શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૪૦ : લૌકિક કાર્યો ઓછાં કરી પૂર્ણ ચંદ્રનાં કિરણોનો અલૌકિક આનંદ મેળવવાનો પ્રયાસ કરજો

11 February, 2025 10:57 AM IST  |  Mumbai | Mukesh Pandya

આમ તો દર મહિને પૂનમ આવતી હોય છે, પરંતુ ઉનાળા, ચોમાસા દરમ્યાન આકાશમાં વાદળો ગોરંભાતાં હોવાને કારણે ક્યારેક પૂર્ણ ચંદ્ર દર્શન કરવાનો લહાવો મળતો નથી

કુંભ મેળો

આમ તો દર મહિને પૂનમ આવતી હોય છે, પરંતુ ઉનાળા, ચોમાસા દરમ્યાન આકાશમાં વાદળો ગોરંભાતાં હોવાને કારણે ક્યારેક પૂર્ણ ચંદ્ર દર્શન કરવાનો લહાવો મળતો નથી. અષાઢ, શ્રાવણ અને ભાદરવામાં વાદળો વરસી ગયા બાદ આકાશ સ્વચ્છ થવા લાગે છે. આસો મહિનાની શરદ પૂનમે ઘણા સમય બાદ પૂર્ણ ચંદ્રનાં દર્શન સારી રીતે થાય છે. ત્યાર બાદ કારતકથી લઈને માગશર, પોષ, મહા, ફાગણ સુધીના મહિનાઓમાં પૂર્ણિમાનો પૂર્ણ લાભ લઈ શકાય છે. વળી પાછું ગરમી વધતી જાય તેમ તેમ સમુદ્રનાં પાણીનું બાષ્પીભવન થઈ વરાળો ઉપર જવા લાગે છે. વાદળો બંધાવાની શરૂઆત થાય છે.

આવતી કાલે મહા સુદ પૂનમના દિવસે પૂર્ણ ચંદ્રદર્શનનો લાભ જરૂર મળશે. ચંદ્રનાં કિરણો વિપુલ પ્રમાણમા પધારશે. આ લાભ લેવા શાહી સ્નાનમાં ન જઈ શકાય તો સ્થાનિક નદીઓ પણ પસંદ કરી શકાય.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ પૂનમ કેટલી લાભકારક છે એ આપણે ગઈ કાલે જોયું. હવે જ્યોતિષની દૃષ્ટિએ માઘ પૂનમનું  મહત્ત્વ જોઈએ તો ઍસ્ટ્રોલૉજિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અમદાવાદના સંસ્થા સંચાલક જાણીતા જ્યોતિષાચાર્ય આશિષ રાવલ જણાવે છે કે  ‘આવતી કાલે ૧૨ ફેબ્રુઆરીને બુધવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૧માં મહા સુદ પૂર્ણિમા આવી રહી છે. બારેમાસની બધી જ પૂર્ણિમા કરતાં આ ઉત્તમ પૂર્ણિમા છે. આ દિવસે તીર્થસ્થળે માઘ સ્નાન અને દાન કરવાનું ખૂબ મહત્ત્વ છે.

હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ ૧૪૪ વર્ષ બાદ યોજાયો છે ત્યારે અહીંના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી અર્ગ આપવાથી જન્મોજન્મના પાપો નાશ પામે છે, સાથોસાથ અત્યંત લાંબા સમયથી પીડિત ચામડીના દરદીઓને બીમારીમાંથી રાહત કે મુક્તિ અવશ્ય આપશે.

આ સ્નાન કરવાનું વિશેષ  મહત્ત્વ પદ્મ ૮ પુરાણમાં સમજાવેલું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂનમની રાત્રિએ ચંદ્રનાં દર્શન કરવાથી જન્મલગ્ન કુંડળીમાં ચંદ્રગ્રહ પીડિત જાતકો માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ચંદ્ર ગ્રહ બળવાન થશે. બુધવારે પૂનમ આવતી હોવાથી ઘરે કે ઑફિસે સત્યનારાયણની કથા કરવાથી સર્વ પ્રકારે લાભપ્રદ બની રહેશે તેમ જ સફેદ રંગની ચીજવસ્તુઓ કે કાચું સીધું સામાન બ્રાહ્મણને આપવાનું અનેરું મહત્ત્વ રહેલું છે. આવા દિવસે શક્ય હોય તો વામકુિક્ષ કરવી નહીં, બ્રહ્મચર્ય વ્રત પાળવું તેમ જ અસત્ય બોલવું નહીં. આ દિવસે જે લોકો વ્રત રાખે છે અને સત્યનારાયણનું પૂજન કરે છે તેમ જ તેમની કથા સાંભળે છે તેમને શુભ ફળ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખનાર બધાની મનોકામના પરિપૂર્ણ થાય છે.

ખરેખર જૂના દિવસો પાછા લાવવા જોઈએ. લોકોને પૂનમનું મહત્ત્વ સમજાવી તેઓ કુંભ સ્નાન ન કરવા જઈ શકે તો ચાંદની સ્નાન કરવા પ્રેરાય એ રીતે દરેક પૂનમે આયોજન કરવું જોઈએ.

શહેરમાં કૃત્રિમ રોશનીની ભરમારમાં ચંદ્રનું મહત્ત્વ ભુલાતુ જાય છે, પરંતુ પૂનમની રાત્રિએ બને એટલો અંધારપટ કરીને કુદરતી ચંદ્રકિરણોનો લાભ લેવો જોઈએ. અગાઉના સમયમાં શરદ પૂનમની રાત્રિએ મુંબઈવાસીઓ દરિયાકિનારે કે મકાનની અગાશીઓ પર પહોંચી જઈ ચંદ્રનાં શીતળ કિરણોનો લાભ લેતાં. ખીર કે દૂધપૌંવા બનાવી એના ઉપર ચંદ્રનાં કિરણો પડે એવી રીતે રાખી પછી એ ઔષધિયુક્ત પ્રસાદ ગ્રહણ કરતા. પોષ મહિનાની પૂનમે છોકરીઓ વ્રત કરતી અને ચંદ્રની પૂજા-પ્રાર્થના કરતી. આ બહાને લોકો ચંદ્રની નિકટ રહેતા. કૃષ્ણ-રાધા પૂનમની રાત્રિએ રાસ રમતાં. આ બધી ક્રિયાઓ હવે ભુલાતી જાય છે. જેમ અવાજનું પ્રદૂષણ હોય છે એમ કૃત્રિમ પ્રકાશનું પણ પ્રદૂષણ હોય છે. ચંદ્રની રોશનીથી રાત્રે વનસ્પતિઓમાં, ફળફૂલોમાં જે રસ ભરાતો હોય છે એમાં પણ આ સિન્થેટિક લાઇટ્સથી બાધા ઉત્પન્ન થતી હોય છે. પશુ, પક્ષી અને નિશાચર જીવો પણ ઘોર રાત્રિએ રેલાતા કૃત્રિમ પ્રકાશથી મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. દુ:ખ પામતા હોય છે.

આવા અનર્થોથી બચવા-બચાવવા પૂનમના દિવસે રજા પાળવાનો રિવાજ ફરી શરૂ કરવો જોઈએ જેથી કૃત્રિમ પ્રકાશને બંધ રાખી કુદરતી ચાંદનીનું ઉત્તમમાં ઉત્તમ સાંનિધ્ય માણી શકાય.

(ક્રમશઃ)

prayagraj uttar pradesh kumbh mela culture news life and style religion religious places columnists gujarati mid-day mental health health tips