્વતીજી ગંગા નદીમાં સ્નાન કરીને પાછાં પોતાના શ્વેત સ્વરૂપમાં આવી જાય છે.

શ્વેત અર્થાત્ સફેદ રંગ સ્વચ્છતા, શુદ્ધતા અને શાંતિ પ્રસરાવતો રંગ છે.

સફેદ વસ્ત્રો ધારણ કર્યાં હોય તો જરાસરખી પણ મલિનતા પ્રવેશે તો તરત જ દેખાઈ આવે છે, પરંતુ કાળા રંગમાં કાળો કાદવ પણ ભળી જાય તો દેખાતો નથી. સફેદ રંગ આપણને સ્વચ્છ રહેવા માટે સતત આગ્રહ કરતો રહે છે, સજાગ રાખતો રહે છે. જરાસરખી બેદરકારી રાખીશું તો ડાઘ તરત દેખાશે એ ભયે એ મલિન તત્ત્વોથી દૂર રહેવા પ્રયત્નશીલ છે.

કાળા રંગમાં મલિનતા ભળી જાય તો પણ એ દેખાતી નથી અને માણસ સ્વચ્છતા બાબત ગાફેલ રહે છે. સફેદ વસ્ત્ર એક જ વાર પહેર્યા પછી મેલું દેખાય છે એટલે એને જલદીથી ધોવા માટે નખાય છે. આમ મલિનતા દૂર થઈ સ્વચ્છતા જળવાય છે.

કાળાં વસ્ત્રોમાં પણ મલિનતાના કાળા ડાઘ તો પડે છે, પરંતુ એ દેખાતા નથી એટલે વારંવાર ધોતા નથી; પણ હા, આવાં ધોયા વગરનાં અસ્વચ્છ વસ્ત્રો શરીરના સંપર્કમાં આવીને નાની-મોટી બીમારીનો ભોગ બનાવી શકે છે.

સફેદ વસ્ત્રો વ્યક્તિને જાગૃત રાખે છે તો ઘેરાં વસ્ત્રો માણસને ભ્રમમાં રાખે છે. સત્ય હંમેશાં દિવા જેવું સ્પષ્ટ અને શ્વેત હોય છે. એના પર જૂઠ અને ફરેબના શ્યામરંગી ધાબા લાગે છે ત્યારે એ મલિન બની જાય છે. આ મલિનતાને દૂર કરવાની પ્રેરણા અને શક્તિ મહાગૌરીનાં દર્શન-પૂજનથી મળે છે. તેમનું શ્વેત વર્ણ, શ્વેત વસ્ત્રો, શ્વેત ઘરેણાં અને શ્વેત નંદી પર સ્થિત સ્વરૂપ જોતાંની સાથે જ મન મલિનતાથી વિમુક્ત થવા લાગે છે, સ્વચ્છ અને શુદ્ધ થવા લાગે છે. હૉસ્પિટલોના પડદા અને ચાદર-તકિયા સફેદ હોય છે જે રોગાણુઓનું અપાકર્ષણ કરે છે. એને રોજેરોજ ધોવા પડે છે જેથી બીમારી કે ચેપ સામે રક્ષણ મળે, તંદુરસ્તી જળવાઈ રહે. જ્યારે ઘેરા રંગ તરફ જંતુઓ વધુ આકર્ષાઈને બીમારી ફેલાવે છે.

સફેદ રંગ સૂર્યપ્રકાશને તરત જ પરાવર્તન કરીને પોતે જલદીથી ગરમ નથી થતો અને આપણને પણ ગરમીથી બચાવે છે. મનને શીતળતા, સૌમ્યતા અને શાંતિનો અનુભવ કરાવે છે; જ્યારે કાળો રંગ જલદીથી ગરમ થઈને મનને અકળાવે છે, અસ્વસ્થ કરી મૂકે છે.

તમને સ્વચ્છતા, નિરોગીતા, શુદ્ધતા અને શાંતિ જોઈતી હોય તો આજે મહાગૌરી સ્વરૂપનું દર્શન કરી તેમના રૂપ અને ગુણને આત્મસાત કરવાનો પ્રયાસ કરજો.

અષ્ટમીનો હવન તન, મન અને વાતાવરણને સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરવાની શક્તિ ધરાવે છે. નવરાત્રિ દરમ્યાન નવદુર્ગાનાં પૂજન-અર્ચન સાથે આપણે ઉપવાસ કરીએ છીએ, ગરબા રમીએ છીએ એનું મહત્ત્વ તો જાણ્યું. આજે જાણીએ હવનની ઉપયોગિતા વિશે.

આપણે પાણીને જંતુમુક્ત અને શુદ્ધ કરવા એને ઉકાળીએ છીએ. બસ એ જ રીતે હવન વિશે સરળ ભાષામાં સમજાવવું હોય તો કહી શકાય કે જે હવાને ઉકાળીને જંતુમુક્ત અને શુદ્ધ કરે એ હવન. જેમ પાણીને ઉકાળવા અગ્નિની જરૂર પડે છે એમ હવાને ઉકાળવા પણ અગ્નિ અર્થાત્ યજ્ઞની જરૂર પડે છે. પાણીને પાત્રમાં ભરીને ઉકાળી શકાય છે, પરંતુ અત્રતત્રસર્વત્ર ફેલાયેલી હવાને શુદ્ધ કરવા હવન જ કરવો પડે. આજે આઠમના દિવસે ઠેર-ઠેર હવન થશે એ બિલકુલ યોગ્ય અને પ્રાસંગિક છે.

ચોમાસાના દિવસોમાં વાતાવરણ ડહોળાય છે, જ્યાં-ત્યાં ગંદકી, રોગાણુઓ અને બીમારી ફેલાય છે. શરદઋતુની ઘડીક ગરમી, ઘડીક વરસાદ તો ઘડીક ઠંડી જેવા વાતાવરણમાં રોગાણુઓ ખૂબ ઝડપથી ફેલાય છે. આ ઋતુમાં માંદગી વધુ ફેલાય છે. આ સમયે શહેરમાં ઠેર-ઠેર હવન કર્યા હોય તો હવા રોગાણુમુક્ત થવા લાગે છે.

પાંચ મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશમાં અગ્નિ બરાબર મધ્યનું સ્થાન શોભાવે છે. અગ્નિ માત્ર મહાભૂત જ નથી, પણ પૃથ્વી તેમ જ પાણીમાં ફેલાયેલી અશુદ્ધિઓને દૂર કરી વાયુમંડળ અને આકાશને સ્વચ્છ અને શુદ્ધ કરી દેવાની શક્તિ ધરાવે છે. પૃથ્વી પ્રદૂષિત થઈ શકે, જળ પ્રદૂષિત થઈ શકે, વાયુ અને આકાશ પણ પ્રદૂષિત થઈ શકે, પરંતુ અગ્નિ ક્યારેય પ્રદૂષિત ન થાય. ઊલટાનું એના સંસર્ગમાં આવતું દરેક તત્ત્વ તાપમાં તપીને શુદ્ધ થાય છે.

આપણે દિવસમાં બે કે ત્રણ વાર ખોરાક ખાઈએ છીએ, છ-સાત વાર પાણી પીએ છીએ, પરંતુ હવા તો પળે-પળે ગ્રહણ કરીએ છીએ. છતાંય નવાઈની વાત એ છે કે આપણે ખોરાક અને પાણીની સ્વચ્છતા અને શુદ્ધતા બાબતે જેટલી દરકાર રાખીએ છીએ એટલી દરકાર હવાની શુદ્ધતા માટે નથી રાખતા, ઊલટાનું હવાને શુદ્ધ કરતા શાસ્ત્રોક્ત હવનની કેટલાક કહેવાતા બુ​દ્ધિજીવીઓ ઉપેક્ષા કરે છે, મજાક ઉડાડે છે. તેઓ કહે છે કે હવનમાં અનેક ખાદ્ય સામગ્રીઓ, સૂકા મેવા અને ઘી હોમાય છે એ ન હોમતાં એનાથી ગરીબોનું પેટ ભરવું જોઈએ. યજ્ઞમાં હોમાતાં દ્રવ્યો વેડફાઈ જતાં હોય એવું લાગે છે. તેઓ કહે છે કે આ તો અન્નનો વેસ્ટેજ છે.

અરે મારા ભાઈ, અહીં જ તો તેમની ભૂલ થાય છે. તેમને કોઈ સમજાવો કે અગ્નિમાં અન્ન હોમાય એ વેસ્ટ નહીં પણ ઇન્વેસ્ટ છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ચોખ્ખું કહે છે કે ‘અન્નથી જ યજ્ઞ થાય છે, યજ્ઞથી જ વરસાદ આવે છે અને વરસાદથી જ વળી પાછું અન્ન પેદા થાય છે.’ આમ સૃષ્ટિચક્ર સુપેરે ચાલે એ માટે સૂર્યની જેમ અગ્નિતત્ત્વ અર્થાત્ યજ્ઞ પણ જરૂરી છે. વળી આવા યજ્ઞોમાં વિવિધ ઔષધિયુક્ત લાકડાં (સમિધ), ગાયનાં છાણાં, ઘી, શ્રીફળ, પૌષ્ટિક ચોખા, સૂકા મેવા, જવ, તલ, ખાંડ અને હળદર જેવાં અનેક રીતે ઉપયોગી દ્રવ્યો પણ વપરાતા હોવાથી વાતવરણ જંતુમુક્ત થઈ સ્વચ્છ અને શુદ્ધ થાય છે. શરદઋતુમાં ફેલાતી બીમારીઓ દૂર થાય છે.

હવે રહી વાત ગરીબોને ખવડાવવાની.

મિત્રો તમે કોઈને અન્ન ખવડાવો તો એક-બે જણને ખવડાવો છો. એનું પ્રવાહી સ્વરૂપ કરીને આપો તો બધું બે-ચાર જણને પહોંચે, પરંતુ જ્યારે અગ્નિમાં હોમી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કરો છો ત્યારે એનો પૌષ્ટિક અને ઔષધિયુક્ત લાભ આસપાસના હજારો લોકોને મળે છે. અરે, આપણી આસપાસ રહેલાં પશુ-પંખી, વનસ્પતિ સહિત પૂરા વાયુમંડળને લાભ મળે છે. પૂરા સમાજને લાભ મળે છે એેટલે જ અગાઉના સમયમાં રાજા-મહારાજાઓ ખુદ વાર-તહેવારે યજ્ઞકાર્ય કરતા હતા. હવન-યજ્ઞો, સમાજકલ્યાણનું કામ કરતા હતા, કરે છે અને કરતા રહેશે. ગરીબોને અવશ્ય અન્નદાન કરવું જોઈએ, પણ એના માટે કંઈ અગ્નિને આહુતિ આપવાનું બંધ ન થાય. હવનનો લાભ અમીર, ગરીબ સહુને મળે છે.

હે મા દુર્ગા, હે શક્તિરૂપા, ઘણા લોકો સનાતન ધર્મના વિજ્ઞાનને જાણ્યા-સમજ્યા વગર એની મજાક ઉડાડે છે, એનો વિરોધ કરે છે, તેમને સમજશક્તિ પ્રદાન કરજો. 

આજે આઠમના હવન થશે એ સ્થળે શ્રદ્ધા સાથે કે શ્રદ્ધા વગર પણ જશો તોયે ભાત-ભાતના લાભ તમને થશે, થશે અને થશે જ. એમાં શંકાને સ્થાન નથી.

lifestyle news life and style culture news navratri garba columnists exclusive