લોકસંગીતને નવું નહીં, નવી પેઢી માટે સહજ બનાવવું છે, કહે છે કલાકાર શિવમ બારોટ

05 September, 2026 09:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘ધ હોરઠ પ્રોજેક્ટ’માં ગુજરાતી લોકસંગીત, સંતવાણી અને ડાયરાની પરંપરાને સમકાલીન સાઉન્ડ સાથે રજૂ કરતા શિવમ બારોટ માને છે કે લોકગીતની ઓળખ બદલ્યા વિના પણ તેને આજની પેઢી સુધી પહોંચાડી શકાય છે.

શિવમ બારોટ

ગુજરાતી લોકસંગીત, સંતવાણી અને ડાયરો માત્ર મનોરંજનનાં માધ્યમ નથી. તેમાં પેઢીઓના અનુભવો, જીવનના પ્રશ્નોના ઉત્તર અને માણસના મનને સ્પર્શતી વાતો સચવાયેલી છે. જોકે બદલાતા સમય અને શ્રોતાઓની બદલાતી પસંદ વચ્ચે આ પરંપરા નવી પેઢી સુધી કેવી રીતે પહોંચે? શિવમ બારોટનો ‘ધ હોરઠ પ્રોજેક્ટ’ આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ છે.

‘ધ હોરઠ પ્રોજેક્ટ’ હેઠળ શિવમ ગુજરાતી લોકસંગીતને સમકાલીન સાઉન્ડ અને રજૂઆત સાથે નવી પેઢી સુધી લઈ જઈ રહ્યો છે. જોકે તે સ્પષ્ટ કરે છે કે આ પ્રયાસ પરંપરાને બદલવાનો કે તેના નામે કશુંક સાવ નવું ઊભું કરવાનો નથી. શિવમ કહે છે, “ગુજરાતી લોકસંગીત, સંતવાણી અને ડાયરામાં આપણા જીવનના ઘણા પ્રશ્નોના ઉત્તર રહેલા છે. પેઢીઓથી કહેવાતી આ વાતોને સરળ અને આજના સમયને અનુરૂપ સાઉન્ડ સાથે નવી પેઢી સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. અમે લોકપરંપરાને બદલીને કશું નવું બનાવવા માગતા નથી. જે આપણી પાસે પહેલેથી છે, તેને આજની પેઢી સરળતાથી સાંભળી, સમજી અને તેની સાથે જોડાઈ શકે એ રીતે રજૂ કરવા માગીએ છીએ.”

નવી પેઢીને લોક સંગીતમાં રસ 

આજના યુવાનો પોતાના મૂળથી દૂર જઈ રહ્યા હોવાની ફરિયાદ વારંવાર સાંભળવા મળે છે. બીજી તરફ, લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમોમાં યુવાનોની વધતી હાજરી અલગ જ ચિત્ર રજૂ કરે છે. શિવમ માટે આ પરિવર્તન આશ્વાસન આપનારું છે. તે કહે છે, “મને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે આજની પેઢી ફરી આપણા લોકઢાળનાં ગીતો તરફ વળી રહી છે. અગાઉ કદાચ આપણે આ ગીતોને માત્ર વારસો કે પરંપરાનો ભાગ માનીને સાંભળતા હતા, પરંતુ હવે યુવાનો તેમાં રહેલા અર્થ, સાર અને લાગણીને પણ સમજવા લાગ્યા છે. મને ખરેખર લાગે છે કે આ જ પેઢી આપણા લોકસંગીતને આગળ લઈ જશે અને તેને નવી ઊંચાઈ આપશે.” પરંપરાગત ડાયરો કલાકો સુધી ચાલતો. તેની સામે આજના શ્રોતાઓ રીલ્સ અને ટૂંકા કન્ટેન્ટ વચ્ચે જીવવા ટેવાયેલા છે. આવી પેઢીને લોકસંગીત સાથે જોડવા માટે માત્ર સમયગાળો ટૂંકો કરવો પૂરતો નથી; રજૂઆત એવી હોવી જોઈએ કે ગીત પાછળની વાર્તા, પ્રસંગ અને લાગણી પણ શ્રોતા સુધી પહોંચે.

શિવમના મતે લોકસંગીતને બીજા કોઈપણ સંગીતથી અલગ પાડતી બાબત તેનો માત્ર સૂર નહીં, પરંતુ તેની પાછળ રહેલી કથા છે. તે કહે છે, “ગુજરાતી લોકસંગીત હોય કે વિશ્વના અન્ય કોઈ પ્રદેશનું લોકસંગીત, તેની સુંદરતા એ છે કે દરેક ગીત કોઈ ચોક્કસ પરિસ્થિતિમાંથી જન્મેલું હોય છે. દરેક ગીત પાછળ એક વાત, એક લાગણી અને સૌથી મહત્ત્વનું, કોઈ ઊંડો અર્થ રહેલો હોય છે.” લોકસંગીતને સમકાલીન સાઉન્ડ, સ્ટાઇલિંગ અને પ્રોડક્શન સાથે રજૂ કરવામાં એક જોખમ પણ રહેલું છે; રચના આકર્ષક તો બને, પરંતુ તેનું મૂળપણું ખોવાઈ જાય. શિવમ આ સંતુલન અંગે સજાગ છે. તેના માટે કમર્શિયલ સાઉન્ડ કરતાં ક્રિએટિવ સાઉન્ડ વધુ મહત્ત્વનો છે.

હોરઠ પ્રોજેક્ટ પાછળની વાર્તા

“દરેક ગીતને તેની આગવી ઓળખ મળે એવો સ્પર્શ આપવો મને ગમે છે. સાંભળનારને ગીત નવું લાગે, પરંતુ તેને લોકસંગીત બનાવતી તેની મૂળ આત્મા અકબંધ રહેવી જોઈએ,” તે કહે છે. આ મૂળ આત્માને જાળવવા માટે શિવમ માત્ર રચનાના ટેક્નિકલ પાસાં પર આધાર રાખતો નથી. ‘હોરઠ’ની દરેક રચના પાછળ રહેલા સ્થળ, પ્રસંગ અને ભાવવિશ્વને પહેલાં પોતે અનુભવવાનો પ્રયત્ન કરે છે  તે સમજાવે છે, “હોરઠની દરેક રચના કરતી વખતે એ વિચાર કે વાર્તા જે જગ્યા, પરિસ્થિતિ અથવા લાગણીમાંથી જન્મ્યાં હોય તેને અનુભવવાનો મારો પ્રયાસ રહે છે. મારા માટે લોકસંગીત માત્ર ટેક્નિકલ સાઉન્ડ નથી. તેમાં એક ઇમોશનલ સાઉન્ડ વેવ પણ હોવી જોઈએ. કલાકાર ગીત પાછળની લાગણીને ખરેખર અનુભવે અને એ ભાવ તેના અવાજમાં ઊતરે, ત્યારે જ મને લાગે છે કે આપણે એ લોકગીતને સાચો ન્યાય આપી શક્યા.” ડાયરો અને લોકસંગીતમાં સમાજ, ભક્તિ, હાસ્ય અને રોજિંદા જીવનની વાતો હંમેશાં કેન્દ્રમાં રહી છે. એટલે શિવમ માટે સંગીત માત્ર સુંદર લાગવું પૂરતું નથી; તેણે કશુંક કહેવું પણ જોઈએ. જોકે માત્ર ગહન અર્થ હોય અને તેની સાથે લાગણી ન હોય, તો એ રચના પણ અધૂરી રહે છે.

“મારા માટે સંગીતમાં માત્ર સાર હોવો પૂરતો નથી અને માત્ર લાગણી હોવી પણ પૂરતી નથી. બંને સાથે હોવા જોઈએ. શબ્દોમાં કહેવા જેવું કશુંક હોવું જોઈએ અને સંગીત એ શબ્દો જે કહેવા માગે છે તેનો અનુભવ કરાવતું હોવું જોઈએ. આ સંતુલન જ અર્થસભર લોકરચનાનું સર્જન કરે છે,” તે કહે છે. શિવમ માટે ગુજરાતી લોકસંગીત કોઈ એક સંગીતપ્રકાર કે કારકિર્દીનો હિસ્સો નથી. તેના શબ્દોમાં, “ગુજરાતી લોકસંગીત મારા માટે માત્ર સંગીત નથી, એ મારું સર્વસ્વ છે.”

કલાકરની જવાબદારી

‘હોરઠ’ને વધુ ને વધુ સ્થળો અને શ્રોતાઓ સુધી પહોંચાડવાનું તેનું સ્વપ્ન છે, પરંતુ આ વિસ્તરણમાં તેની મૂળ ઓળખ ભુલાઈ ન જાય એ સૌથી મોટી જવાબદારી હોવાનું તે માને છે. “હોરઠ બધે પહોંચશે એ ચોક્કસપણે અમારા વિઝનનો ભાગ છે. પરંતુ તે જ્યાં પણ પહોંચે ત્યાં પોતાનાં મૂળ, પોતાની માટી અને પોતાની ઓળખ સાથે લઈને જાય એ અમારી સૌથી મોટી જવાબદારી છે.” કદાચ આ જ કારણ છે કે શિવમને ગીતો કરતાં દુહા વિશેષ આકર્ષે છે. દુહાની કેટલીક પંક્તિઓમાં જીવનનો વિશાળ અનુભવ સમાઈ શકે છે. તે કહે છે, “એક દુહામાં બહુ ઓછા શબ્દોમાં આખા જીવનનો સાર વ્યક્ત કરવાની શક્તિ હોય છે. મારા માટે સાચું લોકસંગીત એટલે પ્રામાણિક લાગણી સાથે ઓછા શબ્દોમાં અત્યંત ગહન વાત કહી દેવી.” શિવમ બારોટનો ‘ધ હોરઠ પ્રોજેક્ટ’ , 5 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 8 વાગ્યાથી ધ સ્ટુડિયો થિયેટર, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC), મુંબઈ ખાતે રજૂ થયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતી લોકસંગીત અને ગરબાની પરંપરા વાર્તાકથન તથા સમકાલીન સંગીત ઊર્જા સાથે રજૂ કરવામાં આવી હતી. 

nmacc culture news indian music