13 February, 2025 01:04 PM IST | Mumbai | Mukesh Pandya
કુંભ મેળો
જયા બચ્ચન રાજ્યસભાનાં સંસદસભ્ય છે. સમાજવાદી પક્ષે ઉત્તર પ્રદેશમાંથી તેમને ચૂંટીને મોકલ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી જયાબહેનનો બફાટ વધતો જાય છે એ ત્યાં સુધી કે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સાથે પણ વાદવિવાદમાં ફસાયાં હતાં.
કુંભ સ્નાનના પાણીની ક્વૉલિટી વિશે શંકા વ્યક્ત કરતાં તેમણે એમ કહ્યું હતું કે ‘અત્યારે સૌથી વધુ દૂષિત પાણી ક્યાં છે? કુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે પાણી દૂષિત થઈ ગયું છે.’
આવું કશું બન્યું નથી છતાંય ગઈ કાલે જણાવ્યું હતું એમ મૃતદેહો તરતા હોય તો પણ એમાં અને આસપાસના પાણીમાં રહેલા રોગાણુઓનો નાશ કરવાની ક્ષમતા ગંગા નદીમાં છે.
ગંગાજળમાં એવો કયો ઘટક છે જે એમાં પ્રવેશતા કીટાણુઓનો ખાતમો બોલાવે છે એ શોધવા જતાં અત્યાર સુધીમાં એટલું સમજાયું છે કે આ કામ બે રીતે થાય છે એક ફેઝ થેરપીથી બૅક્ટેરિયાનો નાશ અને બીજું રેડોનના કિરણોત્સર્ગથી બૅક્ટેરિયાનો નાશ.
પ્રથમ રીત પ્રમાણે જોવા જઈએ તો ઈસવી સન ૧૯૧૭માં ફ્રાન્સના ડી. હેરેલે પૅરિસમાં મરડાના રોગથી મૃત્યુ સમીપે પહોંચેલાં બાળકો પર ગંગાજળથી પ્રયોગો કર્યા હતા અને તેમના આશ્ચર્ય વચ્ચે બાળકો સાજાં થઈ ગયાં હતાં. વધુ પરીક્ષણ કરતાં તેમને ગંગાજળમાં વાઇરસ મળી આવ્યા હતા જે રોગાણુઓનો ઉપયોગ પોતાના આહાર તરીકે કરતા હતા. એટલું જ નહીં પણ મરી ગયેલા કીટાણુઓની શરીર-સંપત્તિનો ઉપયોગ કરીને પોતાના જેવા જ અસંખ્ય વાઇરસ પેદા કરી શકતા હતા. આવા વાઇરસને ‘બૅક્ટેરિયા ફેઝ’ નામ અપાયું. પોતાના જેવા અન્ય અનેક બૅક્ટેરિયા પેદા કરી દુશ્મનોને મારવા અને દુશ્મનોના શરીરમાં રહેલાં દ્રવ્યો વાપરી પોતાની વસ્તીને વધારતા જવું એ જ બૅક્ટેરિયા ફેઝનું કામ. આ રીતે માનવશરીરની અંદર ફેઝ બૅક્ટેરિયા અને દુશ્મન કીટાણુ વચ્ચે યુદ્ધ ચાલે અને કીટાણુઓનો ખાતમો થાય. માણસ સાજો-નરવો થઈ જાય. આ થિયરી જે ફેઝ થેરપી તરીકે ૧૯૨૦-’૨૮ના ગાળામાં સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ હતી, પરંતુ ૧૯૨૮માં ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી અને ઍન્ટિબાયોટિક દવાની શરૂઆત થઈ. શરૂઆતમાં આ દવા ઘણી જ અસરકારક, પરંતુ રોગાણુઓની નવી પેઢી આ ઍન્ટિબાયોટિક્સને પણ ન ગાંઠે એવી સક્ષમ બનતી ગઈ. પરિણામે વધુ ને વધુ શક્તિશાળી ઍન્ટિબાયોટિક્સ દવા મનુષ્યના શરીરમાં ઠલવાતી ગઈ. આવી દવાની શરીર પર ખરાબ અસર થવા લાગી. આથી સમગ્ર વિશ્વમાં અત્યારે સંશોધન થઈ રહ્યાં છે કે ગંગાજળમાં મળી આવે છે એવા બૅક્ટેરિયા ફેઝને વિકસાવી એમાંથી વિવિધ રૂપની દવા બનાવી શકાય કે કેમ?
બીજું, ગંગા નદીમાં અલ્પ આયુષ્ય ધરાવતા કિરણોત્સર્ગી તત્ત્વ રેડિયમમાંથી બનેલું રેડોન પણ રહેલું છે. આ તત્ત્વમાંથી વછૂટતાં કિરણો નાના-મોટા જીવાણુઓનો નાશ કરી શકે છે જેથી નદીનું પાણી પોતે તો શુદ્ધ રહે છે અને એના સંસર્ગમાં આવનાર મનુષ્યના શરીરમાંથી પણ રોગાણુઓને મારી હટાવે છે.
ગંગાનું પાણી હિમાલયની અદ્ભુત ખનીજશક્તિ ધરાવતી જમીન પરથી ઘસડાઈ આવતું હોય છે ત્યારે ઘણાંય ઉપયોગી ખનીજો જેવાં કે કોબાલ્ટ, જસત, તાંબું મૅન્ગેનીઝ વગેરે પાણીમાં ભળી જઈ મનુષ્ય માટે વરદાનરૂપ બની જાય છે. આજના વિજ્ઞાને એટલું તો સાબિત કર્યું જ છે કે ખનીજયુક્ત પાણી અર્થાત્ મિનરલ વૉટર પીવું ઉત્તમ છે.
ગંગોત્રીથી દેવપ્રયાગ સુધીનું પાણી હજી પણ આવું ચમત્કારયુક્ત છે. જો શહેરોની નજીક આવેલી ગંગાને પણ એમાં ભળેલાં ઔદ્યોગિક રસારણોથી મુક્ત કરી શકાય તો દેશના વધુ ને વધુ લોકો એનો ફાયદો ઉઠાવી શકે છે.
ભગવાન શ્રીકૃષ્ણે ભગવદગીતામાં કહ્યું છે કે વહેતી નદીમાં ગંગા હું છું. આ તેમણે અમસ્તું તો નહીં જ કહ્યું હોય.
(ક્રમશઃ)