કલિયુગમાં ભક્તિ સિવાય ભગવાનનાં દર્શનની આશા રાખવી જ વ્યર્થ

09 October, 2025 12:57 PM IST  |  Mumbai | Vaishnavacharya Dwarkeshlalji

શ્રી કૃષ્ણદાસજી આટલી વિગત લઈને શ્રી આચાર્ય ચરણ પાસે આવ્યા અને બોલ્યા, ‘કૃપાનાથ! આ જીવનો ઉદ્ધાર કરો. તેના હૃદયનો વિરહ તાપ શાંત કરો.’

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એક વાર શ્રીમદ વલ્લભાચાર્યજી તાપી નદીના કિનારે આગળ વધી રહ્યા હતા. તેમની સાથે તેમના સેવકો શ્રી દામોદરદાસજી તેમ જ શ્રી કૃષ્ણદાસ પણ હતા. ફરતાં-ફરતાં શ્રી મહાપ્રભુજી દુર્વાસા ક્ષેત્ર એટલે હાલના ડુમસ પાસે આવી પહોંચ્યા. આ સ્થળે આચાર્યશ્રી અને તેમના સેવકોએ એક યોગીને સાધનામાં વ્યસ્ત થયેલા જોયા. બંધ આંખો, ઘેઘૂર ઘટા, ખુલ્લું શરીર અને એમાં પણ એક હાથ અને પગ તો સુકાઈ ગયા હતા. આમ છતાં શરીરની દરકાર કર્યા વગર જ એકચિત્તે તપશ્ચર્યામાં લીન હતા. કૃષ્ણદાસજી તપસ્વીની નજીક પહોંચ્યા ‘મહારાજ, આવા નિર્જન વનમાં આપ કેમ રહ્યા છો?’

તેમણે કહ્યું, ‘ભગવાનનાં દર્શન કરવા તપ કરી રહ્યો છું.’

કૃષ્ણદાસે પૂછ્યું, ‘દર્શન થયાં?’

‘ના, ભગવાનનાં દર્શન કાજે છેલ્લા બે યુગથી હું મારું તન તોડી અને મનને બ્રહ્મમાં જોડીને તપસ્યા કરું છું. શાસ્ત્રમાં તો ભગવાનને દયાનો સાગર કહ્યો છે પણ હું ધારું છું કે તે સાવ નિર્દય છે.’

શ્રી કૃષ્ણદાસજી આટલી વિગત લઈને શ્રી આચાર્ય ચરણ પાસે આવ્યા અને બોલ્યા, ‘કૃપાનાથ! આ જીવનો ઉદ્ધાર કરો. તેના હૃદયનો વિરહ તાપ શાંત કરો.’

આચાર્યજી મંદ-મંદ સ્મિત વેરતાં તપસ્વી નજીક ગયા અને કહ્યું, ‘મહારાજ! માફ કરજો પરંતુ જે વસ્તુ મેળવવા માટે તમારે જે કરવું જોઈએ એ કરતા નથી અને ભળતું જ કાર્ય કરી આપ કીમતી સમયને વેડફી રહ્યા છો.’

તપસ્વી ચમક્યો. તેણે સામે ઊભેલા શ્વેત વસ્ત્રમાં શોભતા અલૌકિક પુરુષને કહ્યું, ‘તમે કહેવા શું માગો છો‍? હું વેદ ભણ્યો છું. બધાં જ શાસ્ત્રમાં નિપુણ છું. મારી પ્રજ્ઞા આટલાં વર્ષો પછી પણ એટલી જ ધારદાર છે અને મારી તપસ્યા...’

‘મહારાજ, તમે યુગોના યુગો સુધી અહીં તપસ્યા કરશો તો પણ આ કલિયુગમાં તમને ભગવાન ક્યારેય નહીં મળે. કેમ કે ખુદ ભગવાને પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે હું તો પ્રેમનો, ભાવનાનો ભૂખ્યો છું. વેદ ભણવાથી, જ્ઞાનથી, તપથી કે યજ્ઞથી મારાં દર્શન થઈ શકતાં નથી. મારાં દર્શન માટે તો પ્રેમભર્યું હૃદય, લાગણી, શ્રદ્ધા, ભક્તિની જરૂર છે. માત્ર ભક્તિ અને એ પણ પ્રેમલક્ષણા ભક્તિ કરવાથી જ મારા દિવ્ય સ્વરૂપની ઝાંખી થઈ શકે છે. એટલે ભગવાનની ભક્તિ કરશો તો ખુદ ભગવાન તમારી પાસે તમને દર્શન દેવા પધારશે. હા, ભક્તિ સાચા હૃદયની, સાચી લગનની હોવી જોઈએ. તમે આ રીતે કાયાનું દમન કરી અને તમારા અંતરમાં રહેલા ભગવાનને વશ કરવા માગતા હો તો ભગવાન એનાથી ડરી જતા નથી કે પ્રસન્ન થતા નથી.’

કલિયુગમાં ભક્તિ સિવાય ભગવાનનાં દર્શનની આશા રાખવી જ વ્યર્થ છે. માનવીના હૃદયમાં પ્રભુ પ્રત્યે છલકાતો સ્નેહ જ તેને ખુદ પ્રભુની નજીક દોરી જાય છે.

શ્રીમદ્ વલ્લભાચાર્યજીના વચનામૃતે તપસ્વીના અંતરાત્માને ઢઢોળી નાખ્યો અને તેને સાચી પરિસ્થિતિનું ભાન થતાં જ તે શ્રી મહાપ્રભુજીનાં ચરણોમાં ઢળી પડ્યો.

culture news life and style lifestyle news columnists gujarati mid day exclusive